Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2849 of 4199

 

સમયસાર ગાથા ર૮૬-ર૮૭ ] [ ૩૬૯

શું કહે છે? કે પરના લક્ષે થતા એ પુણ્ય-પાપના કાર્યને-નૈમિત્તિક બંધને ભગવાન આત્મા સ્વસ્વરૂપના આશ્રયે તત્કાળ જ દૂર કરી નાખે છે. ‘તત્કાળ જ’ એટલે શું? કે જેમ જે સમયે પ્રકાશ થાય તે જ સમયે અંધારૂં જાય અને જે સમયે અંધારૂં જાય તે જ સમયે પ્રકાશ થાય; બન્નેને કાળભેદ નથી, અંધારૂં જવાનો ને પ્રકાશ થવાનો એક જ કાળ છે; તેમ ભગવાન આત્મા જે સમયે પરનું લક્ષ છોડીને પર તરફના ઝુકાવના પુણ્ય-પાપના ભાવ છોડે છે તે જ સમયે સ્વભાવના લક્ષમાં આવે છે ને સ્વના આશ્રયવાળી નિર્મળ પરિણતિ પ્રગટ થાય છે અને તે જ સમયે વિભાવ-વિકારનું કાર્ય જે બંધ તે દૂર થઈ જાય છે. આત્મામાં સ્થિર થવું ને વિકાર ને વિકારના કાર્યનો અભાવ થવો એ બન્નેનો કાળ એક જ છે.

પ્રશ્નઃ– હવે આમાં શું કરવું? પૈસાનો સદુપયોગ કરવો કે શરીરનો સદુપયોગ કરવો-એવું કાંઈ તો આમાં આવતું નથી.

ઉત્તરઃ– અરે, સાંભળને ભાઈ! તું પરનું શું કરી શકે છે? કાંઈ જ નહિ. આ શરીર તો જડ માટી-ધૂળ છે, ને પૈસાય ધૂળ છે. એનો સદુપયોગ તું શું કરે? જે તારાથી ભિન્ન છે એનું તું શું કરે? દાન દેવાનો ભાવ હોય તો પુણ્ય થાય, અને એમાંય માનની-મોટપની અધિકતા હોય તો પાપ બાંધે. એક ભગવાન આત્મા પોતે સ્વ તેના આશ્રયે જ ધર્મ થાય અને સ્વ-આશ્રય કરવો ને પર-આશ્રય છોડવો એ જ કર્તવ્ય છે. સમજાણું કાંઈ...?

અહીં કહે છે-રાગાદિકના કાર્યરૂપ અનેક પ્રકારના બંધને દૂર કરીને ‘एतत् ज्ञानज्योतः આ જ્ઞાનજ્યોતિ- ‘क्षपिततिमिरं’ કે જેણે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે તે- ‘साधु’ સારી રીતે ‘सन्नद्धम्’ સજ્જ થઈ,... ...

અહાહા...! એકલા જ્ઞાન-જ્ઞાન-જ્ઞાનના પ્રકાશનું પૂર જ્ઞાનજ્યોતિસ્વરૂપ પ્રભુ અંદર પોતે છે તેમાં એકાગ્ર થતાં તે તત્કાળ પર્યાયમાં પ્રગટ થાય છે. હવે આને ધર્મ કહેવો માણસને (ક્રિયાકાંડીને) ભારે પડે છે. પણ ભાઈ! આત્મા છે એનો સ્વભાવ જ જ્ઞાન છે. જેમ ગળપણ ગોળનો સ્વભાવ છે તેમ ભગવાન આત્માનો જ્ઞાન સ્વભાવ છે. અહાહા...! જાણવું એ એનો સ્વભાવ છે, પણ રાગ કરવો એ એનો સ્વભાવ નથી. તેમ જાણવું એ રાગનો સ્વભાવ નથી. રાગ તો જડ અજ્ઞાનભાવ છે ભાઈ! આ બધા ક્રિયાકાંડ જડ અજ્ઞાનભાવ છે, આંધળા છે. અહાહા...! એ અજ્ઞાનરૂપી તિમિરનો નાશ કરી જ્ઞાનજ્યોતિ અંદરમાં પ્રગટ થાય છે. એટલે શું? કે જ્ઞાનજ્યોતિ પ્રગટતાં આ ક્રિયાકાંડ મારા ને ભલા એવો અજ્ઞાનભાવ નાશ પામી જાય છે.

અહા! અજ્ઞાનીએ અનાદિથી રાગ ને જ્ઞાન એક માન્યાં છે તે એની ભ્રમણા ને