સમયસાર ગાથા-ર૯૩ ] [ ૩૯૧ વિકાર કરનારા એવા બંધોના સ્વભાવને જાણીને, બંધોથી વિરમે છે, તે જ સર્વ કર્મોથી મૂકાય છે.’
‘જે, નિર્વિકાર ચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વભાવને....’ જોયું? ભગવાન આત્મા નિર્વિકાર ચૈતન્યચમત્કારમાત્રસ્વભાવ છે. અહાહા...! દેહથી અને અંદર થતા પુણ્ય-પાપના ભાવોથી ભિન્ન આત્મા નિર્વિકાર ચૈતન્યચમત્કારમાત્ર છે. અહા! તે કોઈની દયા પાળે, કોઈની હિંસા કરે, કોઈ ને કાંઈ દે ને કોઈથી કાંઈ લે-એવો એનો સ્વભાવ જ નથી એવો એ ચૈતન્યચમત્કારમાત્ર પ્રભુ છે. ગજબ વાત છે પ્રભુ! કરે કોઈનું કાંઈ નહિ અને જાણે સૌને - ત્રણકાળ ત્રણલોકને - એવો એ ચૈતન્યચમત્કારમાત્ર છે.
અહો! આત્માનો સ્વભાવ મહા આશ્ચર્ય પમાડે તેવો છે. એક રજકણને ફેરવે નહિ પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ પદાર્થ સહિત આખા લોકાલોકને જાણે એવો એનો સ્વભાવ છે. અહીં ‘ચૈતન્યચમત્કારમાત્ર’ કેમ કહ્યો? કેમકે આત્માનો જાણવામાત્ર સ્વભાવ છે, પણ પરનું ને રાગનું કરવું એ એનો સ્વભાવ નથી. પુણ્ય - પાપના ભાવ આત્માની ચીજ છે એમ નથી. અહા! પુણ્ય - પાપના ભાવ આત્માથી અન્ય છે. જેમ શરીર આત્માથી જુદી ચીજ છે તેમ પુણ્ય - પાપના વિકારી ભાવ આત્માથી જુદી ચીજ છે.
અહીં કહે છે - એવા આત્મસ્વભાવને અને તેને વિકાર કરનારા બંધોના સ્વભાવને જાણીને - જાણવાનું તો બેયને કહ્યું. આત્મા ચિત્ચમત્કારમાત્ર વસ્તુ છે ને પુણ્ય - પાપના શુભાશુભ ભાવો તેને વિકાર કરનારા બંધસ્વભાવો છે - એમ બેયને જાણીને, જે બંધોથી વિરમે છે અર્થાત્ રાગથી વિરક્ત થાય છે તે જ સર્વ કર્મોથી મૂકાય છે. લ્યો, આ ધર્મ કેવી રીતે થાય છે તે કહ્યું. શું કહ્યું? કે આ વ્યવહારરત્નત્રયનો રાગ કે જે બંધસ્વભાવ છે તેનાથી જે વિરમે છે, વિરક્ત થાય છે તે જ સર્વ કર્મથી મૂકાય છે, અર્થાત્ મુક્તિ પામે છે. આવી વાત વ્યવહારના રસિયાને આકરી પડે પણ આ સત્ય છે. સમજાણું કાંઈ..?
લૌકિકમાં તો પોતે ધંધા આદિ પાપની પ્રવૃત્તિથી નિવૃત્ત ન થતો હોય એટલે એ બધું છોડી જે બહારમાં મહાવ્રતાદિ પાળતો હોય એ ધર્માત્મા છે એમ લોકો માને છે, પણ અહીં કહે છે - એ પંચમહાવ્રતાદિના પરિણામ શુભરાગ છે, આત્માને વિકાર કરનારો ભાવ છે. વ્યવહારમાત્ર વિકાર કરનારા બંધસ્વભાવવાળા ભાવો છે. અહા! એનાથી જે વિરમે છે તે જ કર્મોથી મૂકાય છે.
‘આથી (- આ કથનથી) આત્મા અને બંધનું દ્વિધાકરણ જ મોક્ષનું કારણ છે - એવો નિયમ કરવામાં આવે છે.’
અહા! રાગથી - વિકારથી આત્માને ભિન્ન કરવો એ જ મોક્ષનું કારણ છે એવો નિયમ આથી સિદ્ધ થાય છે. રાગથી ભિન્ન આત્માની પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન,