સમયસાર ગાથા-૨૯૪ ] [ ૪૧૩ છે તેથી તેઓ એક જેવા થઈ રહ્યા દેખાય છે. એક છે, વા એક થાય છે એમ નહિ, પણ અજ્ઞાની એક માને છે તેથી એક જેવા થઈ રહ્યા છે એમ કહ્યું છે. વાસ્તવમાં તો તેઓ ભિન્ન જ છે, એક નથી, એક થયા નથી.
રાગ જ્યાં આત્માથી ભિન્ન છે ત્યાં આ શરીર ને સ્ત્રી-પુત્ર-પરિવાર, દીકરા- દીકરીયું ને પૈસા-એ બધાં એનાં ક્યાં રહ્યાં? એ તો ક્યાંય દૂર રહી ગયાં. એને પોતાનાં માનવાં એ તો નર્યું સ્થૂળ ગાંડપણ છે. અરે! પોતાના શાશ્વત શુદ્ધ ચૈતન્યનો નકાર કરીને, પરને પોતાનાં માની એ ચારગતિમાં અનંતકાળથી દુઃખભારને વહેતો પરિભ્રમણ કરે છે! તેને અહીં દુઃખથી છૂટવાનો આચાર્યદેવ ઉપાય બતાવે છે. કહે છે-
‘તેથી તીક્ષ્ણ બુદ્ધિરૂપી છીણીને-કે જે તેમને ભેદી જુદા જુદા કરવાનું શસ્ત્ર છે તેને-તેમની સૂક્ષ્મ સંધિ શોધીને તે સંધિમાં સાવધાન થઈને પટકવી. તે પડતાં જ બન્ને જુદા જુદા દેખાવા લાગે છે.’
જેમ લાકડાના બે ટુકડા કરનારું શસ્ત્ર તીક્ષ્ણ કરવત હોય છે તેમ પ્રજ્ઞાછીણી અર્થાત્ અંતર્મુખ વાળેલી જ્ઞાનની દશા-તે આત્મા અને રાગને જુદા પાડવા માટેનું તીક્ષ્ણ કરવત છે. અહીં કહે છે-જ્ઞાન (-આત્મા) અને રાગની સૂક્ષ્મ સંધિ-સાંધને શોધીને તે સાંધમાં સાવધાન થઈને અર્થાત્ અંતઃપુરુષાર્થ વડે તીક્ષ્ણ પ્રજ્ઞા-કરવતને પટકવી. એમ કરતાં જ્ઞાન રાગથી છૂટું પડી જશે એને શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં એકમેક થશે. ઝીણી વાત છે પ્રભુ! જ્યાં અંતર્મુખ વળેલું જ્ઞાનસ્વભાવમાં એકમેક થયું ત્યાં સ્વ સ્વપણે અને રાગ પરપણે-એમ બન્ને જુદેજુદા દેખાવા લાગશે. અહા! જ્ઞાન સ્વસ્વરૂપમાં એકાગ્ર થતાં તેમાં રાગ પરપણે જણાય છે. આ પ્રમાણે જ્ઞાન ને રાગ બન્ને ભિન્ન પડી જાય છે.
લ્યો, આ ઉપદેશ ને આવો મારગ! કોઈને થાય કે-પાંચ દસ લાખનું દાન કરવાનું કહે કે પાંચ દસ ઉપવાસ કરવાનું કહે તો સહેલું પડે. પણ બાપુ! એવું તો અનંતવાર કર્યું છે; એની ક્યાં નવાઈ છે? અનાદિથી જ તું કરી રહ્યો છો. પરંતુ એ કાંઈ ધર્મ કે મોક્ષમાર્ગ નથી. ખરેખર તો અંદર અતીન્દ્રિય આનંદની-શુદ્ધિની પ્રગટતા થઈ તેની વૃદ્ધિ થવી તે તપ છે, અને તે ચારિત્ર છે. બાકી વ્રત આદિના શુભભાવ એ તો બંધનું લક્ષણ છે. એને તું ધર્મ માને છે એ તો દ્રષ્ટિનો મહાન ફેર છે. (એ દ્રષ્ટિ સમ્યક્ નથી).
હવે કહે છે- ‘એમ બન્ને જુદા જુદા દેખાતાં, આત્માને જ્ઞાનભાવમાં જ રાખવો અને બંધને અજ્ઞાનભાવમાં રાખવો. એ રીતે બન્નેને ભિન્ન કરવા.’
કહે છે-આ પ્રમાણે ભેદજ્ઞાન સિદ્ધ થતાં અખંડ એક જાણગ... જાણગ જેનો સ્વભાવ છે એવા શુદ્ધ આત્માનું વલણ કરી તેમાં એકાગ્ર થવું ને દયા, દાન, વ્રત આદિ બંધને અજ્ઞાનમય ભાવ જાણી હેય કરવા. આ રીતે બન્નેને ભિન્ન કરવા.