૪૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
અહાહા...! ભગવાન આત્મા અંદરમાં ચિન્મૂર્તિ પ્રભુ આનંદ-અમૃતનો સાગર છે. એમાં જે રાગની વૃત્તિ ઉઠે તે ઝેર છે. અહા! એ ઝેર ને અમૃતની વચ્ચે તીક્ષ્ણ પ્રજ્ઞાછીણી નાખતાં બંને જુદા પડી જાય છે અને ત્યારે તે (-પ્રજ્ઞા) જ્ઞાન-અમૃતનું પાન કરે છે એનું નામ ભેદજ્ઞાન, સમ્યગ્જ્ઞાન અને ધર્મ છે. અહો! મોક્ષનું મૂળ આ ભેદવિજ્ઞાન જ છે. રાગને રાગ-પર જાણીને રાગથી જુદું રહેનારું અને આનંદ-અમૃતનું પાન કરનારું જ્ઞાન મોક્ષ પામે છે. ભાઈ! જન્મ-મરણનો અંત લાવવાનો આ ભેદજ્ઞાન જ એક ઉપાય છે. બાકી બધાં (વ્રત, તપ આદિ વિકલ્પો) થોથેથોથાં છે. સમજાણું કાંઈ...?
ભેદજ્ઞાનને એક ન્યાયે વિકલ્પ પણ કહે છે. એ બે વચ્ચે હોય છે ને? બેનું લક્ષ રહે છે ત્યાં સુધી વિકલ્પ રહે છે. રાગ અને આત્મા બેને ભિન્ન જાણવા એમ આવ્યું ને? તેથી જ્યાં સુધી બેનું લક્ષ છે ત્યાં સુધી સૂક્ષ્મ વિકલ્પ છે. પણ અંદરમાં જ્ઞાયકમાં-એકમાં જાય છે તો ભેદવિજ્ઞાનનું નિર્વિકલ્પ પરિણમન થઈ જાય છે. અહીં આ ગાથામાં પ્રજ્ઞાછીણી શબ્દે સ્વાનુભવ-જ્ઞાન સમજવું, માત્ર વિકલ્પ નહિ.
અરે! એને આ સમજવાની ક્યાં ગરજ છે? અરેરે! પ્રભુ! તું કોણ છો? આ સમજ્યા વિના અંદર ત્રણલોકનો નાથ તું ક્યાં જઈશ એનો વિચાર છે તને? અહીં સહેજ પણ પ્રતિકૂળતા ગોઠતી નથી તો મિથ્યાત્વના ફળમાં ભવિષ્યે અનંતી પ્રતિકૂળતા આવશે તેને કેમ સહન કરીશ? અહા! ધર્મ- સ્થાનકમાં પણ તને પંખા જોઈએ! થોડી પ્રતિકૂળતાને અવગણીને તું ધર્મશ્રવણના કાળમાં ચિત્તને એકાગ્ર ન કરે તો તું ક્યાં જઈશ પ્રભુ? અહા! જગતને ખબર નથી; જગત આંધળે-આંધળું છે, પણ બાપુ! પરચીજ અનુકૂળ-પ્રતિકૂળ છે એવા ભાવમાં તું અનંતકાળ સંસારમાં રખડીશ. અહા! એવા ભાવનું ફળ એવું જ છે ત્યાં શું થાય?
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
અહો! ભેદજ્ઞાનનો આ અલૌકિક કળશ છે. અરે! અનંતકાળમાં એણે એક ક્ષણવાર પણ ભેદજ્ઞાન કર્યું નથી!
અહા! આ આત્મા ચૈતન્યપ્રકાશનું પૂર છે. જેમ નદીમાં ઘોડાપૂર હોય છે ને? તેમ આ દેહમાં બિરાજમાન ભગવાન આત્મા ચૈતન્યપ્રકાશનું પૂર છે. અહાહા...! તું એકલો ચૈતન્યરસનો-આનંદરસનો-દરિયો પ્રભુ છે. પણ એની વર્તમાન દશામાં પુણ્ય-પાપના ભાવ ઉત્પન્ન થાય તે ઝેર છે. અહા! આ ઝેરને છૂટું પાડવાની અહીં વાત છે. તો કહે છે-રાગનું લક્ષ મટાડી વર્તમાન જ્ઞાનની દશા ચિદાનંદઘન પ્રભુ આત્મા પ્રતિ ઢળી જાય ત્યાં રાગાદિ પુણ્ય-પાપના ભાવ ભિન્ન પડી જાય છે. આ રીતે સ્વાભિમુખ ઢળેલી જ્ઞાનની દશા તે પ્રજ્ઞાછીણી છે.