૪૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
જેમાં રાગનું જ્ઞાન છે એવી વર્તમાન જ્ઞાનની દશા આત્માથી જુદી નથી, પણ રાગ છે તે આત્માથી જુદો છે. મીણમાં સિંહનો આકાર છે તે મીણ સ્વરૂપ છે, સિંહ સ્વરૂપ નથી. તેમ ચૈતન્યમય પ્રભુ આત્મામાં રાગનું જ્ઞાન થાય તે જ્ઞાન આત્મસ્વરૂપ છે, રાગસ્વરૂપ નથી. તેથી રાગને જાણનારી તે જ્ઞાનની દશા અંતરમાં સ્વાભિમુખ વળતાં રાગ ભિન્ન પડી જાય છે અને જ્ઞાન જ્ઞાનને (-આત્માને) અનુભવે છે. આનું નામ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ અહીંથી શરૂ થાય છે.
પાછળથી ભાગલા પાડવા હોય તો પાડી શકાય એટલા માટે પહેલાંના મકાનમાં ઓસરીમાં બબ્બે થાંભલીઓ ભેગી રાખતા. જ્યારે ભાઈઓ જુદા પડે એટલે થાંભલીઓ વચ્ચે ચણતર કરી લો. ‘ભાઈઓ એક બીજાથી જુદા છે એટલે ગમે ત્યારે જુદા પડે જ. તેમ અહીં આત્મા અને કર્મ બે જુદી વસ્તુઓ છે. આત્મા એકલો જ્ઞાન ને આનંદસ્વરૂપ છે, અને કર્મ-પુણ્ય-પાપની વૃત્તિ ઉઠે તે આકુળતાસ્વરૂપ-દુઃખસ્વરૂપ છે. બન્ને વચ્ચે ભાવભેદે ભેદ-સાંધ છે, તિરાડ છે. એટલે વિવેકી પુરુષો દ્વારા અંદર સૂક્ષ્મ સાંધમાં ભગવતી પ્રજ્ઞા નાખવામાં આવતાં, તે સાંધને ભેદીને સરરરાટ અંદર શુદ્ધ સ્વરૂપમાં ઉતરી જાય છે, પ્રવેશી જાય છે ને રાગને ભિન્ન કરી દે છે. આવી વાત છે! સમજાણું કાંઈ...?
ભેદવિજ્ઞાનમાં પ્રવીણ એવા પુરુષો ‘कथम् अपि’ એટલે ‘કોઈ પણ રીતે’ અતિ નિષ્પ્રમાદી થઈને પ્રજ્ઞાછીણી પટકે છે. ‘कथम् अपि’ –કોઈ પણ રીતે એટલે શું? એટલે કે મહાયત્ન વડે, અંતર-એકાગ્રતાનો અતિ ઉગ્ર પુરુષાર્થ કરીને. જેમ વીજળીના ઝબકારામાં સોય પરોવવી હોય તો કેટલી એકાગ્રતા જોઈએ? વીજળી થાય કે તરત જ સોય પરોવી લે, જરાય પ્રમાદ ન કરે. તેમ ચૈતન્યમાં સમ્યગ્જ્ઞાનરૂપી દોરો પરોવવા ચૈતન્યની એકાગ્રતાનો ઉગ્ર પુરુષાર્થ વિવેકી પુરુષો કરતા હોય છે.
હવે બે વચ્ચે પ્રજ્ઞાછીણી કેવી રીતે પડે છે? તો કહે છે-
‘आत्मानम् अन्तः– स्थिर–विशद–लसद्–धाम्नि चैतन्यपूरे मग्नम्’ આત્માને તો જેનું તેજ અંતરંગમાં સ્થિર અને નિર્મળપણે દેદીપ્યમાન છે એવા ચૈતન્યપૂરમાં મગ્ન કરતી ‘च’ અને ‘बन्धम् अज्ञानभावे नियमितम्’ બંધને અજ્ઞાનભાવમાં નિશ્ચળ (નિયત) કરતી- ‘अभिमतः भिन्नभिन्नौ कुर्वती’ એ રીતે આત્મા અને બંધને સર્વ તરફથી ભિન્ન ભિન્ન કરતી પડે છે.
અહા! આત્મા છે તે અનાદિ-અનંત નિત્ય શાશ્વત પરિપૂર્ણ સ્વતઃ સિદ્ધ વસ્તુ છે; એનું ચૈતન્યરૂપી તેજ અંતરમાં નિત્ય, ધ્રુવ અને સ્થિર છે તથા નિર્મળપણે દેદીપ્યમાન છે. અહા! પ્રજ્ઞાછીણી આત્માને આવા ચૈતન્યપૂરમાં-ચૈતન્ય... ચૈતન્ય... ચૈતન્ય-એવા ત્રિકાળી ધ્રુવ ચૈતન્યપ્રવાહમાં મગ્ન કરતી પડે છે; અને તે બંધને અજ્ઞાનભાવમાં