સમયસાર ગાથા-૨૯૪ ] [ ૪૧૭ નિશ્ચલ-સ્થિત કરે છે. આ રીતે આત્મા અને બંધને સર્વ તરફથી ભિન્ન ભિન્ન કરી દે છે.
અહા! આ શરીર, મન, વાણી, ઇન્દ્રિયો, સ્ત્રી-પુત્ર-પરિવાર આદિ બહારના સંયોગો નાશવાન છે. એ બધી ચીજો પોતપોતાના કારણે આવીને રહી છે; અને તેઓ પોતપોતાના કારણે પલટી જશે. અહા! આને નિત્ય ધ્રુવધામ-ચૈતન્યધામ પ્રભુ આત્માની નજરુ નથી તેથી અનિત્ય ને અસ્થિર પદાર્થોને નિત્ય ને સ્થિર કરવા મથે છે. આ બધી ક્ષણિક ચીજો પોતાની સાથે સદા રહે એમ તે ઇચ્છે છે, પણ એ એનો મોહજનિત અજ્ઞાનભાવ છે, ભ્રાન્તિ છે.
વળી પરલક્ષે જે શુભાશુભ વૃત્તિઓ ઉઠે છે તે બંધ છે ને તે અજ્ઞાનભાવ છે. ‘બંધને અજ્ઞાનભાવમાં નિશ્ચલ કરતી’ એમ કહ્યું ને! રાગમાં ચૈતન્યના અંશનો અભાવ છે તેથી તે અજ્ઞાનમય ભાવ છે, અંધકાર છે. અંદરમાં સાવધાન થઈ ને અર્થાત્ ઉપયોગની જાગૃતિ રાખીને પ્રજ્ઞાછીણી પટકવામાં આવતાં તે સૂક્ષ્મ સંધિને ભેદીને એકકોર જ્ઞાનસ્વરૂપ આત્મા ને બીજીકોર અંધકારસ્વરૂપ રાગ-બન્નેને ભિન્ન પાડી દે છે. અહા! ભગવતી પ્રજ્ઞા-જ્ઞાનમય ચેતના આત્મા અને બંધને સર્વ તરફથી એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ-એમ ચોતરફથી ભિન્ન ભિન્ન કરી દે છે. બંધના-રાગના કોઈ અંશને જ્ઞાનમાં ભેળવતી નથી, ને જ્ઞાનના કોઈ અંશને બંધમાં-રાગમાં ભેળવતી નથી. અહા! આવી ભગવતી પ્રજ્ઞા-જ્ઞાનચેતના એ એક જ મોક્ષનો ઉપાય છે.
ભાઈ! તારા મોક્ષનું સાધન તારા પોતાનામાં જ છે. અહા! તેને જાણ્યા વિના અજ્ઞાનભાવે શુભરાગને મોક્ષનું સાધન માનીને અનાદિકાળથી તેં બંધનું-રાગનું જ સેવન કર્યું છે. પરંતુ રાગથી પાર અંતર્મુખ થયેલી જ્ઞાનચેતનારૂપ નિર્મળ નિર્વિકલ્પ અનુભૂતિ એ એક જ મોક્ષનું સાધન છે. અહો! એ નિર્મળ સ્વાનુભૂતિની શી વાત? વચનાતીત અને વિકલ્પાતીત એનો મહિમા છે. માટે રાગથી સાવધાન થઈ ઉપયોગને અંદર સ્વરૂપમાં લઈ જા. અહા! આઠ વર્ષની બાલિકા પણ સમ્યગ્દર્શન પામે છે ત્યારે આ રીતે જ પામે છે. સમજાણું કાંઈ...?
‘અહીં આત્મા અને બંધને ભિન્ન ભિન્ન કરવારૂપ કાર્ય છે. તેનો કર્તા આત્મા છે.’ ભગવાન આત્મા અનાદિ-અનંત શુદ્ધ ચૈતન્યસત્તાસ્વરૂપ ત્રિકાળી ભિન્ન ચીજ છે; અને. તેવી રીતે રાગાદિ વિકારના ભાવો ભિન્ન ચીજ છે. અનાદિથી અજ્ઞાન વડે બેને એક માન્યા છે. તેથી બન્નેને જુદા કરવા તે (ધર્મરૂપ) કાર્ય છે. અહીં કહે છે-તે બેને ભિન્ન કરવારૂપ કાર્યનો કર્તા આત્મા છે. કોઈ બીજો ઈશ્વર આ કાર્યને કરે છે એમ છે નહિ. અહા! સ્વતઃસિદ્ધ વસ્તુઓનો કર્તા કોઈ બીજો ઈશ્વર છે એ માન્યતા તદ્ન જૂઠી-અસત્ય છે. હવે કહે છે-