૪૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
‘ત્યાં કરણ વિના કર્તા કોના વડે કાર્ય કરે? તેથી કરણ પણ જોઈએ. નિશ્ચયનયે કર્તાથી ભિન્ન કરણ હોતું નથી; માટે આત્માથી અભિન્ન એવી આ બુદ્ધિ જ આ કાર્યમાં કરણ છે.
લ્યો, લોકો સાધનની રાડો પાડે છે ને? આ એનો અહીં ખુલાસો કરે છે કે નિશ્ચયનયે કર્તાથી ભિન્ન કરણ હોતું નથી. સત્યાર્થદ્રષ્ટિએ જોઈએ તો આત્માથી રાગાદિ બંધને ભિન્ન પાડવામાં કર્તાય આત્મા છે ને કરણેય આત્મા છે; કેમકે કરણ કર્તાથી ભિન્ન હોતું નથી. આ બંને (કર્તા ને કરણ) આત્માની પર્યાયની વાત છે. આમ તો એક પર્યાયમાં છયે કારકો હોય છે, પણ અહીં બેને મુખ્ય લીધા છે. માટે આત્માથી અભિન્ન એવી બુદ્ધિ જ-ભગવતી પ્રજ્ઞા જ આ કાર્યમાં કરણ છે. શું કીધું? કે પરસન્મુખની દિશાવાળા રાગાદિ વિકારના ભાવોને, સ્વસન્મુખની દશાવાળી પ્રજ્ઞા જ- સ્વસંવેદનજ્ઞાનની દશા જ ભિન્ન કરવાનું સાધન છે. જેમ લાકડાના બે કટકા કરનારું તીક્ષ્ણ કરવત હોય છે તેમ અંદરમાં સ્વાભિમુખ તીક્ષ્ણ પ્રજ્ઞા-એ જ રાગ ને આત્માને જુદા કરવાનું કરવત છે.
હવે કહે છે- ‘આત્માને અનાદિ બંધ જ્ઞાનાવરણાદિ કર્મ છે, તેમનું કાર્ય ભાવબંધ તો રાગાદિક છે અને નોકર્મ શરીરાદિક છે. માટે બુદ્ધિ વડે આત્માને શરીરથી, જ્ઞાનાવરણાદિક દ્રવ્યકર્મથી તથા રાગાદિક ભાવકર્મથી ભિન્ન એક ચૈતન્યસ્વભાવમાત્ર અનુભવી જ્ઞાનમાં જ લીન રાખવો તે જ (આત્મા ને બંધનું) ભિન્ન કરવું છે.’
અહા! હું એક શુદ્ધ ચિન્માત્ર જ્ઞાતા-દ્રષ્ટા પ્રભુ આત્મા છું. અહા! આવી ત્રિકાળી ચીજ તે મારું સ્વ છે-એમ સ્વને ઓળખી, તેનો અનુભવ કરી તેમાં જ લીન રહેવું એ જ આત્માને રાગથી ભિન્ન કરવું છે. આત્માનો અનુભવ કરી એમાં જ લીન રહેવું એનું નામ ભગવતી પ્રજ્ઞા છે. તેનાથી જ સર્વ કર્મનો નાશ થાય છે, સિદ્ધપદને પમાય છે, -એમ જાણવું. લ્યો, ‘ણમો સિદ્ધાણં’ -એવું સિદ્ધપદ આ રીતે પમાય છે.
પ્રભુ-આ રાગ અને આત્માને આ રીતે જુદા કર તો તારો અવતાર સફળ થશે. તેથી તને આત્મલાભ થશે, અંદર અતીન્દ્રિય આનંદ પ્રગટશે અને તને પોતાથી જ ખાત્રી થશે કે હવે મને જન્મ-મરણ નથી; કોઈને પૂછવું નહિ પડે.
અહા! આ જે સમજશે નહિ તે ચારગતિમાં રખડશે. વર્તમાનમાં આ બધા ઘણા શેઠીઆઓ છે ને? શું થાય? તેઓ બિચારા ઢોરમાં જશે. કેમ? કેમકે નરકમાં જાય એવા તીવ્ર પાપના ક્રૂર હિંસાદિના પરિણામ તેમને નથી, પણ ધનના લોભમાં તેમને માયા- કપટ-કુટિલતાના આડાઈના પરિણામ છે તેથી તેઓ મરીને ઢોરમાં જ જાય, ઢોરને કૂંખે જ જન્મ લે.
મોટા કરોડ પતિ-લક્ષ્મીપતિ છે તોય?