Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2902 of 4199

 

૪૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ એમાં કંઈક પુણ્યયોગથી સગવડતા મળી તો બધું ભૂલી ગયો, ને ચઢી ગયો મદમાં. વળી કોઈ રાગની મંદતામાં સલવાઈ ગયો; એમ કે વ્યવહાર કરતાં કરતાં થાય. અરે! એણે આ વાત સાંભળવાની ને સમજવાની દરકાર કરી નહિ!

હવે કહે છે- ‘પછી, રાગાદિક જેનું લક્ષણ છે એવા સમસ્ત બંધને તો છોડવો અને ઉપયોગ જેનું લક્ષણ છે એવા શુદ્ધ આત્માને જ ગ્રહણ કરવો.’

જુઓ, આ ભેદજ્ઞાન કહ્યું. આને છોડવો ને આને ગ્રહણ કરવો એ ભેદ કરવાના સૂક્ષ્મ વિકલ્પ તો વિકલ્પરૂપ ભેદજ્ઞાન છે. પણ આત્માની ભૂમિકામાં જે જાણવા-દેખવાનો ઉપયોગ થાય તેને એકદમ જાણનાર... જાણનાર... જાણનાર પ્રભુ જ્ઞાયક પ્રતિ વાળીને શુદ્ધાત્માનુભૂતિ કરે ત્યારે રાગાદિ જે પુણ્ય-પાપના બંધભાવો છે તેનું લક્ષ છૂટી જાય છે અને તે વાસ્તવિક ભેદજ્ઞાન છે, સમ્યગ્જ્ઞાન છે, ધર્મ છે. સમજાણું કાંઈ...?

વળી કહે છે- ‘આ જ ખરેખર આત્મા અને બંધને દ્વિધા કરવાનું પ્રયોજન છે કે બંધના ત્યાગથી શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું.’

જોયું? બન્નેને જુદા પાડવાનું પ્રયોજન જ આ છે કે રાગનું લક્ષ છોડી ચિદાનંદઘન પ્રભુ આત્માને જ ગ્રહણ કરવો-અનુભવવો. આ રીતે જ એને સમ્યગ્દર્શનજ્ઞાન ને અંતર- રમણતારૂપ ધર્મ પ્રગટ થાય છે. આ સિવાય બહારમાં દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કે નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધાથી સમકિત થવાનું કોઈ કહે તો તે અસત્ય છે, સત્યાર્થ નથી.

* ગાથા ૨૯પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘શિષ્યે પૂછયું હતું કે આત્મા અને બંધને દ્વિધા કરીને શું કરવું? તેનો આ ઉત્તર આપ્યો કે બંધનો તો ત્યાગ કરવો અને શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું.’

આત્મા ચૈતન્યલક્ષણે જાણવાલાયક છે, અને બંધને રાગલક્ષણે જાણવાલાયક- ઓળખવાલાયક છે. આમ બેને લક્ષણભેદે ભિન્ન જાણીને અંતર્મુખ ઉપયોગ વડે શુદ્ધ ચૈતન્યમય આત્માને ગ્રહણ કરવો-અનુભવવો અને રાગલક્ષણ જે બંધ એને છોડી દેવો- એમ કહે છે. આમાં એમ ન આવ્યું કે પહેલાં દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વ્યવહાર કરો ને પછી નિશ્ચય થશે. ભાઈ! વ્યવહારથી નિશ્ચય થાય એમ વસ્તુ જ નથી. રાગ જે બંધનું લક્ષણ છે એનાથી અબંધસ્વભાવી આત્મા કેમ પ્રાપ્ત થાય? ન થાય. આવી વાત છે.

[પ્રવચન નં. ૩પ૩ (શેષ) અને ૩પ૪]