૪૨૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
‘શુદ્ધ એવો આ આત્મા શા વડે ગ્રહણ કરવો? પ્રજ્ઞા વડે જ શુદ્ધ એવો આ આત્મા ગ્રહણ કરવો;...’
જુઓ આ પ્રશ્ન ને ઉત્તર! જેમ અંતરમાં વળેલી જ્ઞાનની દશા ભગવતી પ્રજ્ઞા વડે રાગને આત્માથી સર્વથા જુદો કર્યો હતો તેમ તે જ જ્ઞાનની દશા ભગવતી પ્રજ્ઞા વડે શુદ્ધ આત્માને અનુભવવો.
શિષ્યનો પ્રશ્ન છે કે એક વાર રાગને જુદો પાડયા પછી વારંવાર શુદ્ધાત્માનો અનુભવ શા વડે કરવો? એમ કે એકવાર અનુભવ થયા પછી વ્યવહાર તો આવે છે, તો શું તે વ્યવહાર વડે વા વ્યવહાર કરતાં કરતાં કાંઈ અંદરમાં વિશ્રામ-સ્થિરતા થતાં હશે એમ છે? એનો આ ઉત્તર આપવામાં આવે છે કે-
પછી પણ પ્રજ્ઞા વડે જ શુદ્ધાત્માને ગ્રહણ કરવો કેમકે પ્રજ્ઞા વડે જ અર્થાત્ આત્માના અનુભવ વડે જ આત્મા ગ્રહાય છે-પકડાય છે. ભાષા જોઈ? ‘प्रज्ञयैव’ - ‘પ્રજ્ઞા વડે જ’ એમ કહ્યું છે. મતલબ કે બીજી કોઈ રીતે નહિ. આગળની ગાથામાં બેને ‘સર્વથા જ’ ભિન્ન કરવા એમ કહ્યું હતું.
પ્રશ્નઃ– હા, પણ ભગવાનનો માર્ગ તો અનેકાન્ત છે. ઉત્તરઃ– પ્રજ્ઞા વડે જ શુદ્ધાત્માનું ગ્રહણ થાય, બીજી રીતે ન થાય એ અનેકાંત છે. હવે તેનું કારણ આપે છેઃ- ‘કારણ કે શુદ્ધ આત્માને, પોતે પોતાને ગ્રહતાં, પ્રજ્ઞા જ એક કરણ છે-જેમ ભિન્ન કરતાં પ્રજ્ઞા જ એક કરણ હતું તેમ.’
શું કહે છે? કે જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માને જ્ઞાનલક્ષણે લક્ષિત કરીને તથા દયા, દાન, વ્રતાદિ વ્યવહારના રાગને બંધના લક્ષણપણે જાણીને જેમ બંધને સર્વથા જ લક્ષમાંથી છોડી દીધો ને ભગવાન આત્માને અંતર-એકાકાર જ્ઞાન-પ્રજ્ઞા વડે ગ્રહણ કર્યો -અનુભવ્યો તેમ ભગવાન આત્માને દ્રષ્ટિમાં લઈ, મોક્ષને માટે, પોતે પોતાને વિશેષપણે પ્રજ્ઞા વડે જ અનુભવવો. અહા! પ્રજ્ઞા જ એક મોક્ષનું કરણ-સાધન છે. અહા! આત્માનો અનુભવ જ એક રાગથી ભિન્ન પડવાનું ને આત્માને ગ્રહવાનું સાધન છે. પણ એમ નથી કે બીજું કોઈ (દયા, દાન, વ્રત આદિ વ્યવહારરત્નત્રય) પણ સાધન છે.
કહે છે-રાગથી ભિન્ન પડવામાં અને આત્માને ગ્રહવામાં પ્રજ્ઞા જ એક કરણ છે. આત્મા આત્માના અનુભવમાં રહે એ એક જ મોક્ષ પ્રાપ્ત કરવાનું સાધન છે. વ્યવહાર સાધન છે એમ બીલકુલ નથી. સાધન એક જ છે; પણ તેનું નિરૂપણ બે પ્રકારે કરવામાં આવે છે. શાસ્ત્રમાં જ્યાં વ્યવહારને સાધન કહ્યું હોય તો તે નિમિત્ત વા સહચરનું જ્ઞાન કરાવવા ઉપચારથી કહ્યું છે એમ યથાર્થ જાણવું.
લ્યો, નિમિત્તથી ને વ્યવહારથી થાય એ વાતનો અહીં સ્પષ્ટ નિષેધ કર્યો છે. ‘પ્રજ્ઞા જ એક કરણ છે’ એમ ઉત્તર કરીને નિમિત્ત ને વ્યવહારના સર્વ વિવાદનું સમાધાન કરવામાં આવ્યું છે.