अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा।। २९७।।
अवशेषा ये भावाः ते मम परा इति ज्ञातव्याः।। २९७।।
હવે પુછે છે કે-આ આત્માને પ્રજ્ઞા વડે કઈ રીતે ગ્રહણ કરવો? તેનો ઉત્તર કહે છેઃ-
ગાથાર્થઃ– [प्रज्ञया] પ્રજ્ઞા વડે [गृहीतव्यः] (આત્માને) એમ ગ્રહણ કરવો કે- [यः चेतयिता] જે ચેતનારો છે [सः तु] તે [निश्चयतः] નિશ્ચયથી [अहं] હું છું, [अवशेषाः] બાકીના [ये भावाः] જે ભાવો છે [ते] તે [मम पराः] મારાથી પર છે [इति ज्ञातव्यः] એમ જાણવું.
ટીકાઃ– નિયત સ્વલક્ષણને અવલંબનારી પ્રજ્ઞા વડે જુદો કરવામાં આવેલો જે ચેતક (-ચેતનારો), તે આ હું છું; અને અન્ય સ્વલક્ષણોથી લક્ષ્ય (અર્થાત્ ચૈતન્યલક્ષણ સિવાય બીજાં લક્ષણોથી ઓળખાવાયોગ્ય) જે આ બાકીના વ્યવહારરૂપ ભાવો છે, તે બધાય, ચેતકપણારૂપી વ્યાપકના વ્યાપ્ય નહિ થતા હોવાથી, મારાથી અત્યંત ભિન્ન છે. માટે હું જ, મારા વડે જ, મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું. આત્માની, ચેતના જ એક ક્રિયા હોવાથી, ‘હું ગ્રહણ કરું છું’ એટલે ‘હું ચેતું જ છું’; ચેતતો જ (અર્થાત્ ચેતતો થકો જ) ચેતું છું, ચેતતા વડે જ ચેતું છું, ચેતતા માટે જ ચેતું છું, ચેતતામાંથી જ ચેતું છું, ચેતતામાં જ ચેતું છું, ચેતતાને જ ચેતું છું. અથવા-નથી ચેતતો; નથી ચેતતો થકો ચેતતો, નથી ચેતતા વડે ચેતતો, નથી ચેતતા માટે ચેતતો, નથી ચેતતામાંથી ચેતતો, નથી ચેતતામાં ચેતતો, નથી ચેતતાને ચેતતો; પરંતુ સર્વવિશુદ્ધ ચિન્માત્ર (-ચૈતન્યમાત્ર) ભાવ છું.