૪૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ રીતે? સમજાવવામાં ભેદ પડયા વિના રહેતો નથી અર્થાત્ ભેદ પાડયા વિના અભેદ સમજાવી શકાતો નથી. પણ અનુભવ કાળે ભેદ નથી. સમ્યગ્દર્શનનો વિષય આવો અભેદ એક ચિન્માત્ર ભાવ છે. સમ્યગ્દર્શનનું ધ્યેય એક અભેદ આત્મા છે. ભેદ એ સમકિતનું ધ્યેય નથી. અહાહા...! હું તો ચિન્માત્ર-જાણનાર-દેખનાર માત્ર ભાવ છું એવી નિર્વિકલ્પ દ્રષ્ટિ અને અનુભવ એનું નામ સમ્યગ્દર્શન છે, અને ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે.
અભેદની દ્રષ્ટિ-દ્રવ્યદ્રષ્ટિ તે સમ્યગ્દર્શન છે. અહા! આમાં વ્યવહારને ચેતવું તો દૂર રહો, ભેદને પણ ચેતવું નથી એમ વાત છે. આ સ્વાનુભવદશાની વાત છે. હવે પછી સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર આવવાનો છે ને? એનો અહીં આ ઉપોદ્ઘાત કરે છે.
અહા! આવું દુર્લભ મનુષ્યપણું એને ક્યારે મળે અને ક્યારે એને આવી સત્ય વાત સાંભળવા મળે? અરે! છતાં હજી તેને કયાં નવરાશ છે? રળવું, કમાવું ને બાયડી- છોકરાં સાચવવાં ઇત્યાદિ જંજાળમાં ગુંચાયેલો રહીને અરે! એણે પોતાના આત્માને મારી નાખ્યો છે. વળી કોઈ દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત આદિ બાહ્ય ક્રિયામાં રચ્યાપચ્યા રહીને પોતાને ધર્મ થવાનું માને છે. પણ ભાઈ! ધર્મનું એવું સ્વરૂપ નથી. એ રાગની ક્રિયાથી પુણ્ય બંધાય પણ ધર્મ ન થાય. રાગથી ભેદ કરી સ્વભાવનું ગ્રહણ કર્યા વિના ભાઈ! તારી એ ક્રિયા બધી રણમાં પોક મૂકવા જેવી છે. અરે! એમ ને એમ આ જિંદગી (-અવસર) વેડફાઈ જાય છે!
‘પ્રજ્ઞા વડે ભિન્ન કરવામાં આવેલો જે ચેતક તે આ હું છું અને બાકીના ભાવો મારાથી પર છે;...’
શું કહે છે? પ્રજ્ઞા-પ્ર એટલે વિશેષ-પ્રકુષ્ટ જ્ઞાન. અહા! જે વર્તમાન જ્ઞાનની દશામાં દ્રવ્યનો-નિત્યાનંદ ચૈતન્યમહાપ્રભુ આત્માનો-અનુભવ થાય તે દશાને પ્રજ્ઞા કહે છે. સ્વાનુભવની-સ્વસંવેદનજ્ઞાનની દશા તે પ્રજ્ઞા છે, તે રાગને છેદનારી છે માટે તેને પ્રજ્ઞાછીણી કહે છે. અહા! પ્રજ્ઞા વડે આત્માને ચેતતાં-અનુભવતાં આત્મા રાગથી ભિન્ન પડી જાય છે અર્થાત્ આ અનુભવાય છે તે ચેતનાલક્ષણ આત્મા હું છું અને એનાથી ભિન્ન આ રાગ છે તે બંધનું લક્ષણ છે એમ બન્ને ભિન્ન ભિન્ન જણાય છે. અહા! જેની સત્તામાં આ ચેતવું-જાણવું-દેખવું છે તે ચેતક-ચેતનારો હું છું અને બાકીના સર્વ ભાવો પર છે એમ સ્વાભિમુખ જ્ઞાનની દશામાં આત્મા ભિન્ન અનુભવાય છે.
રાગની દશાની દિશા પર તરફ છે અને પ્રજ્ઞા એટલે જ્ઞાનની દિશા સ્વ તરફ છે. દશા-અવસ્થા બેય છે, પણ બેયની દિશા ભિન્ન છે, એકની પર ભણી અને બીજાની સ્વ ભણી. રાગ પરલક્ષી છે, ને જ્ઞાન-પ્રજ્ઞા સ્વલક્ષી.