સમયસાર ગાથા-૨૯૭ ] [ ૪૩૭ વાર્તા-વસ્તુની સ્થિતિ જેમ છે તેમ ભગવાનની વાણીમાં આવી છે; અને તે આ સમયસારમાં આચાર્યદેવે કહી છે.
એમાં અહીં શું કહે છે? કે- ‘ગ્રહણ કરું છું’ એટલે ‘ચેતું છું,’ કારણ કે ચેતવું તે જ આત્માની એક ક્રિયા છે. માટે હું ચેતું જ છું;...
અહા! જાણવું... જાણવું... જાણવું-બસ જાણવું એ જ એક આત્માની ક્રિયા છે; રાગ-વ્યવહાર પણ બીજી (આત્માની) ક્રિયા છે એમ નથી. માટે કહે છે-હું ચેતું જ છું, હું સ્વરૂપને જાણું જ છું! આ તો સામાન્ય કહ્યું; હવે કારકોના છ ભેદ પાડીને સમજાવે છે-
‘ચેતનારો જ, ચેતનાર વડે જ, ચેતનાર માટે જ, ચેતનારમાંથી જ, ચેતનારમાં જ, ચેતનારને જ ચેતું છું.’
ચેતનારો તે કર્તા ને ‘ચેતું છું’ તે કર્મ. હું ચેતનારો મને જ ચેતું છું. અહાહા...! હું જાણનારને જ જાણું છું; રાગને જાણું છું એમ નહિ. રાગ સંબંધી જે જ્ઞાન છે તે સ્વતંત્ર મારું છે અને હું મને જ જાણું છું, રાગને નહિ. સૂક્ષ્મ વાત ભાઈ! વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ આવે છે ને? (ગાથા ૧૨ માં) એમ વ્યવહાર છે. અહીં તો કહે છે- હું મારા જ્ઞાનને જ જાણું છું. ભાઈ! હું કર્તા, હું કર્મ, હું કરણ ઇત્યાદિ આ છ કારકોના ભેદ તો સમજવા માટે સદ્ભૂતવ્યવહારથી કહ્યા છે. નિશ્ચયથી તો એ ભેદ કાંઈ નથી. એ જ કહે છે કે-
‘અથવા દ્રવ્યદ્રષ્ટિએ તો-છ કારકોના ભેદ પણ મારામાં નથી, હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવ છું. -આ પ્રમાણે પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવો અર્થાત્ પોતાને ચેતનાર તરીકે અનુભવવો.’
જોયું? વસ્તુ જે સામાન્ય... સામાન્ય... સામાન્ય ચિન્માત્ર એકરૂપ ધ્રુવ દ્રવ્ય-એની દ્રષ્ટિએ જોઈએ તો છ કારકોના ભેદ વસ્તુમાં નથી. હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવ છું. ટીકામાં સર્વવિશુદ્ધ ચિન્માત્ર ભાવ છું એમ લીધું હતું. એ તો એક જ વાત છે. અહા! અંતર્મુખ જ્ઞાનની દશા એમ જાણે અનુભવે છે કે-હું શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવ છું; ખંડખંડ ભેદ તે હું નહિ. જુઓ, આ વિકલ્પની વાત નથી; આ તો સ્વાનુભવ પ્રત્યક્ષની વાત છે. અહીં કહે છે-આ પ્રમાણે પ્રજ્ઞા વડે આત્માને અનુભવવો અર્થાત્ પોતાને ચેતનાર તરીકે અનુભવવો. ભાઈ! આ કાંઈ વાદવિવાદથી પતે એમ નથી, આને માટે અંદરમાં ખૂબ હોંશ ને ધીરજ જોઈએ.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-