ગાથા-૧૬] [ ૧પ
હવે આત્મામાં રહ્યા અનંતગુણ. તે અનંતગુણસ્વરૂપ ભગવાન આત્મા એ પણ એકરૂપ છે. અને તેના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રણ પરિણામથી જુઓ તો એ વ્યવહાર છે. ત્રિકાળી એકરૂપ જુઓ તો નિશ્ચય છે, અને ત્રણરૂપ જુઓ તો વ્યવહાર છે. અભેદથી જુઓ તો અમેચક-નિર્મળ છે અને ભેદથી જુઓ તો મેચક-મલિન છે. એકરૂપ જુઓ તો એકાકાર છે અને ત્રણરૂપ પર્યાયથી જુઓ તો અનેકાકાર છે. આત્માને ગુણ- ગુણીના ભેદથી જુઓ તો એ અનેકાકાર છે, વ્યવહાર છે, મલિન છે, આશ્રય કરવા લાયક નથી. ત્રણ પ્રકારના દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણામ પણ આશ્રય કરવા લાયક નથી.
અહો....! આત્મા એકસ્વરૂપી, જ્ઞાયક ચિદ્ઘન ચૈતન્યસ્વભાવનો ભંડાર સૂર્ય એ એકરૂપ નિશ્ચયનયનો વિષય છે. તે એકરૂપ અભેદ નિર્મળ છે તોપણ એની દર્શન-જ્ઞાન- ચારિત્રની પરિણતિ જુઓ તો વ્યવહારથી દ્વન્દ્વ છે, ત્રણ સ્વભાવરૂપ છે. એકરૂપ સ્વભાવ ત્રણ સ્વભાવરૂપ થયો એ વ્યવહાર છે. અહીં શુભરાગ એ વ્યવહાર તે વાત નથી.
પુણ્ય-પાપ અધિકાર ગાથા ૧૪પ માં કહ્યું છેઃ-
તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે?
શુભને-પુણ્યને ભલું કેમ કહીએ કે જે સંસારમાં દાખલ કરે? એ ભલું નથી, સારું નથી, (આદરણીય નથી) કેમકે શુભભાવ એ સંસાર છે, મલિન છે. નિશ્ચયથી તો પુણ્યના ભાવને પાપ કહેલ છે. યોગીન્દુદેવકૃત યોગસાર ગાથા ૭૧ માં કહ્યું છે કેઃ-
પુણ્યતત્ત્વ પણ પાપ છે કહે અનુભવી બુધ કોઈ.
અનુભવી સમ્યગ્દ્રષ્ટિ તો પુણ્યને પણ પાપ કહે છે. અહીં આચાર્ય મહારાજ કહે છે કે નિશ્ચયનયની અપેક્ષાએ વ્યવહારરત્નત્રય (પુણ્યભાવ) એ પાપ છે, રાગ છે, મલિન છે, બંધ છે, સંસાર છે. અહાહા....! આકરી વાત, બાપા! વીતરાગનો માર્ગ વીતરાગભાવથી ઉત્પન્ન થાય છે, રાગથી ઉત્પન્ન થતો નથી.
સમયસાર પુણ્ય-પાપ અધિકારમાં જયસેનાચાર્યની ટીકા ગાથા ૧૬૩ માં આવે છે કેઃ-
[(ગાથા ૧પ૪ સુધી પુણ્ય અધિકાર પૂરો કરી ગાથા ૧પપ થી પાપ અધિકાર શરૂ થાય છે. ત્યાં) શિષ્યનો પ્રશ્ન છે કે જીવાદિનું શ્રદ્ધાન ઇત્યાદિ વ્યવહારરત્નત્રયનું વ્યાખ્યાન પાપ અધિકારમાં કેમ લીધું? તેના ઉત્તરમાં ખુલાસો કરે છેઃ-
જોકે વ્યવહાર મોક્ષમાર્ગ (દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધા આદિ તથા પંચમહાવ્રતના પરિણામ)ને ઉપાદેયભૂત નિશ્ચયરત્નત્રયનું વ્યવહારથી કારણ કહેવામાં આવ્યું તથા તેને