૪૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ નથી અર્થાત્ મિથ્યાત્વને જ સેવી રહ્યા છે. એવા જીવો, અહીં કહે છે, અપરાધી અને અનારાધક જ છે. પાઠમાં ‘અનારાધક જ’ છે એમ કહ્યું છે. મતલબ કે કોઈપણ પ્રકારે તેઓ આત્માના આરાધક નથી. સમજાણું કાંઈ...? ભાઈ! આત્માનાં નિર્મળ જ્ઞાન- શ્રદ્ધાન ને આચરણ સિવાય જેટલો પણ બહારનો ક્રિયાકાંડ છે તે સર્વ આત્માનો અનારાધક ભાવ છે.
હવે કહે છે- ‘અને જે આત્મા નિરપરાધ છે તે, સમગ્ર પરદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિના સદ્ભાવને લીધે બંધની શંકા નહિ થતી હોવાથી “ઉપયોગ જ જેનું એક લક્ષણ છે એવો એક શુદ્ધ આત્મા જ હું છું” એમ નિશ્ચય કરતો થકો શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ છે એવી આરાધનાથી સદાય વર્તતો હોવાથી, આરાધક જ છે.’
જોયું? જે નિરપરાધ છે તેને સમગ્ર પરદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિનો-પ્રાપ્તિનો સદ્ભાવ છે. અહાહા...! ધર્મી જીવને સમસ્ત પરદ્રવ્ય અર્થાત્ રાગાદિ ભાવોના પરિત્યાગની ભાવના છે અને તેને શુદ્ધ આત્માની સિદ્ધિનો સદ્ભાવ છે. શું કીધું? કે ધર્મી જીવના જ્ઞાન-શ્રદ્ધાન અને આચરણમાં સમગ્ર રાગના પરિહાર વડે એક શુદ્ધ આત્મા જ વર્તે છે. અહાહા...! ધર્મી જીવ એક શુદ્ધ આત્મામાં જ લીન સ્થિર છે અને તેથી તેને બંધની શંકા થતી નથી. અહા! સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન ને આચરણના સદ્ભાવમાં તેને બંધની શંકા કેમ થાય? ન જ થાય.
અહા! ધર્મી જીવને તો અંતરંગમાં આ નિશ્ચય થયો છે કે ‘ઉપયોગલક્ષણ એક શુદ્ધ આત્મા જ હું છું;’ રાગાદિ વ્યવહાર તે હું નહિ. રાગાદિ તો પરદ્રવ્ય-બંધનું લક્ષણ છે. ભાઈ! માર્ગ તો આ એક જ છે. શુભરાગ-શુભઉપયોગ પણ પરદ્રવ્ય છે અને તેને ગ્રહણ કરવો, સેવવો તે અપરાધ છે, મિથ્યાત્વભાવ છે. અહા! આઠ વર્ષની કુમારિકા પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે ત્યારે ચોથે ગુણસ્થાને તે એમ માને છે કે-હું તો જાણનદેખન- સ્વભાવી સદા ઉપયોગસ્વરૂપી આત્મા છું અને આ પુણ્ય-પાપના ભાવો મારાથી ભિન્ન છે. આમ વાત છે.
પ્રશ્નઃ– એ તો ઠીક, પણ આ બધી લપને-સ્ત્રી-પુત્ર-પરિવારને અને દેહાદિને-ક્યાં રાખવી?
ઉત્તરઃ– બાપુ! એ બધી લપ ક્યાં તારી ચીજ છે? તારામાં એ ક્યાં ગરી ગઈ છે? અને તું એનામાં ક્યાં ગયો છે? ભાઈ! એ તો બધી પ્રત્યક્ષ પરચીજ છે. અહીં તો વિશેષ એમ કહે છે કે-દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો જે રાગ છે તે પરદ્રવ્ય છે, કેમકે તે નીકળી જવા યોગ્ય છે ને સિદ્ધદશામાં નીકળી જ જાય છે. ભગવાન! એક જાણવાદેખવાના ઉપયોગરૂપ જ તારું સ્વરૂપ છે. જ્ઞાતાદ્રષ્ટા સિવાય બીજું કોઈ તારું સ્વરૂપ નથી. (પછી બીજી ચીજને રાખવાનો સવાલ જ ક્યાં છે?)