સમયસાર ગાથા ૩૦૬-૩૦૭ ] [ પ૦૯ ઘાણીમાં તલ પીલાય છે તેમ ચારગતિના દુઃખમાં તું પીલાઈ જઈશ. ચારે ગતિ દુઃખરૂપ છે. ચૈતન્યલક્ષ્મીના ભાન વિના જ્યાં જાય ત્યાં દુઃખ જ છે. અહા! નિજ સ્વરૂપલક્ષ્મીની જેને ખબર નથી અને ધૂળનો (પુણ્યકર્મનો) જેને પ્રેમ છે એવા મોટા અબજોપતિઓ, રાજાઓ અને દેવતાઓ પણ દુઃખી જ દુઃખી છે.
અહીં દ્રવ્યપ્રતિક્રમણાદિ છોડવતા નથી, પણ શુભરાગમાં સંતુષ્ટ થઈ તે રોકાઈ જાય છે ત્યાંથી તેને છોડાવી અંદર ધ્રુવધામમાં-ચૈતન્યધામમાં લઈ જાય છે. એમ કે પ્રતિક્રમણાદિ શુભભાવમાં સંતુષ્ટ રહેવા જેવું નથી કેમકે ભગવાન આત્મા જે અમૃતસ્વરૂપ છે એનાથી તે ભાવો વિપરીત છે, ઝેર છે. નિર્મળ રત્નત્રય સાક્ષાત્ અમૃત છે, જ્યારે આ શુભભાવો એની અપેક્ષા ઝેર છે, માટે, શુભભાવોમાં સંતુષ્ટ રહેવું યોગ્ય નથી એમ આશય છે. વળી-
‘તે સિવાય બીજું પણ, પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી અગોચર અપ્રતિક્રમણાદિરૂપ, શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ છે એવું, અતિ દુષ્કર કાંઈક કરાવે છે.’
ભાઈ! અંદર વસ્તુ તું આત્મા છો કે નહિ? ભગવાન! તું તત્ત્વ છો કે નહિ? તત્ત્વ છો તો એનું કાંઈ સત્ત્વ છે કે નહિ? એનામાં કોઈ શક્તિ, સ્વભાવ કે ગુણ છે કે નહિ? અહાહા...! ભગવાન! તું પૂરણ જ્ઞાન, આનંદ આદિ અનંત ગુણ-અનંત શક્તિઓનો પિંડ છો ને? અનંતસ્વભાવોથી ભરેલું તારું સત્ત્વ છે ને પ્રભુ! અહાહા...! તેને પામવું કેમ? તો કહે છે-તેને પામવા માટે શુભ-અશુભ ભાવ કાર્યકારી નથી. ભગવાન! તારું ચૈતન્યતત્ત્વ અપ્રતિક્રમણાદિ અશુભભાવથી અગોચર-અગમ્ય છે ને પ્રતિક્રમણાદિ શુભભાવથીય અગોચર-અગમ્ય છે. સમજાય છે કાંઈ...? ભાઈ! આ દયા, દાન, ભક્તિ આદિ શુભભાવથી ભગવાન આત્મા અગોચર છે. ગજબ વાત! કહે છે- વ્યવહારના ક્રિયાકલાપથી તને આત્માનો અનુભવ નહિ થાય કેમકે એનાથી તે અગમ્ય છે.
આ નાળિયેર હોય છે ને નાળિયેર! એના ઉપર જે છાલાં છે તે નાળિયેર નથી, કઠણ કાચલી છે તે પણ નાળિયેર નથી, અને નાળિયેરના ગોળા ઉપરની જે રાતડ છે તે પણ નાળિયેર નથી. પણ અંદર સફેદ માવો ભરેલો મીઠો ગોળો છે એ નાળિયેર છે. તેમ આ શરીર છે તે છાલાં છે, કર્મ છે તે કાચલી છે. એ બન્ને આત્મા નથી અને રાતડ સમા જે પુણ્ય-પાપના ભાવ છે તેય આત્મા નથી. એ ત્રણેયથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય અને આનંદનો અંદર ગોળો છે તે આત્મા છે.
અહીં કહે છે- પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી અગોચર, શુદ્ધ આત્માની સિદ્ધિ નામ પ્રાપ્તિ જેનું લક્ષણ છે એવી અતિ દુષ્કર ત્રીજી અપ્રતિક્રમણાદિરૂપ જે ભૂમિ જે શુદ્ધોપયોગરૂપ છે તેને (આ શાસ્ત્ર) કરાવે છે. ભાઈ! શુદ્ધોપયોગ અતિ દુષ્કર છે. સમ્યગ્દર્શન આદિ રત્નત્રય અતિ દુષ્કર છે. અહા! અનંતકાળમાં એણે શુભક્રિયાઓ તો અનંતવાર કરી છે પણ શુભાશુભથી ભિન્ન શુદ્ધ ચૈતન્યતત્ત્વનાં જ્ઞાન-શ્રદ્ધાન ને અનુભવ એક ક્ષણ