પ૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ આવે છે, અશુભથી બચવા એને એવો શુભભાવ અવશ્ય આવે છે, પણ એ કાંઈ ધર્મ નથી, અમૃત નથી. અહા! જ્ઞાનીને શુભભાવ ન આવે એમ નહિ અને એને એ ધર્મ માને એમેય નહિ. તેથી તેને ત્રીજી ભૂમિમાં પહોંચવા-રહેવા ઉદ્યમ કરાવવામાં આવે છે, કેમકે ત્રીજી ભૂમિ આત્મસ્વરૂપ છે, અમૃતસ્વરૂપ છે, અબંધસ્વરૂપ છે.
શાસ્ત્રમાં શુભનો અધિકાર હોય ત્યાં, જિનમંદિર બંધાવો, પ્રતિમા પધરાવો, સ્વાધ્યાય કરો, તપ કરો, દાન કરો ઈત્યાદિ બધું આવે. પણ એ તો ધર્મી પુરુષને એની ભૂમિકામાં જેવો જેવો રાગ આવે છે તેનું ત્યાં કથન કર્યું છે. એટલે કાંઈ એ શુભરાગ ધર્મ છે એમ નહિ. ધર્મ તો વ્યવહાર પ્રતિક્રમણાદિથી રહિત જે ત્રીજી અપ્રતિક્રમણાદિરૂપ ભૂમિ છે તે જ છે; તે જ સાક્ષાત્ અમૃતકુંભ છે, તે જ નિશ્ચય-પરમાર્થ પ્રતિક્રમણ છે.
જુઓ, અપ્રતિક્રમણાદિ બે પ્રકારનાં કહ્યાંઃ-
૧. મિથ્યાત્વસહિત અજ્ઞાનીને જે શુભાશુભભાવ હોય છે તે અપ્રતિક્રમણાદિ છે. અજ્ઞાનીને જે શુભભાવ હોય છે તે પણ અપ્રતિક્રમણાદિ છે. તેની તો અહીં વાત નથી.
ર. શુભભાવને છોડીને શુદ્ધમાં જાય તે જ્ઞાનીનાં અપ્રતિક્રમણાદિ છે. તે આત્મસ્વરૂપ છે, અબંધ છે, અમૃતકુંભ છે. વળી જ્ઞાનીને નિશ્ચય સહિત જે શુભભાવ આવે છે તેને વ્યવહાર પ્રતિક્રમણાદિ કહે છે. નિશ્ચયથી તેને અહીં વિષકુંભ કહ્યો છે કેમકે તે બંધનાં જ કારણ છે.
અજ્ઞાનીને નિશ્ચય કે વ્યવહાર એકેય પ્રતિક્રમણ નથી.
ત્રીજી ભૂમિ જે શુદ્ધ આત્મસ્વરૂપ છે તે જ પ્રતિક્રમણથી (દ્રવ્યપ્રતિક્રમણથી) રહિત હોવાથી અપ્રતિક્રમણસ્વરૂપ છે તે અમૃતકુંભ છે. અહાહા...! અંદર ભગવાન આત્મા નિત્યાનંદ-સહજાનંદ-પરમાનંદ પ્રભુ એકલો અમૃતનો કુંભ ભર્યો છે. એની જે પર્યાયમાં પ્રગટતા થાય તે અમૃતકુંભ છે. અહાહા...! શુભરાગથી ખસીને ‘શુદ્ધ’ માં આવતાં જેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો તે શુદ્ધ નિર્મળ પરિણતિ અમૃતકુંભ છે.
પ્રશ્નઃ– વ્યવહાર પ્રતિક્રમણાદિને શાસ્ત્રમાં અમૃતકુંભ કહ્યો છે.
ઉત્તરઃ– હા, કહ્યો છે, વ્યવહારનાં શાસ્ત્રોમાં કહ્યો છે; પણ એ તો ધર્મીને કે જેને નિશ્ચય અમૃત અંદર પ્રગટ થયું છે તેના દ્રવ્ય-પ્રતિક્રમણાદિને આરોપ દઈને વ્યવહારે અમૃતકુંભ કહ્યો છે, પણ નિશ્ચયે તો તે વિષકુંભ છે.
પ્રશ્નઃ– એક કોર કહે કે જ્ઞાનીનો શુભભાવ ઝેર છે ને વળી બીજી કોર કહે કે એનાથી દોષ ઘટે છે. તો આ કેવી રીતે છે?