સમયસાર ગાથા ૩૦૬-૩૦૭ ] [ પ૨૧
ઉત્તરઃ– જ્ઞાનીને શુભના કાળે અશુભ (-મિથ્યાત્વાદિ) નથી એ અપેક્ષાએ દોષ ઘટે એમ કહ્યું છે, પણ છે એ (-શુભભાવ) ઝેર. તીવ્રરાગમાં (અશુભમાં) જે દોષ થતો હતો તે મંદરાગમાં ઓછો થાય છે બસ એટલું. સર્વથા દોષના અભાવનું કારણ કાંઈ શુભરાગ નથી. શુભાશુભથી રહિત જે ત્રીજી ભૂમિ છે તે જ સર્વથા દોષના અભાવનું કારણ છે અને તે જ વાસ્તવિક અમૃતકુંભ છે, તે જ અપ્રતિક્રમણરૂપ નિશ્ચય પ્રતિક્રમણ છે. સમજાણું કાઈ...?
અશુભ ઉપયોગ, શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ-એમ ત્રણ પ્રકારના વેપાર (પરિણામ) છે. તેમાં અશુભોપયોગ પાપબંધનું કારણ છે, શુભ ઉપયોગ પુણ્યબંધનું કારણ છે અને શુદ્ધ ઉપયોગ ધર્મનું કારણ છે, અબંધનું કારણ છે. ત્રીજી ભૂમિમાં ચડાવવા માટે આચાર્યદેવે આ ઉપદેશ કર્યો છે; નીચે ઉતરવા કર્યો નથી. શુભને છોડીને અશુભમાં તું જા એમ કહ્યું નથી, પણ એ શુભને છોડીને અંતર દ્રવ્યસ્વભાવનું અવલંબન લે એમ કહ્યું છે. અહાહા...! અંદર પૂર્ણાનંદનો નાથ પ્રભુ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખના બેહદ સ્વભાવથી ભરેલો ભગવાન બિરાજે છે તેના આશ્રયમાં જા, તેમાં લીન- સ્થિર થા-એમ કહે છે; કેમકે ત્યારે જ શુદ્ધતા પ્રગટ થશે, ત્યારે જ તું અબંધ પરિણમશે.
હવે કહે છે-‘પ્રતિક્રમણાદિને વિષકુંભ કહ્યાં સાંભળીને જેઓ ઉલટા પ્રમાદી થાય છે તેમના વિષે આચાર્યદેવ કહે છે કે-આ માણસો નીચા નીચા કેમ પડે છે? ત્રીજી ભૂમિમાં ઊંચા ઊંચા કેમ ચડતા નથી?’
પ્રતિક્રમણાદિ વિષકુંભ છે એમ સાંભળીને કોઈ સ્વચ્છંદે પરિણમે તો તે અવિવેકી છે. બાકી શુભને છોડીને અશુભમાં રખડવાનું કોણે કહ્યું છે? શુભને છોડીને અશુભમાં જઈશ તો તારા ભવના આરા નહિ આવે. અહીં તો શુભને છોડીને અંદર ભગવાન શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ બિરાજે છે એમાં જા, એના આશ્રયમાં જ રહે એમ ઉપદેશ છે; કેમકે ત્યારે જ શુદ્ધતા પ્રગટ થશે, ધર્મ થશે. લ્યો, અહીં તો શુભને છોડી ત્રીજી ભૂમિમાં ઊંચા ઊંચા ચડવાની વાત છે, શુદ્ધોપયોગમાં રહેવાની વાત છે.
‘જ્યાં પ્રતિક્રમણને વિષકુંભ કહ્યું ત્યાં તેના નિષેધરૂપ અપ્રતિક્રમણ જ અમૃતકુંભ હોઈ શકે, અજ્ઞાનીનું નહિ. માટે જે અપ્રતિક્રમણાદિ અમૃતકુંભ કહ્યાં છે તે અજ્ઞાનીનાં ન જાણવાં, ત્રીજી ભૂમિનાં શુદ્ધ આત્મામય જાણવાં.’
શું કહે છે? કે જ્યાં વ્યવહાર પ્રતિક્રમણને ઝેર કહ્યું ત્યાં એના નિષેધરૂપ અપ્રતિક્રમણ જ અમૃતકુંભ છે. એમ સમજવું. એક વ્યવહારને છોડીને બીજા વ્યવહારમાં જવું એ કાંઈ અમૃતકુંભ નથી. શું કહ્યું એ? કે દ્રવ્યપ્રતિક્રમણાદિ છોડી અજ્ઞાનીના અશુભમાં જવું એ અમૃતકુંભ નથી; એ તો અવિવેક છે.