પ૨૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ ભૈયા ભગવતીદાસે પ્રગટ કરી છે. બાપુ! ક્રમબદ્ધનો નિર્ણય કરનાર જાણનાર-દેખનારપણે રહેતો થકો ભારે અંતઃપુરુષાર્થી હોય છે. શું થાય? લોકોને પુરુષાર્થના સ્વરૂપની ખબર નથી. લોકોને તો એમ છે કે ‘આ કરું ને તે કરું’ એમ ઝાઝા વિકલ્પના ધાંધલ કરે તે પુરુષાર્થ, પણ ભાઈ! વિકલ્પમાં ગુંચાયેલા રહેવું એ તો પુરુષાર્થ નહિ, કાયરપણું છે. સમજાણું કાંઈ...?
અહા! શુભનેય છોડી અંદર શુદ્ધતાને પામે તે આળસ વિનાનો અપ્રમાદી છે. આ સિવાય સ્વભાવમાંથી જે પરિણામનું ખસી જવું છે તે આળસ, પ્રમાદ ને નિરુદ્યમીપણું છે. અહીં કહે છે-ચૈતન્યરસથી ભરેલા પોતાના સ્વભાવમાં જ જે મુનિ નિશ્વલપણે સ્થિત થયા છે તે શીઘ્ર-અલ્પકાળે મુક્તિ પામે છે.
‘પ્રમાદ તો કષાયના ગૌરવથી થાય છે માટે પ્રમાદીને શુદ્ધભાવ હોય નહિ. જે મુનિ ઉદ્યમથી સ્વભાવમાં પ્રવર્તે છે શુદ્ધ થઈને મોક્ષને પામે છે.’
જુઓ, અહીં ઉદ્યમની વાત કરી. આગળ કળશમાં કહ્યું કે- ‘નિજરસથી ભરેલા સ્વભાવમાં નિશ્ચલ થતો થકો’ -આ પણ ત્યાં પુરુષાર્થની જ વાત છે. ભલે પર્યાયો બધી ક્રમબદ્ધ છે, પણ ક્રમબદ્ધમાં પુરુષાર્થ ભેગો જ છે. જે મુનિ ઉદ્યમથી સ્વભાવમાં પ્રવર્તે છે તે શુદ્ધ થઈને શીઘ્ર મોક્ષને પામે છે.
ત્યારે કોઈ કહે છે-ઉદ્યમ-પુરુષાર્થ ક્યારે થશે તેની કેવળી પરમાત્માને ખબર છે, તો તે ઉદ્યમ કરવાનું કેમ કહે?
અરે ભાઈ! વીતરાગ કેવળી પરમાત્મા પુરુષાર્થપૂર્વક સ્વસ્વભાવમાં ગયા છે ને વીતરાગ થયા છે. તેમની જે સાતિશય વાણી નીકળી તેમાં પણ એ જ એટલે કે પુરુષાર્થની જ વાત આવે, બીજી (-પ્રમાદની) વાત કેમ આવે? ભગવાનની તો આજ્ઞા જ આ છે કે-સમયમાત્ર પણ પ્રમાદ ન કરીશ; એમ કે નિરંતર સ્વભાવમાં જ રત રહે.
જગતમાં જ્યારે જે બનવાનું હશે ત્યારે તે બનશે એમ ક્રમબદ્ધ માનનારની દ્રષ્ટિ ક્યાં જાય? એની દ્રષ્ટિ સ્વદ્રવ્ય ઉપર જશે; અને ત્યારે તે થવા કાળે જે થાય તેનો જ્ઞાતામાત્ર રહેશે. જ્યાં પર્યાયબુદ્ધિ હોય ત્યાં તેને ફેરવવાની ને ટાળવાની બુદ્ધિ હોય છે, પણ દ્રવ્યદ્રષ્ટિવંત તો સર્વના જાણનારસ્વરૂપે જ રહે છે.
અહા! અહીં કહે છે-નિજરસથી-ચૈતન્યરસથી ભરેલા સ્વસ્વભાવમાં જ જે મુનિ ઉદ્યમથી પ્રવર્તે છે તે શીઘ્ર શુદ્ધ થઈને નિર્વાણ પામે છે. આમાં પુરુષાર્થની સાથે ક્રમબદ્ધ પણ આવી ગયું. સ્વસન્મુખતાનો પુરુષાર્થ જેને છે તેના ક્રમમાં પણ શુદ્ધતાપૂર્વક પૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષ હોય છે. સમજાણું કાંઈ...?