સમયસાર ગાથા ૩૦૬-૩૦૭ ] [ પ૨પ
કરનારું જે પરદ્રવ્ય તે સર્વને છોડીને ‘स्वयं स्वद्रव्ये रतिं एति’ પોતે પોતાના સ્વદ્રવ્યમાં લીન થાય છે,... ... ...
શું કહે છે? કે આ પુણ્ય-પાપના જે ભાવો-વિકલ્પો થાય છે તે અશુદ્ધતા છે. તે અશુદ્ધતાને કરનારું એટલે અશુદ્ધતાનું નિમિત્ત પરદ્રવ્ય છે. તે સર્વને છોડીને એટલે કે તે સર્વનું લક્ષ છોડીને... , અહાહા...! કહે છે-અશુદ્ધતાનું નિમિત્ત એવા સર્વ પરદ્રવ્યોનું લક્ષ છોડીને જે સ્વદ્રવ્યમાં લીન થાય છે તેને ધર્મ-શુદ્ધતા પ્રગટ થાય છે.
પુણ્ય-પાપના પરિણામ છે તે મેલ છે, અશુદ્ધતા છે, ઝેર છે, અપરાધ છે. પુણ્યપરિણામ પણ અપરાધ છે. જેને ધર્મ કરવો હશે તેણે આ વિકલ્પો છોડવા પડશે અને શુદ્ધતા પ્રાપ્ત કરવી પડશે. ત્યાં પરદ્રવ્યનું લક્ષ છોડી સ્વદ્રવ્યમાં લીન થાય છે ત્યારે શુદ્ધતા પ્રગટે છે. તેમાં ખરેખર કોઈ રાગની-પુણ્યના વિકલ્પની અપેક્ષા નથી. આવો શુભરાગ હોય તો અંતરમાં લીન થવાય એમ નથી. આત્મા સ્વયં શુદ્ધ જ્ઞાનાનંદની મૂર્તિ છે; તે પોતાના દ્રવ્યમાં સ્વયં રતિ પામે ત્યારે તેને ધર્મ-શુદ્ધતા પ્રાપ્ત થાય છે.
અહા! જ્ઞાનાનંદસ્વરૂપ સ્વદ્રવ્ય સિવાય જેટલાં કોઈ પરદ્રવ્યો છે, ચાહે તે તીર્થંકર હો, તેની વાણી હો, સમોસરણ હો, જિનમંદિર હો કે જિનપ્રતિમા હો, -એ બધાં પરદ્રવ્યો અશુદ્ધતાનાં-શુભરાગનાં નિમિત્તો-કારણો છે. ભાઈ! આ છવીસ લાખનું પરમાગમમંદિર ને આ જિનપ્રતિમા અશુદ્ધતાનું નિમિત્ત છે. બહુ આકરી વાત!
પ્રશ્નઃ– તો પછી બનાવ્યું શું કરવા? ઉત્તરઃ– કોણ બનાવે? એ તો જડ પરમાણુઓની નિજ જન્મક્ષણ હતી તો તે-રૂપે બન્યાં છે, તેને બીજો કોઈ બનાવે એ વાત ત્રણકાળમાં સત્ય નથી. હા, તે કાળમાં એને એવો શુભભાવ હોય, પણ એ અશુદ્ધભાવ છે. જ્યાં સુધી પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી અશુભને ટાળવા તેના ક્રમમાં શુભભાવ આવે છે, પણ તે પરદ્રવ્યના વલણવાળો અશુદ્ધ ભાવ છે, મલિન ભાવ છે, દોષ છે, અપરાધ છે.
અહાહા...! આત્મા આનંદરૂપી અમૃતનું સરોવર પરમાત્મા છે. જેમ સરોવરમાં ચાંચ બોળીને પંખીઓ પાણી પીએ છે તેમ ચૈતન્યરૂપી અમૃત-સરોવરમાં આત્મા નિજપરિણતિને અંદર બોળી-બોળીને ધર્મામૃતને પીએ છે. આ સિવાય બીજી બધી વાત તો થોથાં છે.