૬] [પ્રવચન રત્નાકર ભાગ-૯
ભોક્તા આદિ ભાવોને સમ્યક્ પ્રકારે નાશ પમાડીને.....
અહાહા...! જોયું? ધર્મી પુરુષને અંતર્દ્રષ્ટિ થતાં અર્થાત્ પોતે અંદર ત્રિકાળી શુદ્ધ એક ચૈતન્યમાત્ર વસ્તુ આત્મા છે એની દ્રષ્ટિ થતાં, એને પર્યાયમાં જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો રાગ છે એનું એને કર્તાપણું નથી, ભોક્તાપણુંય નથી. એણે કર્તા-ભોક્તા આદિ ભાવોને સમ્યક્ પ્રકારે અર્થાત્ સ્વસ્વરૂપના આશ્રયે નાશ પમાડી દીધા છે. અહા! આવો અંતર-અવલંબનનો વીતરાગનો મારગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! આ સિવાય બહારની ક્રિયાઓ બધી થોથાં છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે ને કે
અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કાંઈ ન બાહ્ય સ્હાશે.
અહાહા...! અહીં કહે છે - સમસ્ત કર્તા-ભોક્તા આદિ ભાવોને સમ્યક્ પ્રકારે નાશ પમાડીને ‘प्रतिपदम्’ પદે પદે (અર્થાત્ કર્મના ક્ષયોપશમથી થતા દરેક પર્યાયમાં) ‘बन्ध– मोक्ष–प्रक्ऌप्तेः दूरीभूतः’ બન્ધમોક્ષની રચનાથી દૂર વર્તતો ‘शुद्धः शुद्धः’ શુદ્ધ શુદ્ધ (અર્થાત્ જે રાગાદિક મળ તેમજ આવરણ-બન્નેથી રહિત છે એવો), ‘स्वरस–विसर– आपूर्ण–पुण्य–अचल–अर्चिः’ જેનું પવિત્ર અચળ તેજ નિજરસના (-જ્ઞાનરસના, જ્ઞાનચેતનારૂપી રસના) ફેલાવથી ભરપૂર છે એવો, અને ‘टंकोत्कीर्ण–प्रकट–महिमा’ જેનો મહિમા ટંકોત્કીર્ણ પ્રગટ છે એવો ‘अयं ज्ञानपुञ्जः स्फूर्जति’ આ જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે.
આ ચૈતન્યમાત્ર વસ્તુ અંદર છે તે કેવી છે? તો કહે છે-પદે પદે અર્થાત્ પ્રત્યેક પર્યાયે બંધ-મોક્ષની રચનાથી રહિત છે. અંદર જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વરૂપ છે તે બંધ- મોક્ષની રચનાથી દૂર વર્તે છે. એટલે શું? કે રાગનું જે બંધન પર્યાયમાં છે તે બંધથી અને રાગના અભાવસ્વરૂપ જે અબંધ મોક્ષની દશા તે મોક્ષથી-એ બન્ને દશાથી વસ્તુ શુદ્ધ ચૈતન્યમય અંદર ભિન્ન છે; એ બન્ને દશાની રચનાથી રહિત ભગવાન આત્મા છે. સમજાણું કાંઈ?
મિથ્યાત્વનું પહેલું ગુણસ્થાન હો કે અયોગી કેવળીનું ચૌદમું ગુણસ્થાન હો, નરક દશા હો કે તિર્યંચ, મનુષ્યદશા હો કે દેવ-એ પ્રત્યેક પર્યાયે પર્યાયની રચનાથી રહિત વસ્તુ અંદર જે એકલા ચૈતન્યનું દળ છે તે સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ પર્યાયથી ભિન્ન છે. અહાહા...! કર્મના ક્ષયોપશમના નિમિત્તે થતી નવી નવી પર્યાય કે ગુણસ્થાનની પર્યાય કે એકેન્દ્રિયાદિ પર્યાય-તે સમસ્ત પર્યાયોથી અંદર વસ્તુ ચિદાનંદઘન છે તે ભિન્ન છે. આવી વાત છે!