૮] [પ્રવચન રત્નાકર ભાગ-૯ વિસ્તારથી ભરપૂર છે એવો આ જ્ઞાનપુંજ પ્રભુ આત્મા પ્રગટ થાય છે અર્થાત્ સ્વસંવેદનમાં જણાય છે. બાપુ! અતીન્દ્રિય આનંદનું જેમાં વેદન થાય એવા સ્વસંવેદનમાં જ જણાય એવો ભગવાન આત્મા મહિમાવંત પદાર્થ છે; સ્વાનુભવગમ્ય જ એનો સ્વભાવ છે.
પણ અરે! લોકો તો આ વ્રત કરો ને તપ કરો ને દાન કરો ને ભક્તિ કરો-એમ બહારની ધમાલમાં જ ધર્મ માનીને અટકી ગયા છે. પરંતુ ભાઈ! એ તો બધો શુભરાગ છે. એ સ્થૂળ રાગમાં અતીન્દ્રિય સૂક્ષ્મ ચૈતન્ય-મહાપ્રભુ ક્યાં જણાય એમ છે? અહા! જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ આત્મા સ્થૂળ શુભરાગના ભાવથી જણાય એવી વસ્તુ નથી. અહા! રાગ તો શું ચૌદ ગુણસ્થાનાદિના પર્યાયભેદથી પણ ભિન્ન એવો ભગવાન આત્મા એક સ્વાનુભવમાં-સ્વસંવેદનમાં જ પ્રગટ થાય એવો એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ....?
હા, પણ ગુણસ્થાન આદિ પર્યાય ક્યાં ગઈ?
સમાધાનઃ– પર્યાય ક્યાંય ગઈ નથી, પર્યાય પર્યાયમાં રહી છે. અહીં તો શુદ્ધ ચૈતન્યમાત્રવસ્તુ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય પ્રભુ પોતે છે તે બતાવવું છે. તેથી કહીએ છીએ કે- અરે ભાઈ! આ સ્ત્રીનું, પુરુષનું, ઢોરનું, નારકીનું શરીર (સંયોગી અવસ્થા) ન જો; શરીર તો જડ છે, અને ભગવાન ત્રણલોકનો નાથ તો અંદર એનાથી ભિન્નપણે વિરાજી રહ્યો છે. શરીર શરીરમાં ભલે હો, પણ જ્ઞાનાનંદનો સમુદ્ર પ્રભુ આત્મા તો અંદર ભિન્ન જ છે. તેમ પર્યાયે પર્યાયે પર્યાયથી ભિન્ન ચૈતન્યરસનો પુંજ પ્રભુ આત્મા અંદર ગુણસ્થાન આદિના ભેદોથી ભિન્ન જ છે અને તે સ્વાનુભવ વડે જ પ્રગટ થાય છે. ઓહોહો....! આવી વાત છે!
‘શુદ્ધનયનો વિષય જે જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે કર્તા-ભોક્તાપણાના ભાવોથી રહિત છે, બંધમોક્ષની રચનાથી રહિત છે.’
શું કીધું? શુદ્ધનયનો વિષય જ્ઞાનસ્વરૂપી ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય છે. અહાહા...! જાણવું... જાણવું... જાણવું-એમ જાણવાપણું જેનો સ્વભાવ છે એવો જ્ઞાનનો પુંજ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ આત્મા શુદ્ધનયનો વિષય છે અને તે કહે છે, કર્તા-ભોક્તાપણાના ભાવોથી રહિત છે. એટલે શું? કે શરીર, મન, વાણી ઇત્યાદિ પરદ્રવ્યનું કરવું ને ભોગવવું તો એને (શુદ્ધ આત્મદ્રવ્યને) નથી, પણ એથીય વિશેષ એની એક સમયની પર્યાયમાં જે દયા, દાન આદિ વા હિંસાદિ શુભાશુભ વિકલ્પ ઊઠે છે તે વિકલ્પનુંય કરવું ને ભોગવવું એને નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ! અહીં એમ કહેવું છે કે શુદ્ધ