સમયસાર ગાથા ૩૦૮ થી ૩૧૧] [૯ આત્મદ્રવ્યમાં એવો ગુણ-સ્વભાવ નથી કે જેથી તે રાગને કરે ને રાગને ભોગવે. સ્વભાવથી જ શુદ્ધ આત્મવસ્તુ કર્તાભોક્તાપણાના ભાવોથી રહિત છે.
વળી શુદ્ધ આત્મદ્રવ્ય ચિદાનંદઘન પ્રભુ બંધ-મોક્ષની રચનાથી પણ રહિત છે. આ રાગાદિભાવ જે બંધ અને રાગાદિનો અભાવ જે અબંધ-મોક્ષ-એ બન્ને બંધ-મોક્ષની દશાઓની રચનાથી રહિત અંદર ધ્રુવ એકરૂપ ભગવાન આત્મા છે. અહો! શુદ્ધ આત્મવસ્તુ ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ ત્રિકાળ આનંદકંદ પ્રભુ બંધ-મોક્ષની રચનાથી રહિત છે.
હવે બહારના ક્રિયાકાંડમાં, એમાં ધર્મ માનીને, ગળાડૂબ પડયા હોય એ બિચારાઓને કહીએ કે- ‘બંધમોક્ષની રચનાથી રહિત તું ભગવાન આત્મા છો’ -તે એને કેમ બેસે? બેસે કે ન બેસે, આ વસ્તુસ્વરૂપ છે. રાગની-બંધની રચના કરે એવો વસ્તુનો-ચૈતન્યપુંજ પ્રભુ આત્માનો સ્વભાવ જ નથી. હવે આવા પોતાના સ્વરૂપને જાણ્યા વિના પ્રભુ! તું વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિના રાગમાં એકાંતે રાચે પણ ભાઈ! એ તો બધું રણમાં પોક મૂકવા જેવું છે. હવે કહે છે-
આત્માનો સ્વ-ભાવ ‘પરદ્રવ્યથી અને પરદ્રવ્યના સર્વ ભાવોથી રહિત હોવાથી શુદ્ધ છે, પોતાના સ્વરસના પ્રવાહથી પૂર્ણ દેદીપ્યમાન જ્યોતિરૂપ છે અને ટંકોત્કીર્ણ મહિમાવાળો છે.’
જોયું? શરીર, મન, વાણી, ઈન્દ્રિય અને દેવ-ગુરુ-શાસ્ત્ર ઇત્યાદિ પરવસ્તુથી તો ભિન્ન છે પણ પરવસ્તુના નિમિત્તથી થતા પુણ્ય-પાપરૂપ જે શુભાશુભભાવ એનાથીય અંદર આનંદનો નાથ ચૈતન્યમૂર્તિ પ્રભુ ભિન્ન છે અને તેથી શુદ્ધ છે. અહા! આવો ભગવાન આત્મા અત્યંત શુદ્ધ પવિત્ર છે. વળી તે પોતાના સ્વ-રસના-શુદ્ધ એક ચૈતન્યરસના ધ્રુવ એકરૂપ પ્રવાહથી પૂર્ણ દેદીપ્યમાન જ્યોતિરૂપ છે. અહાહા....! એક કળશમાં આચાર્યદેવે કેટલું ભરી દીધું છે? કહે છે-ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યની પૂર્ણ દેદીપ્યમાન જ્યોતિરૂપ નિજરસથી-ચૈતન્યરસથી ભરેલો ત્રિકાળી ધ્રુવ-ધ્રુવ પ્રવાહ છે. અહા! આવો આત્મા ટંકોત્કીર્ણ સદાય એકરૂપ મહિમાવાળો છે.
અરે! પોતાની ચીજનો મહિમા શું છે એને જાણ્યા વિના એ (-જીવ) અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે. અહા! મનુષ્ય પણ એ અનંતવાર થયો પણ પોતાની ચીજને જાણવાની દરકાર જ કરી નહિ! ધર્મના નામે એણે વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ ક્રિયાઓ કરી, મોટાં મંદિરો બંધાવ્યાં, વરઘોડા કાઢયા, હજારો-લાખો લોકો ભેગા થાય એવા ગજરથ કાઢયા; પણ એથી શું? એ તો બધી ક્રિયાઓ પરની બાપા! એમાં જો રાગની મંદતા હોય તો પુણ્યબંધ થાય, પણ