૧૦] [પ્રવચન રત્નાકર ભાગ-૯ એથી કાંઈ ધર્મ ન થાય. અહીં કહે છે-આવા પુણ્યના ભાવથી પણ અંદર સચ્ચિદાનંદમય જ્ઞાનપુંજ પ્રભુ આત્મા ભિન્ન ચીજ છે અને તે સ્વાનુભવમાં પ્રગટ થાય છે, એ જ કહે છે કે-
‘એવો જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે.’ એટલે કે આવો આત્મા જ્ઞાનપ્રકાશનો પુંજ પ્રભુ અંતર્મુખાકાર સ્વસંવેદનમાં જણાય છે. રાગ વડે જણાય એવો એનો સ્વભાવ જ નથી. આવી વાત છે.
હવે સર્વવિશુદ્ધ જ્ઞાનને પ્રગટ કરે છે. તેમાં પ્રથમ, ‘આત્મા કર્તા-ભોક્તાભાવથી રહિત છે’ એવા અર્થનો આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક કહે છેઃ-
‘कर्तृत्वं अस्य चितः स्वभावः न’ કર્તાપણું આ ચિત્સ્વરૂપ આત્માનો સ્વભાવ નથી, ‘वेदयितृत्ववत्’ જેમ ભોક્તાપણું સ્વભાવ નથી.
શું કીધું? અહાહા....! આત્મા સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ એક ચિન્માત્ર વસ્તુ છે. એમાં રાગ ને રાગનું કરવું ક્યાં છે? અહાહા.....! અનંત ગુણ-સ્વભાવોથી ભરેલા ચિત્સ્વરૂપ ભગવાન આત્મામાં એવો ગુણ-સ્વભાવ જ નથી કે જેથી તે રાગને કરે કે ભોગવે. અહા! જેમ ભોક્તાપણું એનો સ્વભાવ નથી તેમ રાગનું કર્તાપણું એનો સ્વભાવ નથી.
હવે એક બીડી સરખાઈની પીવે ત્યારે તો ભાઈસા’બના મગજને ચેન પડે એવી જેની માન્યતા છે એને આવી વાત કેમ બેસે? (ન બેસે). પણ શું થાય? અહીં તો ચોકખી વાત છે કે ભગવાન આત્મા જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવી છે. તેની એક સમયની પર્યાયની અસ્તિમાં દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિનો રાગ થાય તેનો તે જાણનારો (એય વ્યવહારે) છે પણ એનો કર્તા-ભોક્તા તો નથી જ નથી.
અહા! આ ચિત્સ્વરૂપ આત્માનો સ્વભાવ જ એવો છે કે એમાં જ્યાં અંતર્દ્રષ્ટિ થઈ ત્યાં પોતાને જાણવાની જે પર્યાય થઈ તે જ્ઞાનની પર્યાય રાગને પણ જાણે; ત્યાં રાગ સંબંધીનું જે જ્ઞાન પોતાના સ્વપરપ્રકાશક સામર્થ્યથી પોતાના કારણે થયું તે જ્ઞાનનો કર્તા આત્મા છે, પણ રાગનો કર્તા તે નથી. આવી વાત! બાપુ! કર્તાપણું આત્માનો સ્વભાવ જ નથી, જેમ ભોક્તાપણું સ્વભાવ નથી. હવે કહે છે-
‘अज्ञानात् एव अयं कर्ता’ અજ્ઞાનથી જ તે કર્તા છે, तद्–अभावात् अकारकः’ અજ્ઞાનનો અભાવ થતાં અકર્તા છે.