સમયસાર ગાથા ૩૦૮ થી ૩૧૧] [૧૧
આત્મા સ્વભાવથી તો અકર્તા જ છે. પણ એ સ્વભાવનું ભાન કરે ત્યારે અકર્તા છું એમ સમજાય ને? દયા, દાન આદિ રાગ ભલો છે, કર્તવ્ય છે એમ જ્યાં સુધી રાગની રુચિ છે ત્યાં સુધી અજ્ઞાન છે; અને અજ્ઞાનથી એ રાગાદિનો કર્તા છે. સ્વભાવની રુચિ વડે જ્યારે અજ્ઞાનનો અભાવ થાય ત્યારે અકર્તા છે. માટે તારી રુચિ પલટી દે ભાઈ! જો; રાગની રુચિવાળો અજ્ઞાની જીવ ગમે તેવાં દુર્દ્ધર વ્રત, તપ આદિ આચરે તોય શાસ્ત્રમાં તેને ‘કલીબ’ -નપુંસક કહ્યો છે. કેમ? કેમકે જેમ પાવૈયાને (-નપુંસકને) પ્રજા ન હોય તેમ રાગની રુચિવાળાને ધર્મને પ્રજા (-પર્યાય) ઉત્પન્ન થતી નથી. આકરી વાત બાપા! પણ આ ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્માએ કહેલી સત્ય વાત છે.
અહા! એકલી પવિત્રતાનો પિંડ એવા જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી પ્રભુ આત્માને પર્યાયમાં કર્તાપણું હોવું એ કલંક છે. માટે હે ભાઈ! રાગની રુચિ છોડીને સ્વભાવની રુચિ કર; તે વડે અજ્ઞાનનો અભાવ થતાં તે સાક્ષાત્ (-પર્યાયમાં) અકર્તા થાય છે. સમજાણું કાંઈ....?
હવે આત્માનું અકર્તાપણું દ્રષ્ટાંતપૂર્વક કહે છેઃ-
‘પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી;...’
જુઓ, પાઠમાં-સંસ્કૃતમાં ‘तावत्’ શબ્દ પડયો છે. ‘तावत’ એટલે પ્રથમ તો.... , અર્થાત્ મૂળમાં વાત આ છે કે.... , શું? કે ‘જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી.’ અહા! જીવમાં પ્રત્યેક સમયે જે પર્યાય થાય છે તે ક્રમબદ્ધ છે. તેમાં ત્રિકાળ જે જે પર્યાયો થાય છે તે બધીય ક્રમબદ્ધ થાય છે. એમ કહે છે. જેમ માળામાં મણકા પોતપોતાના સ્થાનમાં રહેલા એક પછી એક હોય છે, તે મણકા આડા-અવળા ન હોય-પછીનો મણકો આગળ ન આવી જાય અને આગળનો મણકો પાછળ ન ચાલ્યો જાય-તેમ જીવમાં જે સમયે જે પર્યાયની ઉત્પત્તિનો કાળ હોય તે સમયે તે જ પર્યાય ઉત્પન્ન થાય છે. આમ જીવનની બધી પર્યાયો પોતપોતાના કાળે ક્રમબદ્ધ ઉત્પન્ન થાય છે, આડી અવળી નહિ.
હવે આમાં કેટલાકને વાંધા છે; એમ કે પર્યાય એક પછી એક ક્રમસર થાય એ તો બરાબર પણ આના પછી આ જ થાય એમ ક્રમબદ્ધ નથી એમ તેઓ કહે છે.
ભાઈ! તારી આ માન્યતા યથાર્થ નથી. દ્રવ્યમાં જે પર્યાય જે કાળે થવાયોગ્ય હોય તે જ પર્યાય તે કાળે ક્રમબદ્ધ થાય છે. જુઓને, અહીં ટીકામાં શું કહે છે?