૧૨] [પ્રવચન રત્નાકર ભાગ-૯ ‘जीवो हि तावत्क्रमनियमितात्मपरिणामैरुत्पद्यमानो जीव एव, ना जीवः.....’ ‘ક્રમ નિયમિત’ શબ્દ છે. એટલે કે ક્રમ તો ખરો અને ક્રમથી નિયમિત-નિશ્ચિત, અર્થાત્ દ્રવ્યમાં આ સમયે થવાયોગ્ય આ જ પર્યાય થશે એમ નિશ્ચિત છે.
ભાઈ! તું ભગવાન સર્વજ્ઞદેવને માને છે કે નહિ? અહાહા....! ત્રણકાળ-ત્રણલોકને એક સમયમાં યુગપત્ પ્રત્યક્ષ જાણનાર ભગવાન સર્વજ્ઞદેવને જો તું માને છે તો (બધી) પર્યાયો દ્રવ્યમાં (પ્રત્યેક દ્રવ્યમાં) ક્રમબદ્ધ થાય છે એમ સિદ્ધ થઈ જાય છે. ભગવાન સર્વજ્ઞદેવ દ્રવ્યની ત્રણે કાળની પર્યાયોને યુગપત્ જાણે છે એનો અર્થ જ એ થયો કે દ્રવ્યની ત્રણે કાળની પર્યાયોનો ક્રમ નિશ્ચિત છે. અહા! દ્રવ્યમાં જે સમયે જે પર્યાય થવાની હોય તે સમયે તે જ પર્યાય થાય; એમ સમસ્ત પર્યાયો પોતપોતાના સમયે ક્રમબદ્ધ ઉત્પન્ન થાય છે. સમજાણું કાંઈ...?
હા, પણ આવું બધું ક્રમબદ્ધ માને તો ધર્મ કરવા માટે પુરુષાર્થ કરવાનું ક્યાં રહ્યું? લ્યો, આવો કેટલાકનો પ્રશ્ન છે. એમ કે ક્રમબદ્ધમાં ધર્મ થવાનો હશે તે દિ’ થશે.
સમાધાનઃ– ભાઈ! એમ આ વાત નથી. બાપુ! તું એકવાર સાંભળ. ક્રમબદ્ધનો નિર્ણય કરનારની દ્રષ્ટિ ત્રિકાળી શુદ્ધ એક નિજ જ્ઞાયકભાવમાત્રવસ્તુ આત્મા પર હોય છે. ભાઈ! જ્ઞાયકસ્વભાવ પર દ્રષ્ટિ જાય ત્યારે જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થાય છે-એવી આ વાત છે. ક્રમબદ્ધનો નિર્ણય પર્યાયના આશ્રયે થતો નથી પણ ક્રમબદ્ધનો નિર્ણય ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક તત્ત્વના આશ્રયે થાય છે. આ પ્રમાણે ક્રમબદ્ધનો નિર્ણય કરનારને જ્ઞાયકસ્વભાવી આત્માના આશ્રયનો પુરુષાર્થ થતો હોય છે અને એનું જ નામ ધર્મ છે. સમજાણું કાંઈ....? અહા! ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય કરનારને તો કર્તાબુદ્ધિ ઉડી જાય છે ને સ્વભાવ પ્રતિ સમ્યક્ પુરુષાર્થ જાગ્રત થાય છે. આવી આ વાત છે.
જુઓ, અહીં પહેલાં જીવની પર્યાયોની વાત કરી છે. જીવ જાણનાર જ્ઞાયક તત્ત્વ છે ને? પોતાની જે પર્યાયો ક્રમબદ્ધ થાય તેનો જાણનારો છે ને? માટે જીવની વાત પ્રથમ કરીને પછી અજીવની વાત કરી છે. અજીવમાં-જડમાં પણ પર્યાયો તો બધી ક્રમબદ્ધ થાય છે, પણ જડને કાંઈ નથી અર્થાત્ જડ કાંઈ જાણતું નથી, જીવ એનો જાણનારો છે. અહા! જીવને પોતાનું જ્ઞાન (-આત્મજ્ઞાન) થાય ત્યારે તે જાણે છે કે પોતામાં જે ક્રમબદ્ધ પર્યાયો થાય છે તેનો હું જાણનાર છું અને જડમાં-અજીવમાં જે ક્રમબદ્ધ પર્યાયો થાય છે તેનોય હું જાણનાર છું. (કર્તા છું એમ નહિ). અહા! ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવની જેને અંતર્દ્રષ્ટિ થઈ છે તે જીવને પર્યાયમાં રાગાદિ ભાવ જે ક્રમબદ્ધ થાય છે તેનો તે કર્તા થતો નથી પણ માત્ર તેનો જ્ઞાતા-