૧૪] [પ્રવચન રત્નાકર ભાગ-૯ કર્તા છે. કોઈ કર્તા થઈને પરિણમે અને જે સમયે જે રાગ થવાનો હતો તે થયો એમ ક્રમબદ્ધનું નામ લે તો એ તો સ્વચ્છંદી મિથ્યાદ્રષ્ટિ છે; એને ક્રમબદ્ધનું સાચું શ્રદ્ધાન જ નથી. બાપુ! આ કાંઈ સ્વચ્છંદ પોષવા માટે વાત નથી પણ સ્વભાવના આશ્રયે સાચો નિર્ણય કરી સ્વચ્છંદ મટાડવાની આ વાત છે.
ભાઈ! ભગવાનની વાણીનો, ચારે અનુયોગનો સાર એકમાત્ર વીતરાગતા છે. પંચાસ્તિકાય ગાથા ૧૭૨ની ટીકામાં કહ્યું છે કે-“વિસ્તારથી બસ થાઓ. જયવંત વર્તો વીતરાગપણું કે જે સાક્ષાત્ મોક્ષમાર્ગનો સાર હોવાથી શાસ્ત્રતાત્પર્યભૂત છે.” અહા! આ વીતરાગતા કેમ પ્રગટે? કે જીવને જ્યારે પર્યાયબુદ્ધિ મટીને દ્રવ્યદ્રષ્ટિ થાય ત્યારે વીતરાગતા પ્રગટે છે. અહાહા...! ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકની દ્રષ્ટિ થાય એ એક જ વીતરાગતા પ્રગટ થવાનું કારણ-સાધન છે.
ત્યારે કોઈ વળી ક્રમબદ્ધની ઓથ લઈને કહે છે-વીતરાગતાની પર્યાય જે કાળે થવાની હશે તે કાળે તે ઉત્પન્ન થશે. (એમ કે એમાં દ્રવ્યદ્રષ્ટિનું શું પ્રયોજન છે?)
હા, વીતરાગતાની પર્યાય તો જે કાળે થવાની હશે તે કાળે તે ઉત્પન્ન થશે; એ તો એમ જ છે, પણ એવો નિર્ણય કોની સન્મુખ થઈને કર્યો? અહા! ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકસ્વરૂપની સન્મુખ થઈને હું આ એક ચિન્માત્ર-જ્ઞાનમાત્ર જ્ઞાતાદ્રષ્ટા-સ્વભાવી વસ્તુ આત્મા છું એમ જેણે નિર્ણય કર્યો તેને જે કાળે જે પર્યાય થવાની હશે તે થશે એમ યથાર્થ નિર્ણય હોય છે; અને તેને જ ક્રમબદ્ધ વીતરાગતા થાય છે. બાકી રાગની રુચિ છોડે નહિ અને વીતરાગતા જે કાળે થવાની હશે ત્યારે થશે એમ કહે એ તો મિથ્યાદ્રષ્ટિ છે. એને તો ક્રમબદ્ધ રાગનું જ અજ્ઞાનમય પરિણમન થયા કરે છે. આમાં સમજાણું કાંઈ...! એમ કે કઈ પદ્ધતિએ કહેવાય છે એની કાંઈ ગંધ આવે છે કે નહિ? અહા! પૂરું સમજાઈ જાય એનું તો તત્કાળ કલ્યાણ થઈ જાય એવી વાત છે.
જુઓ, દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુ આખી આત્મા છે. તેમાં જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણથી રચાયેલું જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાન છે તે દ્રવ્ય છે અને પ્રતિસમય ઉત્પાદ- વ્યયરૂપ પલટતી જે અવસ્થા છે તે પર્યાય છે. તેમાં ગુણો છે તે અક્રમ અર્થાત્ એકસાથે રહેનારા સહવર્તી છે અને પર્યાયો ક્રમવર્તી છે. તે પર્યાયો એક પછી એક થતી ક્રમબદ્ધ થાય છે એમ વાત છે. મતલબ કે જીવમાં જે પર્યાય જે સમયે થવાની હોય તે તેના સ્વ- અવસરે જ પ્રગટ થાય છે. શું કીધું? વર્તમાન-વર્તમાન જે પર્યાય પ્રગટ થાય તે તેની ઉત્પત્તિનો કાળ છે, જન્મક્ષણ છે. પ્રત્યેક સમયે પ્રગટ થતી પર્યાય તે તેની જન્મક્ષણ છે. સૂક્ષ્મ વાત છે; પણ આ સર્વજ્ઞ પરમાત્માના પેટની વાતુ છે પ્રભુ! આમાં બે મુદ રહેલા છે.