સમયસાર ગાથા ૩૦૮ થી ૩૧૧] [૧પ
૧. જીવની જે સમયે જે પર્યાય થવાથી હોય તે સમયે તે જ થાય એ તેની કાળલબ્ધિ છે. અને
૨. જે પર્યાય થાય તે બાહ્ય નિમિત્તથી, તેના દ્રવ્ય-ગુણથી અને તેની પૂર્વ પર્યાયના વ્યયથી પણ નિરપેક્ષ છે; અર્થાત્ તે પર્યાયને બાહ્ય નિમિત્તનીય અપેક્ષા નથી, એના દ્રવ્ય-ગુણનીય એને અપેક્ષા નથી અને પૂર્વ પર્યાયના વ્યયનીય એને અપેક્ષા નથી. અહા! જીવની એક સમયની પર્યાય જે વિકારરૂપે પરિણમે તે પોતાના ષટ્કારકથી પોતે સ્વતંત્રપણે પરિણમે છે. આ વાત પંચાસ્તિકાયની ગાથા ૬૨ માં આવી છે.
જીવદ્રવ્યની જે પર્યાય થાય તે જીવ જ છે; અર્થાત્ તેનો કર્તા જીવ જ છે અન્ય દ્રવ્ય નથી, જડ કર્મ નથી. જડ કર્મની પર્યાય જડ કર્મના કારણે ક્રમબદ્ધ થાય છે અને જીવની પર્યાય જીવના કારણે ક્રમબદ્ધ થાય છે. દ્રવ્ય પોતે જ પોતાની પર્યાયને કરે છે, પણ ભિન્ન પદાર્થ તે પર્યાયને કરે એમ ત્રણકાળમાં નથી. ચાહે જીવની વિકારી પર્યાય હો કે સમકિત આદિ નિર્મળ નિર્વિકારી પર્યાય હો, તે પર્યાય તેના ક્રમમાં થવાની હોય તે જ થાય છે અને એમાં તેને કર્મ વગેરે કોઈ પરકારકોની અપેક્ષા નથી. આવી વાત છે.
અહો! સંતો આડતિયા થઈને ભગવાન કેવળીના ઘરનો માલ જગતને આપે છે. કહે છે-જો તો ખરો પ્રભુ! કેવો આશ્ચર્યકારી માલ છે! અહા! સર્વજ્ઞદેવે જીવની જે પર્યાય જે સમયે થવાની જોઈ છે તે સમયે તે જ પર્યાય થાય છે, અને તે થાય છે તેમાં કોઈ અન્યદ્રવ્યની અપેક્ષા નથી; અરે! તે પૂર્વ પર્યાયના વ્યયના કારણે થાય છે એમ પણ નથી.
જુઓ, ભગવાન કેવળી સર્વજ્ઞદેવના નામથી પર્યાયને ક્રમબદ્ધ સિદ્ધ કરવી એ તો પરથી સિદ્ધ કરવાની વાત છે. અને પૂર્વ પર્યાયના વ્યયપૂર્વક વર્તમાન પર્યાય થઈ એમ કહેવું એ પણ પરથી પર્યાયને સિદ્ધ કરવાની વાત છે. (કેમકે પૂર્વ પર્યાય વર્તમાન પર્યાયનું પર છે). વાસ્તવમાં તો જે સમયે જે પર્યાય-વિકારી કે નિર્વિકારી પ્રગટ થાય છે તે તે કાળે પોતાના કર્તા, કર્મ, કરણ આદિ ષટ્કારકથી સ્વતંત્રપણે પ્રગટ થાય છે. અહો! આ અલૌકિક સિદ્ધાંત છે કે જીવ પોતાની ક્રમબદ્ધ એકેક પર્યાયના ષટ્કારકથી પોતાની તે તે પર્યાયપણે ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. બાપુ! તેં બહાર લૌકિકમાં ઘણું-બધું સાંભળ્યું હોય એનાથી આ તદ્ન જુદી વાત છે.
જુઓ, પાંચ વાત અહીંથી મુખ્ય બહાર આવી છે. ૧. નિમિત્ત, ૨. ઉપાદાન, ૩. નિશ્ચય, ૪. વ્યવહાર, અને પ. આ ક્રમબદ્ધ.
નિમિત્ત છે તે પરવસ્તુ છે, તે ઉપાદાનમાં કાંઈ કરે નહિ. નિમિત્ત છે ખરું, એના