૨૮ ] [ ગાથા-૧૭-૧૮ છે, ભાઈ! દુનિયા અનેક પ્રકારે વિચિત્ર છે. તેની સાથે મેળ કરવા જઈશ તો મેળ નહિ ખાય.
આત્મા એ અખંડ વસ્તુ અને જાણવું એ પર્યાય છે. ભગવાન અમૃતચંદ્રાચાર્ય મુનિસંત એની ટીકા કરે છે. એ ગાથામાં ભરેલા સામાન્યભાવને વિશેષ સ્પષ્ટ કરે છે. માણસો નથી કહેતા કે-‘તુ મારી ટીકા કરે છે?’ એટલે કે તું કેવો છે એની ટીકા કહેતાં વિશેષ સ્પષ્ટતા કરે છે. એમ અહીં આત્મા કેવો છે એની ટીકા કરી છે. ભગવાનના દિવ્યધ્વનિની સંતોએ ટીકા કરી છે. અહીં ટીકામાં પ્રથમ એટલે સૌ પહેલાં આત્મા જાણવો એમ લીધું છે. નવતત્ત્વને જાણવાં કે રાગને જાણવો એ અહીં ન લીધું. એકને જાણે તે સર્વને જાણે છે. જ્ઞાનની પર્યાયમાં આખો આત્મા જ્ઞેય પણે જણાય અને સૌ પ્રથમ આ જ કરવાનું છે. છઠ્ઠી ગાથામાં કહ્યું કે જે જ્ઞાયકભાવ-સ્વભાવ છે એ શુભાશુભભાવના સ્વભાવે થતો નથી, કેમ કે શુભ કે અશુભભાવો અચેતન છે. એ ચૈતન્યરસ અચેતનપણે કેમ થાય?
જ્ઞાયકભાવ એકરૂપ ચૈતન્યવસ્તુ છે. આવો જે જ્ઞાયકભાવ આત્મા એને પ્રથમ જાણવો એમ આચાર્ય કહે છે. આચાર્યોએ થોડું લખ્યું ઘણું કરીને જાણજો. ભાઈ! છહઢાળામાં આવે છે કેઃ-
લાખ વાત કરી, અનંત વાત કરી. પણ વાત એ છે કે નિજ આત્માનું ધ્યાન કરો. એટલે પર્યાયમાં એને જાણો. એમ કહીને એમ સિદ્ધ કર્યું કે રાગની મંદતાથી આત્માનું જ્ઞાન થાય એમ કોઈ કહેતા હોય તો એ વસ્તુસ્થિતિ નથી. હમણાં બહુ ચાલે છે કે-પહેલાં વ્યવહારરૂપ દયા, દાન ઇત્યાદિ રાગની મંદતા કરીએ, પહેલું ચારિત્ર કેટલુંક થાય પછી જ સમક્તિ થાય. અરે ભગવાન! ચારિત્ર સમક્તિ વિના કદી થતું નથી. વળી કોઈ એક જણે તો એમ કહ્યું છે કે સાતમું ગુણસ્થાન આવ્યા વિના નિશ્ચય સમક્તિ થાય નહીં. પણ એમ નથી, ભાઈ! આ તો મોક્ષાર્થી જેને મોક્ષ કરવો છે એને પહેલાં જાણે. સ્વસંવેદન-જ્ઞાનથી પ્રથમ આત્માને જાણવો, પછી તેનું જ શ્રદ્ધાન કરવું એમ અહીં છે ને?
રત્નકરંડશ્રાવકાચારમાં એમ આવે છે કે સમ્યગ્દર્શન કરો, અને પછી જ્ઞાનનું આરાધન કરવું, એટલે કે રાગદ્વેષ ટાળવા માટે ચારિત્ર ગ્રહણ કરવું આરાધન કરવું એટલે વિશેષ (મગ્નતા કરવી), અહીં સમ્યગ્દર્શન થતાં જ્ઞાન સાથે જ હોય છે એમ કહ્યું છે. તત્ત્વાર્થસૂત્રમાં “सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः” તથા છહઢાળામાં (ચોથી ઢાળમાં) “સમ્યક્ કારણ જાન, જ્ઞાન કારજ હૈ સોઈ.” એ પ્રમાણે લીધું છે. દર્શનની પૂર્ણતા પહેલી થાય છે એટલે ત્યાં દર્શનને પહેલું લીધું. અહીં જ્ઞાનથી વાત ઉપાડીને તેને પહેલું કેમ કહ્યું કે-પહેલાં જાણ્યા વિના પ્રતીતિ (શ્રદ્ધા) કોની? જે વસ્તુ જ્ઞાનમાં જણાઈ નથી એની પ્રતીતિ શાની?