પ્રવચન રત્નાકર ભાગ-૨ ] [ ૨૯
આ પૂર્ણાનંદ અતીન્દ્રિય આનંદકંદ સચ્ચિદાનંદ પરમસ્વભાવરૂપ આત્મા છે તે જ હું છું એમ શ્રદ્ધા કરવી. એની શ્રદ્ધામાં એમ આવ્યું કે આ અંદર જે પ્રત્યક્ષ જણાયો એ જ આત્મા છે અને તેનું આચરણ કરવાથી એટલે કે તેમાં એકાગ્ર થવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે. શું કહ્યું? જુઓ, તેનું આચરણ કરવાથી એટલે જે જ્ઞાયકભાવ-સ્વભાવ-ભાવ જ્ઞાનની પર્યાયમાં પ્રત્યક્ષ જણાયો અને જેની શ્રદ્ધા થઈ કે આ જ આત્મા છે એમાં આચરણ કરીશ તો કર્મોથી છૂટાશે. બીજી કોઈ ક્રિયા તો છે નહીં. બહારનાં ક્રિયાકાંડ-વ્રત અને તપ કરીશ તો કર્મોથી છૂટાશે એમ એની શ્રદ્ધામાં નથી આવતું. ઘણું ગંભીર ભર્યું છે, ભાઈ! એક તો એ કે આત્માને સીધો જાણવો. એટલે કે વ્યવહાર આવો હોય તો જણાય એ વાત કાઢી નાખી. બીજું એ કે આ આત્મા છે એમ જાણ્યું તેથી એની શ્રદ્ધામાં એમ આવ્યું કે આત્મામાં ઠરીશ ત્યારે કર્મ છૂટશે, પણ આટલા ઉપવાસ કરવાથી કર્મ છૂટશે એમ નહિ. ત્યાં પ્રશ્ન થાય કે શાસ્ત્રમાં (તત્ત્વાર્થસૂત્રમાં) આવે છે કે-“तपवा निर्जरा” ઉત્તર એમ છે કે એ તો નિમિત્તનાં કથન છે. માર્ગ તો આવો છે, ભાઈ!
અરેરે! ચોરાસીના અવતારમાં એ દુઃખી છે. એને એના દુઃખની ખબર નથી. પણ એ આકુળતાના વેદનમાં છે, ભાઈ! જૈનના વેદનમાં, સ્વના વેદનમાં નથી. છહઢાળામાં ચોથી ઢાળમાં આવે છે કે એ આકુળતાના વેદનમાં સાધુ થઈ નવમી ગ્રૈવેયકે ગયો. એણે પંચ મહાવ્રત અને ર૮ મૂલગુણનું પાલન કર્યું પણ એ આકુળતાનું વેદન હતું.
પ્રશ્નઃ–મંદ આકુળતા હતી ને?
ઉત્તરઃ–મંદ પણ આકુળતા હતી ને? તેથી તો કહ્યું કે સુખ લેશ ન પાયો. બાપુ! આ તો વીતરાગસ્વરૂપ આત્માનો માર્ગ છે. આ આત્મા છે તેનું આચરણ કરવાથી જરૂર કર્મોથી છૂટાશે એવી શ્રદ્ધામાં એમ આવ્યું કે નિજ જ્ઞાયકભાવમાં જેટલી રમણતા કરશે તેટલું ચારિત્ર થશે અને તેટલું કર્મોથી છૂટાશે. પહેલાં શ્રદ્ધામાં જ આમ જણાયું. લોકોને આકરું લાગે, પણ શું થાય?
અહીં કહે છે કે આત્મા એકલો જ્ઞેય થઈને અંદર જ્ઞાનમાં જણાયો ત્યારે તેને આ આત્મા છે એમ શ્રદ્ધા થઈ. ત્યારે એ શ્રદ્ધામાં એમ આવ્યું કે આ જ્ઞાયકભાવ જે ભગવાન આત્મા તેનું અનુચરણ કરવાથી, એમાં ઠરવાથી કર્મ જરૂર છૂટશે, પણ પંચમહાવ્રતના વિકલ્પ એ આત્માનું અનુચરણ નહિ હોવાથી તેનાથી કર્મ છૂટશે નહિ. અંદર એક જ્ઞાયકભાવમાં એકાકાર થવું, એમાં રમવું, ચરવું, જામી જવું, આનંદનું વેદન કરવું-એનાથી કર્મ છૂટશે, મલિન પરિણામ છૂટશે. આવી વાત છે, ભાઈ! દુનિયા સાથે મેળ ખાય એમ નથી. પણ શું થાય? આત્મામાં રમે તે રામ કહીએ. અન્યત્ર રમે