સમયસાર ગાથા ૩૧૭] [૭૩ ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રોનું જ્ઞાન વગેરે હોવા છતાં જ્યાં સુધી જીવને શુદ્ધ આત્માનું જ્ઞાન નથી અર્થાત્ અજ્ઞાનીપણું છે ત્યાં સુધી તે નિયમથી ભોક્તા જ છે.
હવે, ‘અજ્ઞાની વેદક જ છે’ એવો નિયમ કરવામાં આવે છે. (અથાર્ત ‘અજ્ઞાની ભોક્તા જ છે’ એવો નિયમ છે’ - એમ કહે છે)ઃ-
જેમ આ જગતમાં સર્પ વિષભાવને પોતાની મેળે છોડતો નથી અને વિષભાવને છોડાવવાને (મટાડવાને) સમર્થ એવા સાકરસહિત દૂધના પાનથી પણ છોડતો નથી, તેમ ખરેખર અભવ્ય પ્રકૃતિસ્વભાવને પોતાની મેળે છોડતો નથી અને પ્રકૃતિ સ્વભાવ છોડાવવાને સમર્થ એવા દ્રવ્યશ્રુતના જ્ઞાનથી પણ છોડતો નથી; કારણ કે તેને સદાય, ભાવશ્રુતજ્ઞાનસ્વરૂપ શુદ્ધાત્મજ્ઞાનના (-શુદ્ધ આત્માના જ્ઞાનના) અભાવને લીધે, અજ્ઞાનીપણું છે.’
જુઓ, સર્પની દાઢમાં ઝેર હોય છે. તે પોતાની મેળે એને છોડતો નથી, તથા વિષ છોડાવવાને સમર્થ એવા સાકરસહિત દૂધપાનથી પણ એને એ છોડતો નથી. આ દ્રષ્ટાંત કીધું.
તેમ, કહે છે, અભવ્ય જીવ પ્રકૃતિસ્વભાવને પોતાની મેળે છોડતો નથી તથા પ્રકૃતિસ્વભાવને છોડાવવા સમર્થ એવા દ્રવ્યશ્રુતના જ્ઞાનથી પણ છોડતો નથી. જુઓ, વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની ૐધ્વનિ અનુસાર રચાયેલાં પરમાગમ તે દ્રવ્યશ્રુત છે. મિથ્યાત્વનું વમન કરાવી દે એવી વીતરાગની વાણી છે. વીતરાગની વાણી-દ્રવ્યશ્રુત મિથ્યાત્વભાવ છોડવાનું નિમિત્ત છે. અહીં કહે છે, આવાં દ્રવ્યશ્રુત ભણીને પણ પ્રકૃતિસ્વભાવને- મિથ્યાત્વાદિને અજ્ઞાની છોડતો નથી. જેમ સર્પ સાકરવાળું દૂધ પીતાં છતાં વિષભાવને છોડતો નથી તેમ અભવિ જીવ અગિયાર અંગ ને નવપૂર્વનું જ્ઞાન કરતાં છતાં મિથ્યાત્વાદિભાવને છોડતો નથી; કારણ કે તેને સદાય ભાવશ્રુતજ્ઞાનસ્વરૂપ શુદ્ધાત્મજ્ઞાનના અભાવને લીધે અજ્ઞાનીપણું છે.
શું કીધું? અભવિ જીવ અગિયાર અંગ ને નવપૂર્વનો પાઠ ભણવા છતાં મિથ્યાત્વાદિને છોડતો નથી, કેમ? કેમકે તેને સદાય અતીન્દ્રિય આનંદના વેદનયુક્ત શુદ્ધાત્મજ્ઞાનનો અભાવ છે નિર્મળ ભાવશ્રુતજ્ઞાનનો અભાવ છે. અહા! ભગવાન આત્મા વીતરાગી નિર્મળ ભાવશ્રુતજ્ઞાનથી જણાય એવી ચીજ છે, કોરા શાસ્ત્રજ્ઞાનથી એ જણાય એમ નથી. તેથી ભગવાને કહેલાં હજારો શાસ્ત્રોનું જ્ઞાન કરીને પણ તે સ્વસ્વરૂપને જાણતો નથી અને મિથ્યાત્વાદિને કદી છોડતો નથી.