૭૪] [પ્રવચન રત્નાકર ભાગ-૯
અહા! ધર્મપિતા દેવાધિદેવ અરિહંત પરમાત્મા કહે છે- હે જીવ! તારા સ્વભાવમાં અંદર જ્ઞાનાનંદરસ ભર્યો છે, તેને ભાવશ્રુતજ્ઞાનથી જાણ-અનુભવ. અરે! એમ ન કરતાં ભગવાન! તું રાગની મંદતાની વ્યભિચારી ક્રિયામાં રોકાઈ ગયો! અહા! તારું ભર્યુંભાદરું (જ્ઞાનાનંદરસથી ભરેલું પૂરણ) ઘર મૂકીને તું રાગને ઘર ક્યાં ચઢી ગયો પ્રભુ! ભાઈ! ભગવાનના શાસ્ત્રોમાં તો વીતરાગભાવ પ્રગટ કરવાનો ઉપદેશ છે. અહા! એ દ્રવ્યશ્ર્રુતને સાંભળીને તેં વીતરાગભાવ પ્રગટ ન કર્યો ને રાગમાં જ ધર્મ માનીને રોકાઈ ગયો! તો દ્રવ્યશ્રુતથી તને શું લાભ થયો? કાંઈ જ નહિ. દ્રવ્યશ્રુતમાં પરસન્મુખતા છોડીને સ્વસન્મુખ થવાનો ઉપદેશ છે. પણ સ્વસન્મુખતા કરી નહિ તો એનો શું ગુણ થયો? કાંઈ ન થયો.
હવે કહે છે - ‘આથી એવો નિયમ કરવામાં આવે છે (અર્થાત્ એવો નિયમ ઠરે છે) કે અજ્ઞાની પ્રકૃતિસ્વભાવમાં સ્થિત હોવાથી વેદક જ છે (-કર્મનો ભોક્તા જ છે).’
લ્યો, આ નિયમ કહ્યો કે અજ્ઞાની પ્રકૃતિસ્વભાવમાં એટલે કે મિથ્યાત્વાદિ ભાવોમાં સ્થિત હોવાથી રાગાદિભાવોનો વેદનારો જ છે. અહીં અભવિનું તો દ્રષ્ટાંત છે, બાકી ભવિ અજ્ઞાની જીવ પણ અનેક શાસ્ત્રો ભણવા છતાં જ્યાંસુધી નિર્મળ ભાવ-શ્રુતજ્ઞાન પ્રગટ કરતો નથી ત્યાંસુધી અજ્ઞાનીપણાને લીધે ભોક્તા જ છે. રાગનું વેદન છોડ, અને સ્વસન્મુખ થઈ સ્વરૂપનું વેદન કર-દ્રવ્યશ્રુતમાં તો આ આજ્ઞા આવી છે. આ સાંભળીને પણ જો કોઈ જીવ પ્રકૃતિસ્વભાવને-રાગાદિને છોડતો નથી તો તે અજ્ઞાનીપણાને લીધે ભોક્તા જ છે. જેમ અભવિ ભોક્તા જ છે તેમ અજ્ઞાની જીવ પણ ભોક્તા છે.
‘આ ગાથામાં, અજ્ઞાની કર્મના ફળનો ભોક્તા જ છે-એવો નિયમ કહ્યો. અહીં અભવ્યનું ઉદાહરણ યુક્ત છે. અભવ્યનો એવો સ્વયમેવ સ્વભાવ છે કે દ્રવ્યશ્રુતનું જ્ઞાન આદિ બાહ્ય કારણો મળવા છતાં અભવ્ય જીવ, શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે, કર્મના ઉદયને ભોગવવાનો સ્વભાવ બદલતો નથી; માટે આ ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રોનું જ્ઞાન વગેરે હોવા છતાં જ્યાં સુધી જીવને શુદ્ધ આત્માનું જ્ઞાન નથી અર્થાત્ અજ્ઞાનીપણું છે ત્યાંસુધી તે નિયમથી ભોક્તા જ છે.
આત્મા અંદર અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો રસકંદ છે. એના અંતર-અનુભવની જેને દશા નથી તે અજ્ઞાની છે. ચિદાનંદઘન પ્રભુ આત્માની અંતર્દ્રષ્ટિ વિના પુણ્ય-પાપના ભાવ જે થાય તે મારું નિજસ્વરૂપ છે એમ જે માને છે તે અજ્ઞાની છે. અહીં કહે છે- આવો અજ્ઞાની જીવ કર્મફળનો ભોક્તા જ છે. હરખ-શોક વિનાની પોતાની ચીજ અંદર ત્રિકાળ આનંદસ્વરૂપ છે. તેનું ભાન કર્યા વિના કર્મોદયના નિમિત્તે જે શુભાશુભ ભાવ થાય તેનો એ કર્તા થઈને ભોગવનારો જ છે. સાનુકૂળ