૭૬] [પ્રવચન રત્નાકર ભાગ-૯ નિયમથી ભોક્તા જ છે. અંતર-સ્વરૂપના જ્ઞાન-શ્રદ્ધાન ને રમણતા થયા વિના બાહ્ય સાધનો કોઈ આત્માને તારી દે એમ નથી.
અહા! પોતે કેવડો છે ને કેવો છે- એનું સ્વસન્મુખ થઈને જ્ઞાન (સ્વસંવેદનજ્ઞાન) કર્યા વિના એક શાસ્ત્રજ્ઞાનથી સંસાર તરી શકાતો નથી. હજુ તો વેપાર-ધંધા, સ્ત્રી-પુત્ર પરિવાર અને વિષયભોગ ઇત્યાદિ સંસારી પ્રવૃત્તિઓ આડે એને શાસ્ત્રભણતરનાંય ઠેકાણાં નથી ત્યાં એને ધર્મ તો શું, સરખું પુણ્યેય ક્યાંથી થાય? અરે! જીવનનો મોટો ભાગ તો એને સંસારની પાપમય પ્રવૃત્તિઓમાં જ ચાલ્યો જાય છે. માંડ કલાક બે કલાક સાંભળવાનો વખત મળે તો એને સંભળાવનારા કુગુરુ મળી જાય. તેઓ આને રાગની ક્રિયામાં ધર્મ મનાવી દે. બસ થઈ રહ્યું. આ રીતે જીવન લૂંટાઈ જાય છે, વેડફાઈ જાય છે.
વીતરાગ જૈન પરમેશ્વરે કહેલો ધર્મનો મારગ અપૂર્વ ને અલૌકિક છે. ભાઈ! જ્યાં સુધી શુદ્ધ ચૈતન્યમાત્ર પોતાના આત્માનું જ્ઞાન નથી. ત્યાં સુધી તે અજ્ઞાની છે અને અજ્ઞાનમયપણાને લીધે તે વિકારનો ભોક્તા જ છે.
જગતના ભૌતિક પદાર્થો, સ્ત્રીનું શરીર, ખાન-પાનના પુદ્ગલો ઇત્યાદિ તો અનંતવાર અનુભવમાં આવી ગયા છે. તેથી તે બધા એંઠ છે. જ્ઞાની તે બધાને એંઠવત્ જાણે છે. આવે છે ને કે-
તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચા જ્ઞાન.
પરંતુ રે! અંદર પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે છે તેનું વેદન ન કરે ત્યાં સુધી અજ્ઞાની જીવ શુભાશુભનો ને હરખશોકનો ભોક્તા જ છે.