૯૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
અહાહા...! ભગવાન આત્માનો તો જ્ઞાન સ્વભાવ છે. રાગને કરે અને રાગને ભોગવે એવો એનો સ્વભાવ નથી. શું કીધું? આ શરીરાદિ પરપદાર્થ છે તેને તો આત્મા કરે નહિ પણ રાગાદિનું કરવું ને રાગાદિનું વેદવું એવું આત્માના જ્ઞાન-સ્વભાવમાં નથી. લ્યો, આ દ્રષ્ટાંતથી સમજાવે છેઃ-
નેત્ર-આંખ દ્રશ્ય એવી અગ્નિરૂપ વસ્તુને દેખે છે પણ સંધુક્ષણ કરનાર પુરુષની માફક આંખ અગ્નિરૂપ વસ્તુને કરતી નથી. જેમ અગ્નિને સળગાવનાર પુરુષ અગ્નિરૂપ વસ્તુને કરે છે તેમ આંખ દ્રશ્ય પદાર્થને દેખે છે પણ તેને કરતી નથી. તેમ જ તપેલા લોખંડના ગોળાની માફક આંખ અગ્નિને અનુભવરૂપે વેદતી નથી. લોઢાનો ઉનો ગોળો હોય તે જેમ ઉનાપણું વેદે છે તેમ આંખ વેદતી નથી, લ્યો, દ્રષ્ટાંત કીધું.
તેમ, કહે છે, આત્મા કે જેનો એક જ્ઞાયકભાવ સ્વભાવ છે તે પુણ્ય અને પાપના ભાવને કરતો નથી તેમ જ વેદતો નથી. આ દયા પાળે, દાન કરે, વ્રતાદિ પાળે પણ ભાઈ! એ તો બધો રાગ છે. એ રાગનું કરવું ને રાગનું વેદવું તે, કહે છે, આત્માના જ્ઞાનસ્વભાવમાં નથી. અહા! આવો પોતાનો સ્વભાવ જ્યાં સુધી દ્રષ્ટિમાં ન આવે ત્યાં સુધી જીવ અજ્ઞાની છે.
કહ્યું ને કે- ‘તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ અભેદથી શુદ્ધજ્ઞાનપરિણત જીવ પણ પોતે શુદ્ધ-ઉપાદાનરૂપે કરતો નથી અને વેદતો નથી.’ જુઓ, શુદ્ધપણે પરિણમ્યો છે એવા જીવની અહીં વાત છે. શુદ્ધ જ્ઞાન તે ગુણ લીધો અને શુદ્ધ જ્ઞાન પરિણત જીવ તે દ્રવ્ય લીધું છે. અહાહા...! હું એક શુદ્ધ જ્ઞાનસ્વભાવી આત્મા છું એમ જેને અંતરમાં શુદ્ધ જ્ઞાનમય પરિણમન થયું છે તે જીવ શુદ્ધ ઉપાદાનરૂપે દયા, દાન, વ્રત આદિ રાગના ભાવને કરતો નથી અને વેદતોય નથી કેમકે આત્માનું શુદ્ધ ઉપાદાન તો શુદ્ધ એક ચૈતન્યમય છે.
અહીં બે વાત થઈઃ ૧. જ્ઞાનગુણ ત્રિકાળ છે તે પણ દયા, દાન આદિ રાગને-વિકલ્પને કરતો કે વેદતો નથી અને
૨. તેમ શુદ્ધજ્ઞાનપરિણતિ જીવ પણ રાગને કરતો કે વેદતો નથી. બાપુ! આ બહારનાં બધાં કામ હું વ્યવસ્થિત કરી શકું છું એમ જે માને છે તે તો મિથ્યાદ્રષ્ટિ છે. અહીં તો કહે છે-સ્વભાવસન્મુખની દ્રષ્ટિ વડે શુદ્ધજ્ઞાનરૂપે પરિણમેલો જીવ, બહારનાં કામ કરવાનું તો દૂર રહો, પુણ્ય ને પાપના ભાવને કરે અને વેદે એમ પણ છે નહિ. અહાહા...! જ્ઞાનગુણ પણ એવો નથી અને શુદ્ધજ્ઞાનરૂપે પરિણમેલું દ્રવ્ય પણ એવું નથી. અહીં શુદ્ધજ્ઞાનપરિણત જીવ દ્રવ્ય કેમ કહ્યું? કેમકે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તો રાગને કરતુંય નથી અને વેદતુંય નથી; એવો જ એનો સ્વભાવ છે;