સમયસાર ગાથા ૩૨૦ ] [ ૯૩ પણ પરિણમન શુદ્ધ થયા વિના રાગને કરતું નથી અને વેદતું નથી એ સિદ્ધ ક્યાંથી થાય? દ્રવ્ય શુદ્ધજ્ઞાનરૂપે પરિણમે ત્યારે તે રાગને કરતું નથી ને વેદતું નથી એમ સિદ્ધ થાય. ભાઈ! આ તો ઘણો ગહન વિષય છે.
ભાઈ! આ તો સર્વજ્ઞના ઘરની અંતરની વાતુ છે. આત્માનો જ્ઞાનસ્વભાવ છે તે તો માત્ર જ્ઞાનરૂપે જ પરિણમે છે. રાગને કરે કે વેદે એ તો જ્ઞાનસ્વભાવમાં છે જ નહિ; પણ જ્ઞાનનો જ્યારે અનુભવ થાય ત્યારે તે સમજાય ને? અહાહા...! નિશ્ચયથી જીવદ્રવ્ય છે તે રાગનો કર્તા કે ભોક્તા નથી, પણ જીવ રાગનો કર્તા-ભોક્તા નથી એવો નિર્ણય કોને થાય? શુદ્ધજ્ઞાનપરિણત જીવને આવો નિર્ણય થાય છે.
ભગવાન આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ ત્રિકાળ શુદ્ધ અને પવિત્ર છે. તેને ધ્યેય બનાવી તેના લક્ષ્યે-આશ્રયે જ્યાં પર્યાયમાં શુદ્ધ પરિણમન થતું ત્યાં તે જીવ રાગનો કર્તા નથી અને હરખ-શોકનો ભોક્તા નથી. શુદ્ધપણે પરિણમન થયા વિના દ્રવ્ય-સ્વભાવ રાગનો કર્તા-ભોક્તા નથી એમ નિર્ણય કેવી રીતે થાય? આ પ્રમાણે ગુણ અને ગુણી બન્નેનું શુદ્ધ જ્ઞાનમય પરિણમન થાય ત્યારે તે જીવ વ્યવહારના જે વિકલ્પ આવે તેનો કર્તા નથી અને ભોક્તા પણ નથી એમ યથાસ્થિત સિદ્ધ થાય છે. જ્ઞાનીને અશુભ રાગ પણ આવે તેનો પણ તે કર્તા-ભોક્તા નથી. લ્યો, આવી વાત! સમજાણું કાંઈ...? જ્ઞાનસ્વરૂપી આત્મા સ્વભાવપણે પરિણમે તે વિભાવપણે કેમ થાય! ન જ થાય.
ધર્મી એવો ભગવાન આત્મા-તેનો ધર્મ, જ્ઞાન અને આનંદ છે; તેનું પર્યાયમાં જેને પરિણમન થાય તે જીવ કે તે જીવનું જ્ઞાન દયા, વ્રત, તપ આદિના વિકલ્પને કરે કે વેદે એમ કદી છે નહિ. આવી સૂક્ષ્મ વાત!
અથવા પાઠાન્તરઃ ‘दिट्ठी खयं पि णाणं’ તેનું વ્યાખ્યાનઃ શું કહે છે? કે માત્ર દ્રષ્ટિ જ નહિ પરંતુ ક્ષાયિક જ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકારક તેમ જ અવેદક પણ છે. જેમ નેત્ર છે તે પરને કરતું કે વેદતું નથી તેમ ક્ષાયિક જ્ઞાન અને જ્ઞાનપરિણત જીવ પણ દયા-દાન આદિ વિકલ્પને કરતો નથી અને વેદતો પણ નથી.
જુઓ, પહેલા બે બોલમાં દ્રષ્ટિનું (દ્રવ્યદ્રષ્ટિનું) જોર આપ્યું છે. અહીં હવે ક્ષાયિક જ્ઞાનની વાત કરે છે. જેવું શક્તિરૂપે સર્વજ્ઞપણું છે એવું પર્યાયમાં પણ સર્વજ્ઞપણું પ્રગટયું તે ક્ષાયિકજ્ઞાન છે. તે ક્ષાયિકજ્ઞાન પણ, કહે છે, નિશ્ચયથી રાગનું અકારક તેમ જ અવેદક છે. અહા! સર્વજ્ઞ પરમાત્માને જે યોગનું કંપન છે તેના પણ તેઓ અકર્તા અને અવેદક છે. ‘ક્ષાયિકજ્ઞાન પણ’ -એમ ‘પણ’ શબ્દ કેમ કીધો? કે પ્રથમ બે બોલમાં વાત કરી તે પ્રમાણે આ ક્ષાયિકજ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકારક તેમ જ અવેદક છે એમ કહેવું છે. અહીં કર્મ શબ્દે રાગદ્વેષ આદિ ભાવકર્મ સમજવું.