૧૮૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
‘જ્ઞાનનો સ્વભાવ નેત્રની જેમ દૂરથી જાણવાનો છે; માટે કરવું-ભોગવવું જ્ઞાનને નથી. કરવા-ભોગવવાપણું માનવું તે અજ્ઞાન છે.’
જુઓ, આંખ છે તે અગ્નિને જાણે, કાષ્ટને જાણે, વીંછીને જાણે, પણ દૂરથી જ જાણે છે; એમાં ભળીને ન જાણે, આંખ કાંઈ અગ્નિ આદિમાં ન પ્રવેશે અને અગ્નિ આદિ પદાર્થ આંખમાં ન પેસી જાય. લ્યો, આ પ્રમાણે આંખ દૂરથી જ જાણે છે. તેમ, કહે છે, જ્ઞાન દૂરથી જ જાણે છે; જ્ઞાનનો સ્વભાવ નેત્રની જેમ દૂરથી જાણવાનો છે. અહાહા...! આત્મા જ્ઞાનસ્વરૂપ છે અને તે રાગાદિ પુણ્ય-પાપના પરિણામને દૂરથી જ જાણે છે, તેમાં ભળીને- એકમેક થઈને જાણે એમ નહિ. રાગાદિમાં ભળી જાય-એકમેક થઈ જાય એવો આત્માનો સ્વભાવ જ નથી. તેથી જ્ઞાન દૂરથી જાણે પણ એને કરવું-ભોગવવું નથી.
શું કીધું? દુનિયામાં અનેક કામ થાય તેને આંખ દૂરથી માત્ર જાણે, કરે નહીં. મકાન બને તેને જાણે, પણ કરે એમ નહિ. તેમ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા શરીર, મન, વાણી ઇત્યાદિની ક્રિયાને માત્ર જાણે પણ કરે એમ નહિ. પુણ્ય-પાપના ભાવ થાય તેને પણ કરે નહિ, દૂર રહીને માત્ર જાણે. ભાઈ! આવું જ ભગવાન આત્માનું સ્વરૂપ છે. માટે કરવું-ભોગવવું જ્ઞાનને નથી. અહા! આવા પોતાના જ્ઞાનસ્વભાવનું અંતરઅવલંબને જેને ભાન થયું તેને રાગનું કરવું-ભોગવવું નથી.
તથાપિ કરવા-ભોગવવાપણું માનવું તે અજ્ઞાન છે આ ભગવાનની ભક્તિના રાગને હું કરું છું, હું ભોગવું છું-એમ માને એ અજ્ઞાન છે. અજ્ઞાનવશ જ જીવ રાગાદિનો કર્તા-ભોક્તા છે; બાકી ચૈતન્યસૂર્ય ભગવાન આત્મા છે તે શુભાશુભરાગના અંધકારમાં ભળે શી રીતે? ચૈતન્યબિંબ પ્રભુ આત્મા રાગથી એકમેક કેમ થાય? કદી ન થાય. માટે સમ્યગ્દ્રષ્ટિ જીવ, તેને રાગ આવે પણ તેનો કર્તા-ભોક્તા થતો નથી, રાગમાં ભળ્યા વિના દૂર રહીને માત્ર તેનો જ્ઞાતા જ છે.
‘અહીં કોઈ પૂછે કે-“એવું તો કેવળજ્ઞાન છે. બાકી જ્યાં સુધી મોહકર્મનો ઉદય છે ત્યાં સુધી તો સુખદુઃખ-રાગાદિરૂપે પરિણમન થાય જ છે, તેમ જ જ્યાં સુધી દર્શનાવરણ, જ્ઞાનાવરણ તથા વીર્યાંતરાયનો ઉદય છે ત્યાં સુધી અદર્શન, અજ્ઞાન તથા અસમર્થપણું હોય જ છે; તો પછી કેવળજ્ઞાન થયા પહેલાં જ્ઞાતાદ્રષ્ટાપણું કેમ કહેવાય?’
જુઓ, આ શિષ્યનો પ્રશ્ન! એમ કે ચોથેગુણસ્થાને જ્યાં આત્મજ્ઞાન થયું ત્યાં કર્તાભોક્તાપણું નથી, માત્ર જ્ઞાતાપણું છે એમ કહ્યું, પણ એ તો કેવળજ્ઞાનને લાગુ