૧૯૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ કેટલી? મિથ્યાત્વ ગયા પછી સંસારનો અભાવ જ થાય છે. જેને સમકિતની બીજ ઉગી તેને પૂનમના પૂરણ ચંદ્રની જેમ પૂર્ણ કેવળજ્ઞાન થાય જ છે.
‘સમુદ્રમાં બિંદુની શી ગણતરી? ’ એમ કે સંસારનું બીજ એવું મિથ્યાદર્શન ગયું પછી કિંચિત્ રાગ-બંધ થાય તેની શું વિસાત? એ તો નાશ થવા ખાતે જ છે; કેમકે સમકિતી ધર્મી પુરુષ ક્રમે પુરુષાર્થ વધારીને તેનો નાશ કરી જ દે છે. કેવું સરસ સ્પષ્ટીકરણ કર્યું છે!
હવે કહે છે- ‘વળી એટલું વિશેષ જાણવું કે-કેવળજ્ઞાની તો સાક્ષાત્ શુદ્ધાત્મસ્વરૂપ જ છે અને શ્રુતજ્ઞાની પણ શુદ્ધનયના અવલંબનથી આત્માને એવો જ અનુભવે છે; પ્રત્યક્ષ-પરોક્ષનો જ ભેદ છે.’
જુઓ, અરિહંત પરમાત્મા તો સાક્ષાત્ શુદ્ધાત્મસ્વરૂપ જ છે. ચોથે ગુણસ્થાને શ્રુતજ્ઞાની પણ શુદ્ધનયના અવલંબનથી આત્માને શુદ્ધાત્મસ્વરૂપ જ અનુભવે છે; માત્ર પ્રત્યક્ષ-પરોક્ષનો જ ભેદ છે. કેવળજ્ઞાની આત્માને પ્રત્યક્ષ અનુભવે છે, જ્યારે શ્રુતજ્ઞાની પરોક્ષ અનુભવે છે. તેને આનંદનું વેદન છે તે અપેક્ષાએ આત્મા સ્વાનુભવ-પ્રત્યક્ષ છે એમ પણ કહીએ છીએ.
‘માટે શ્રુતજ્ઞાનીને જ્ઞાન-શ્રદ્ધાનની અપેક્ષાએ તો જ્ઞાતા-દ્રષ્ટાપણું જ છે અને ચારિત્રની અપેક્ષાએ પ્રતિપક્ષી કર્મનો જેટલો ઉદય છે તેટલો ઘાત છે તથા તેને નાશ કરવાનો ઉદ્યમ પણ છે. જ્યારે તે કર્મનો અભાવ થશે ત્યારે સાક્ષાત્ યથાખ્યાત-ચારિત્ર થશે અને ત્યારે કેવળજ્ઞાન થશે.’
જુઓ, જ્ઞાનીને દ્રષ્ટિ-શ્રદ્ધા અપેક્ષાએ જ્ઞાતા-દ્રષ્ટાપણું જ છે, પણ ચારિત્ર અપેક્ષા જેટલો ઉદય છે તેટલો ઘાત છે. અહા! જ્ઞાનીને જેટલો રાગ છે તેટલો શાંતિનો ઘાત છે, છતાં તેનો નાશ કરવાનો ઉદ્યમ પણ છે, કેમકે તેને રાગની ભાવના નથી, પણ એક શુદ્ધોપયોગની જ ભાવના છે, જ્યાં તે સ્વસ્વરૂપમાં અતિ ઉગ્રપણે સ્થિર થાય છે ત્યાં રાગનો ઉદય થતો નથી અને એ પ્રમાણે રાગનો ક્ષય-અભાવ થાય છે. આ રીતે જ્યારે તે (-અસ્થિરતાનો) રાગ સર્વથા નાશ પામે ત્યારે સાક્ષાત્ યથાખ્યાત્ચારિત્ર-પૂરણ વીતરાગ ચારિત્ર પ્રગટ થશે અને ત્યારે કેવળજ્ઞાન થશે.
‘અહીં સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે તે મિથ્યાત્વના અભાવની અપેક્ષાએ કહેવામાં આવે છે.’ કેવળજ્ઞાન હોય તો જ્ઞાની એમ અર્થ અહીં નથી. તેમ જ બહુ શાસ્ત્રો જાણે માટે જ્ઞાની એમ પણ અર્થ નથી. પરંતુ સ્વસ્વરૂપના આશ્રયે આત્માનાં સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાન અંદર પ્રગટ થયાં છે તે જ્ઞાની છે એમ અહીં વાત છે.