સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૯૧
‘જ્ઞાનસામાન્યની અપેક્ષા લઈએ તો સર્વ જીવ જ્ઞાની છે અને વિશેષ અપેક્ષા લઈએ તો જ્યાંસુધી કિંચિત્માત્ર પણ અજ્ઞાન રહે ત્યાં સુધી જ્ઞાની કહી શકાય નહિ-જેમ સિદ્ધાંતમાં ભાવોનું વર્ણન કરતાં, જ્યાંસુધી કેવળજ્ઞાન ન ઉપજે ત્યાંસુધી અર્થાત્ બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ કહ્યો છે. માટે અહીં જે જ્ઞાની-અજ્ઞાનીપણું કહ્યું તે સમ્યક્ત્વ-મિથ્યાત્વની અપેક્ષાએ જ જાણવું.’
જુઓ, જ્ઞાનસામાન્યની અપેક્ષા સર્વ જીવને જ્ઞાની કહ્યા, કેમકે સામાન્યપણે સર્વ જીવ જ્ઞાનસ્વરૂપ જ છે.
વિશેષ અપેક્ષા જ્યાંસુધી કિંચિત્માત્ર અજ્ઞાન રહે ત્યાં સુધી જીવને અજ્ઞાની કહ્યો; જેમ સિદ્ધાંતમાં બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ કહ્યો. અહીં અજ્ઞાન એટલે મિથ્યાજ્ઞાન નહિ પણ ઓછું જ્ઞાન એમ અર્થ છે. બારમા ગુણસ્થાને વીતરાગ થયો છે પણ એને પરિપૂર્ણજ્ઞાન-કેવળજ્ઞાન નથી, ઓછું જ્ઞાન છે. તે અપેક્ષા ત્યાં અજ્ઞાનભાવ કહ્યો.
સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાની કહ્યો છે તે આત્માનું એને યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાન થયું છે તે અપેક્ષાએ કહ્યો છે. અહીં જે જ્ઞાની-અજ્ઞાનીપણું કહ્યું છે તે સમ્યક્ત્વ-મિથ્યાત્વની અપેક્ષાએ સમજવું. મતલબ કે-
૧. સમ્યક્ત્વ સહિત જીવ જ્ઞાની છે.
૨. મિથ્યાત્વ સહિત જીવ અજ્ઞાની એટલે મિથ્યાજ્ઞાની છે. સમ્યગ્દર્શન વિના કોઈ અગિયાર અંગ ભણે તોય અજ્ઞાની છે. તથા કોઈને શાસ્ત્રનું વિશેષ જ્ઞાન ન હોય પણ અંતરમાં ભેદજ્ઞાન થયું હોય, રાગથી ભિન્ન આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન થયાં હોય તો તે જીવ જ્ઞાની છે.
શિવભૂતિ મુનિની વાત આવે છેઃ ગુરુએ કહ્યું- ‘મા રુષ મા તુષ’ -કોઈ પ્રતિ રાગ ન કર, દ્વેષ ન કર-; હવે એ શબ્દ તો ભૂલી ગયા, પણ એક વાર એક બાઈ અડદની દાળનાં ફોતરાં જુદી પાડતી હતી ત્યારે તેને બીજી એક બાઈએ પૂછયું બેન, શું કરો છો આ? ત્યારે તે બાઈએ જવાબ દીધો-આ દાળમાંથી ફોતરાં જુદાં પાડું છું. બસ, આ સાંભળીને શિવભૂતિ મુનિરાજ એકદમ અંદર સોંસરા ઊંડા ઉતરી ગયા. અહો! આ પુણ્યના પરિણામ તો ફોતરાં જેવા છે; અંદર મારો નાથ તો રાગ રહિત અતિ ઉજ્જ્વલ જ્ઞાનસ્વભાવે પ્રકાશે છે-બસ આમ ભેદવિજ્ઞાન કરી અંતર-અનુભવ કરી સ્વરૂપમાં એવા સ્થિર થયા કે અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ ગઈ.