Pravachan Ratnakar (Gujarati). Kalash: 199.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3211 of 4199

 

૧૯૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯

આ પ્રમાણે ભેદવિજ્ઞાન તે જ્ઞાન છે અને તે વડે જીવ જ્ઞાની છે. ભેદવિજ્ઞાન વિના જીવ અજ્ઞાની છે. આવી વાત છે.

*

હવે, જેઓ-જૈનના સાધુઓ પણ-સર્વથા એકાન્તના આશયથી આત્માને કર્તા જ માને છે તેમને નિષેધતો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક કહે છેઃ-

* કળશ ૧૯૯ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

[ये तु तमसा तताः आत्मानं कर्तारम् पश्यन्ति] જેઓ અજ્ઞાન-અંધકારથી આચ્છાદિત થયા થકા આત્માને કર્તા માને છે, [मुमुक्षुताम् अपि] તેઓ ભલે મોક્ષને ઈચ્છનારા હોય તોપણ [सामान्यजनवत्] સામાન્ય (લૌકિક) જનોની માફક [तेषाम् मोक्षः न] તેમનો પણ મોક્ષ થતો નથી.

શું કહે છે? કે તેમનો પણ મોક્ષ થતો નથી. કોનો? કે જેઓ અજ્ઞાન-અંધકારથી વ્યાપ્ત થયા થકા આત્માને કર્તા માને છે.

અહાહા...! ભગવાન આત્મા ચિદ્બ્રહ્મ પ્રભુ એક જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી છે. અહા! પોતાના આવા સ્વરૂપને નહિ જાણતાં અજ્ઞાનથી રાગની ક્રિયા-દયા, દાન, વ્રત, ભક્તિ આદિની ક્રિયા-કરવાનો મારો સ્વભાવ છે અર્થાત્ એ રાગાદિ ક્રિયા મારું કર્તવ્ય છે એમ જે માને છે તેઓ મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. છ કાયના જીવોની રક્ષા હું કરી શકું અને તે મારું કર્તવ્ય છે એમ જેની માન્યતા છે તે ભલે બહારથી જૈનમતાનુસારી હો, દ્રવ્યચારિત્ર પાળતો હો, દેવ-ગુરુ-શાસ્ત્રની વિનય-ભક્તિયુક્ત હો, તથા શાસ્ત્રોમાં પારંગત હો, તોપણ તે પોતાને-આત્માને રાગનો કર્તા માનનારો મિથ્યાદ્રષ્ટિ છે. જૈન નથી. અહા! આવા પુરુષો (આત્માને કર્તા માનનારા પુરુષો) ભલે મોક્ષને ઈચ્છનારા હો તોપણ સામાન્ય જનોની માફક-તાપસાદિ લૌકિક જનોની માફક-તેમનો પણ મોક્ષ થતો નથી.

આ સાંભળીને કોઈને (વ્યવહારમૂઢ જીવને) ખોટું લાગે, પણ ભાઈ! આ કોઈના અનાદરની વાત નથી, આ તો વસ્તુની સ્થિતિ આવી છે એમ વાત છે; યથાર્થ સમજણ કરીને પોતાની ભૂલ ટાળવાની વાત છે. બાકી દરેક આત્મા શક્તિપણે તો ભગવાન છે. (ત્યાં કોનો અનાદર કરીએ?)

પાપનો કર્તા થાય કે પુણ્યનો કર્તા થાય-બન્ને એક સમાનપણે વિપરીતદ્રષ્ટિ છે, કેમકે ભગવાન આત્મા તો અકર્તાસ્વભાવ છે, જ્ઞાતાદ્રષ્ટા છે. તેથી જેઓ આત્માને પુણ્યનો કર્તા માને છે તેઓ પણ અન્ય લૌકિક મિથ્યાદ્રષ્ટિઓની જેમ મોક્ષ પામતા નથી, બલ્કે દીર્ઘકાળ સંસારમાં રખડયા જ કરે છે. આવી વાત છે.

[પ્રવચન નં. ૩૮પ * દિનાંક ૩-૭-૭૭]