પ૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ છે. તથા એ ત્રણેય પુદ્ગલપરિણામો બાહ્ય ચીજ હોવાથી મારા-પોતાનામાં નથી એમ માની જે પોતાનો દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વભાવરૂપ એક જ્ઞાયકભાવ આત્મા છે તેવી શ્રદ્ધા કરી તેની સાથે જ એકપણાની નિર્મળ જ્ઞાન, આનંદની અનુભૂતિ કરે તે અંતરાત્મા છે. પોતાના દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિની પૂર્ણદશા પ્રગટ થવી એ પરમાત્મા છે. આ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માની વ્યાખ્યા છે.
પહેલાં ઘડાનું દ્રષ્ટાંત આપ્યું. હવે દર્પણનું દ્રષ્ટાંત આપીને સમજાવે છે. ‘જેમ રૂપી દર્પણની સ્વ-પરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા જ્વાળા અગ્નિની છે....શું કહે છે? જ્યારે દર્પણની સામે અગ્નિ હોય ત્યારે દર્પણમાં જે પ્રતિબિંબ (અગ્નિ જેવો આકાર) દેખાય છે તે દર્પણની સ્વચ્છતાની પર્યાય છે, પણ અગ્નિની પર્યાય નથી. જે બહારમાં જ્વાળા અને ઉષ્ણતા છે તે અગ્નિનાં છે. પરંતુ દર્પણમાં જે પ્રતિબિંબ દેખાય છે તે તો દર્પણની સ્વ-પરના આકારનો-સ્વરૂપનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે. ‘તેવી રીતે અરૂપી આત્માની તો પોતાને ને પરને જાણનારી જ્ઞાતૃતા (જ્ઞાતાપણું) જ છે અને કર્મ તથા નોકર્મ પુદ્ગલનાં છે.’ શું કહે છે? રાગ-દયા, દાન, પુણ્ય-પાપ આદિ જે વિકલ્પ એના આકારે એટલે જ્ઞેયાકારે જ્ઞાન થયું એ તો જ્ઞાનની પર્યાય છે, પણ રાગની નથી. જેમ અગ્નિની પર્યાય અગ્નિમાં રહી, પણ તેનો આકાર (પ્રતિબિંબ) જે અરીસામાં દેખાય છે તે અગ્નિની પર્યાય નથી પણ એ તો અરીસાની સ્વચ્છતાની આકૃતિની પર્યાય છે, તેમ ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે એ જ્ઞેયાકાર સ્વનું જ્ઞાન કરે છે અને દયા, દાન, વ્રત, આદિ વિકલ્પનું જ્ઞાન કરે છે. એ પરનું જ્ઞાન થાય છે એ પોતાની પર્યાયમાં થાય છે. એ પરનું જ્ઞાન પરમાં તો થતું નથી, પણ પરને લીધે પણ થતું નથી. પોતાના જ્ઞાનની સ્વચ્છત્વ શક્તિને લીધે થાય છે.
સ્વનું જ્ઞાન થવું અને પર-રાગનું જ્ઞાન થવું એ તો પોતાની જ્ઞાનની પરિણતિનો સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે. રાગ છે તો રાગનું જ્ઞાન થયું એમ નથી. પરંતુ તે સમયે પોતાની જ્ઞાનની પર્યાય સ્વયં રાગના જ્ઞેયાકારરૂપે પરિણમતી થકી જ્ઞાનાકારરૂપ થઈ છે. તે પોતાથી થઈ છે, પોતામાં થઈ છે, પરથી (જ્ઞેયથી) નહીં. અરૂપી આત્માને તો પોતાને અને પરની જાણવાવાળી જ્ઞાતૃતા છે. એ જ્ઞાતૃતા પોતાની છે, પોતાથી સહજ છે, રાગથી નહિ અને રાગની પણ નહીં. એ રાગ છે તો જ્ઞાતૃતા (જાણપણું) છે એમ નથી. વસ્તુનું સહજસ્વરૂપ જ આવું છે. અહો! આચાર્યદેવે મીઠી, મધુરી ભાષામાં વસ્તુ ભિન્ન પાડીને બતાવી છે. એમાં ઠર તો તારું કલ્યાણ થશે.
જેમ રૂપી દર્પણની સ્વચ્છતામાં સ્વ-પરનો પ્રતિભાસ કરવાની પોતાની શક્તિ છે તેમ જ્ઞાનની પર્યાયમાં પોતાનું જ્ઞાન થવું અને પર એવા વ્યવહારરત્નત્રયનું જ્ઞાન થવું-એ સ્વપરનું જાણવારૂપ પરિણમન થવું એ પોતાની શક્તિના કારણે છે, પણ રાગના (વ્યવહારરત્નત્રયના) કારણે નહિ અને રાગમાં પણ નહિ. ૧૨ મી ગાથમાં આવે છે