Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 337 of 4199

 

પ૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨

હવે જ્યારે તે એમ જાણે છે કે આત્મા તો જ્ઞાતા જ છે અને કર્મ-નોકર્મ પુદ્ગલનાં જ છે ત્યારે જ તે પ્રતિબુદ્ધ થાય છે. શું કહ્યું? કે આ જાણનાર, જાણનાર છે તે જ આત્મા છે. જે આ જાણે છે તે જ આત્મા છે. અને પર તરફના લક્ષે ઉત્પન્ન થએલાં રાગાદિ ભાવકર્મ અને શરીર, મન, વાણી ઇત્યાદિ નોકર્મ એ પુદ્ગલના જ છે. જુઓ, આ પૈસા, બાયડી, છોકરાં, વેપારંધધો એ તો બહુ દૂર રહી ગયા. એ તો બધી પુદ્ગલની પર્યાયની જ જાત છે. અહીં તો દયા, દાન, વ્રતાદિ વિકલ્પ ઊઠે એ પણ પુદ્ગલના જ છે એમ વાત છે. એ ચૈતન્ય-જ્ઞાયકની સત્તામાં-જ્ઞાયકના હોવાપણામાં એ રાગની સત્તા નથી અને રાગની સત્તામાં ભગવાન જ્ઞાયકની સત્તા નથી. એમ શરીરની સત્તામાં આત્માની સત્તા નથી અને આત્માના હોવાપણામાં શરીરની સત્તા નથી. ભગવાનની ભક્તિ થાય, વ્રત અને તપનો વિકલ્પ આવે ઉપવાસ કરું, બ્રહ્મચર્યપાળું એવો શુભરાગ આવે એ બધા શુભરાગની સત્તામાં ચૈતન્યસ્વરૂપ આત્મા નથી અને ચૈતન્યસ્વરૂપ આત્મામાં એ શુભરાગની સત્તા નથી. આવું જ્યારે ભેદજ્ઞાન થાય ત્યારે તે પ્રતિબુદ્ધ થાય છે. લ્યો, આમ રાગાદિથી ભેદ કરી જ્ઞાયકમાં એકપણે એકાગ્રતા કરે ત્યારે પ્રતિબુદ્ધ થાય છે.

જેમ અરીસામાં અગ્નિની જ્વાળા દેખાય ત્યાં એમ જણાય છે કે-જ્વાળા તો અગ્નિમાં જ છે; અરીસામાં નથી પેઠી. અરીસામાં દેખાઈ રહી છે તે અરીસાની સ્વચ્છતા જ છે. શું કહે છે? તેમાં જે અગ્નિની જ્વાળા (પ્રતિબિંબ) દેખાય છે તે જ્વાળા અગ્નિની નથી અને અગ્નિથી પણ નથી. એ તો અરીસાની સ્વચ્છતાની દશા છે. એ (એ અરીસાના સ્વભાવને કારણે છે) અરીસાની સ્વચ્છતાનો સ્વભાવ જ એવો છે કે તે પોતાની સ્વચ્છતાને બતાવે અને સામે ચીજ છે એનો જે પોતામાં પ્રતિભાસ થાય એને પણ બતાવે. ખરેખર અરીસામાં જે દેખાય છે એ જ્વાળા નથી પણ એ તો અરીસાની સ્વચ્છતા છે. સામે બરફ હોય અને પીગળતો જાય એ અરીસામાં દેખાય છે. એ બરફને લઈને નથી કે બરફ એમાં છે એમ પણ નથી. ત્યાં તો અરીસાની સ્વચ્છતાનું જ અસ્તિત્વ છે, બરફનું નથી. તેમ જેની સત્તામાં-હોવાપણામાં આનંદ અને જ્ઞાન ભર્યું છે તેમાં રાગનું જે જ્ઞાન થાય એ જ્ઞાન એની પોતાની સત્તામાં છે, પણ રાગ એની સત્તામાં નથી. ભગવાન આત્મા જ્ઞાયકજ્યોતિ ચૈતન્યઅરીસો છે. એમાં શુભાશુભભાવની વૃત્તિઓ જે છે તેનો પ્રતિભાસ-જ્ઞાન થાય, એ જ્ઞાનનું અસ્તિત્વ તો પોતામાં છે, પણ શુભાશુભભાવની વૃત્તિઓનું અસ્તિત્વ આત્મામાં નથી. એ જ્ઞાનમાં એ (શુભાશુભભાવની વૃત્તિઓ) જણાય અને આત્મા જણાય, પણ પરને (શુભાશુભભાવની વૃત્તિઓને) લઈને જ્ઞાનનું અસ્તિત્વ છે એમ નથી. એ રાગ છે માટે રાગનું અહીં જ્ઞાન થયું એમ નથી.

ઝીણો માર્ગ, ભાઈ! સંપ્રદાયના માણસો નવા આવે એમને થાય કે આ તે શું કહે છે? આવો ધર્મ? બાપા! જિનેશ્વરના માર્ગનો ધર્મ તો આવો છે. ચૈતન્યબિંબ પડયું છે ને અંદર! તેમાં સામી જે ચીજ છે એ પ્રકારના (જ્ઞેયના) જ્ઞાનરૂપે પરિણમવું,