ગાથા-૧૯] [ પ૭ એને જાણવું એ તો પર્યાયનો તે ક્ષણનો ધર્મ છે. ખરેખર તો એ જ્ઞેય સંબંધી પોતાની જે જ્ઞાનની પરિણતિ એને એ જાણે છે. આ બધા (અજ્ઞાની) કહે છે કે દેવ-ગુરુની ભક્તિ કરો, તેથી એમાંથી માર્ગ મળી જશે. અહીં કહે છે કે ભક્તિ એ રાગ છે. એ રાગ જે થાય તે જ સમયનું જ્ઞાન સ્વ અને પરને જાણતું પરિણમે એવી પર્યાયની તાકાતથી એ રાગને જાણી રહ્યું છે. રાગને જાણી રહ્યું છે એ પણ વ્યવહારથી છે. નિશ્ચયથી તો રાગ સંબંધી જ્ઞાન અને પોતા સંબંધી જ્ઞાનને જાણી રહ્યું છે. મૂળ વાત-પ્રથમ દશા સમજાય નહિ અને પછી ચારિત્ર અને વ્રત કયાંથી આવે? મૂળ એકડા વિનાનાં મીંડાં શા કામનાં?
ભગવાન આત્મા જ્ઞાયકભાવસ્વભાવરૂપ છે. એમાં વ્યવહારરત્નત્રયનો જે રાગ થાય તે રાગસંબંધીનું પણ તે કાળે પોતાનું જ્ઞાન પરિણમે છે. એ જ્ઞેયાકારે પરિણમે છે એમ કહેવું તે વ્યવહાર અને એ જ્ઞાનાકારે થઈ રહ્યું છે એ નિશ્ચય છે. ભાઈ! અહીં તો તળિયે-વસ્તુના તળમાં જાય તો પત્તો ખાય એવું છે. કોઈ ને એમ લાગે કે આ તો નિશ્ચયાભાસ છે. ભગવાન! તને સ્વભાવની સત્તાની ખબર નથી. ભગવાન આત્માની જ્ઞાનસત્તા જ્ઞાનના હોવાપણે છે. એમાં વ્યવહારના જે વિકલ્પ ઊઠે એ સંબંધીનું જ્ઞાન થવું તે તે કાળે જ્ઞાનની પરિણતિના સ્વભાવથી થાય છે, પણ રાગને લીધે નહિ. તે કાળે સ્વપરને જાણવાની પરિણતિ પોતાના અસ્તિત્વને લઈને ઊભી થાય છે, પણ રાગને લઈને નહિ. ભગવાન આત્માનો સ્વ-પરને પ્રકાશવાના સામર્થ્યવાળો ચૈતન્યપ્રકાશ જ એવો છે કે જેમ અરીસામાં સામેની ચીજ-બિંબનું પ્રતિબિંબ દેખાય છે તેમ જ્ઞાનમાં રાગાદિ કર્મ-નોકર્મ જે જ્ઞેય છે તે પ્રતિભાસે છે. તેથી રાગને કાળે રાગનું જે જ્ઞાન થાય એ રાગને લઈને નહિ પણ જ્ઞાનના સ્વપરપ્રકાશક સામર્થ્યને લઈને એ જ્ઞાન થાય છે. જ્યારે રાગનું જ્ઞાન રાગને લઈને નથી તો પછી રાગથી (રાગ કરતાં કરતાં) આત્માની નિર્મળદશા કેમ પ્રગટ થાય? શુભરાગ-વ્યવહાર સાધન (કારણ) અને નિર્મળદશા કાર્ય એમ શી રીતે થાય? ન જ થાય.
પ્રશ્નઃ–વ્યવહારને સાધન કહ્યું છે ને?
ઉત્તરઃ–એ તો બીજી રીતે કહ્યું છે. (નિશ્ચય) સાધનની જોડે બીજી ચીજ (વ્યવહાર) છે એને આરોપ કરીને સાધન કહ્યું છે, પણ ખરેખર એ સાધન નથી. શુભરાગ-વ્યવહાર છે એ નિશ્ચયને સાધે છે, વ્યવહારથી નિશ્ચય થાય છે, વ્યવહાર જે રાગ છે એનાથી વીતરાગતા થાય છે, વ્યવહાર જે દુઃખ છે એનાથી સુખ થાય છે’-એમ નથી, ભાઈ! (એ તો બધાં વ્યવહારનાં કથન છે)
ભાઈ! તારા જ્ઞાનનું સામર્થ્ય કોઈ અચિન્ત્ય છે. જે કાળે જેવા રાગાદિ (જ્ઞેય) હોય તેવું જ જ્ઞાન થઈ જાય છે એ જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે. તેમ છતાં આવો રાગ