પ૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ છે માટે આવું જ્ઞાન થયું એમ નથી, કેમકે રાગના અસ્તિત્વથી જ્ઞાનની પરિણતિનું અસ્તિત્વ ભિન્ન છે. આ તો સ્વાતંત્ર્યનો ઢંઢેરો છે, ભાઈ. રાગાદિ છે તે પર છે, અને પર્યાયમાં રાગાદિનું જે જ્ઞાન છે એ (સ્વ) મારું છે એવો ભેદજ્ઞાનસ્વરૂપ અનુભવ કયારે થાય? કે જ્યારે રાગાદિનું લક્ષ છોડી સ્વના લક્ષમાં જાય ત્યારે એની પરિણતિમાં ભેદજ્ઞાન થાય. શરીર, મન, વાણી ઇત્યાદિ નોકર્મ અને રાગાદિ કર્મ એ પર પુદ્ગલના જ છે અને એ જ્ઞેયોને જાણનારું જ્ઞાન તે મારું જ્ઞાયકનું છે એમ ભિન્નતા જાણી એક જ્ઞાયકની સત્તામાં જ લક્ષ કરે તેને ભેદજ્ઞાન થાય છે. આવો ભેદજ્ઞાનરૂપ અનુભવ કાં તો સ્વયમેવ ‘निसर्गात्’ અથવા તો ઉપદેશથી ‘अधिगमात्’ જ્યારે થાય છે ત્યારે જ તે પ્રતિબુદ્ધ થાય છે. થાય છે તો આ રીતે જ. (બીજી કોઈ રીત નથી) નિમિત્ત આવે તો ઉપાદાનમાં (કાર્ય) થાય એમ નથી. ભાઈ! ઉપાદાનના કાળે સ્વ પરપ્રકાશક પરિણતિ સ્વયં પોતાથી થાય છે. તે કાળે નિમિત્ત હોય, પણ નિમિત્તને લઈને, નિમિત્તની સત્તા છે માટે એને જ્ઞાન-પરિણતિ ઉત્પન્ન થઈ એમ નથી. આ ૧૯ મી ગાથાની ટીકાનો ભાવાર્થ કર્યો.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘ये’ જે પુરુષો ‘स्वतो वा अन्यतो वा’ પોતાથી જ અથવા પરના ઉપદેશથી ‘कथम् अपि हि’ કોઈ પણ પ્રકારે ‘भेदविज्ञानमूलाम्’ ભેદવિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિકારણ છે એવી ‘अनुभूतिम् अचलितम् लभन्ते’ અવિચળ (નિશ્ચળ) પોતાના આત્માની અનભૂતિને પામે છેઃ-શું કહે છે? જો કોઈ આત્મા પોતાથી જ એવું ભેદજ્ઞાન પ્રગટ કરે-એટલે રાગથી ભિન્ન જે જ્ઞાયકસ્વભાવરૂપ નિજ દ્રવ્ય તેનું લક્ષ કરે તો તે અવિચળ એટલે કદી ન પડે એવી આત્માની અનુભૂતિને પ્રાપ્ત થાય છે.
અરે ભાઈ! ચારે ગતિઓમાં રખડી રખડીને અનંતકાળ ગયો. ભ્રમણામાં ને ભ્રમણામાં અનંતભવના અનંત અવતાર કર્યા. એ બધું ભૂલી ગયો છે. પણ એ ભ્રમણા ભાંગે (દૂર થાય) તો ભવના અંત આવે એમ છે. એ કેમ ભાંગે? તો કહે છે કોઈ પણ પ્રકારે એટલે મહા પુરુષાર્થ કરીને પણ સ્વથી સીધો જ ભગવાન જ્ઞાયકભાવ ઉપર દ્રષ્ટિ કરતાં તે રાગથી ભિન્ન પડી જાય છે. મોક્ષ અધિકાર, ગાથા ૨૯૪ માં શિષ્યનો પ્રશ્ન છે કે-‘આત્મા અને બંધ બન્નેને કંઈ રીતે છેદી શકાય છે?’ તેનું સમાધાન આચાર્યદેવે કર્યું છે કે- “આત્મા અને બંધના નિયત સ્વલક્ષણોની સૂક્ષ્મ અંતઃસંધિમાં (અંતરંગની સંધિમાં) પ્રજ્ઞાછીણીને સાવધાન થઈને પટકવાથી (નાખવાથી, મારવાથી) તેમને છેદી શકાય છે અર્થાત્ જુદા કરી શકાય છે એમ અમે જાણીએ છીએ.” એટલે કે પ્રજ્ઞા- જ્ઞાનપર્યાયને રાગથી ભિન્ન કરીને પછી દ્રવ્યમાં એક્તા કરવાથી પરને (રાગાદિને) છેદી શકાય છે. આમ