સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬પ ] [ ૩પ૯
‘આ જગતમાં ચેતયિતા છે તે દર્શનગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહારે તે ચેતયિતાનું દ્રશ્ય છે.’
શું કીધું? આ જગતમાં ચેતયિતા-ભગવાન આત્મા છે તે દેખવાના-શ્રદ્ધવાના પરિપૂર્ણ સ્વભાવથી ભરેલું દ્રવ્ય છે. અહાહા....! દર્શક એટલે દેખનારો-શ્રદ્ધનારો એવો આ આત્મા દર્શનશક્તિથી પરિપૂર્ણ ભરેલો પદાર્થ છે. અહીં દર્શનગુણથી ભરેલો કહીને દેખવારૂપ અને શ્રદ્ધવારૂપ બન્ને ગુણની વાત કરી છે. અહાહા...! દેખવા-શ્રદ્ધવારૂપ દર્શનગુણથી ભરેલા સ્વભાવવાળું આત્મા એક દ્રવ્ય છે.
અને પુદ્ગલાદિ પરદ્રવ્ય, કહે છે, વ્યવહારે તે ચેતયિતાનું-આત્માનું દ્રશ્ય છે. એટલે શું? કે આત્મા શરીરાદિ ને રાગાદિ પરદ્રવ્યને દેખે છે એમ કહીએ તે વ્યવહારનયનું વચન છે. અહાહા...! આત્મા દેખવાની પર્યાયમાં દેખવાયોગ્ય પર ચીજને દેખે છે એમ કહીએ તે, કહે છે, વ્યવહારનયથી છે, અર્થાત્ તે વાસ્તવિક કથન નથી. ઝીણી વાત છે ભાઈ! દર્શનસ્વભાવથી ભરેલો ચેતયિતા પ્રભુ આત્મા પરને દેખે છે વા સાત તત્ત્વોની શ્રદ્ધા કરે છે એમ કહીએ એ વ્યવહારનયથી છે. હવે અત્યારે આવી પ્રરૂપણા ચાલતી નથી એટલે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ કરો એટલે ધર્મ થાય એમ લોકોમાં ચાલે છે, પણ બાપુ! ધર્મનું એવું સ્વરૂપ નથી. દયા, દાન, વ્રત આદિ કરવા એ તો દૂર રહો, અહીં તો કહે છે- એ દયા, દાન, વ્રત આદિ શુભરાગના પરિણામને આત્મા દેખે છે એમ કહીએ એય વ્યવહારથી છે, ઉપચારથી છે. અહાહા...! કહે છે-પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહારે તે (-દર્શક એવા) ચેતયિતાનું દ્રશ્ય છે. આવી વાત! હવે કહે છે-
‘હવે, દર્શક (દેખનારો અથવા શ્રદ્ધનારો) ચેતયિતા, દ્રશ્ય (દેખવાયોગ્ય અથવા શ્રદ્ધાવાયોગ્ય) જે પુદ્ગલાદિ પરદ્રવ્ય તેનો છે કે નથી? -એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છેઃ-
જો ચેતયિતા પુદ્ગલાદિનો હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે;- આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી, ચેતયિતા જો પુદ્ગલાદિનો હોય તો તો ચેતયિતા તે પુદ્ગલાદિ જ હોય (અર્થાત્ ચેતયિતા પુદ્ગલસ્વરૂપ જ હોવો જોઈએ). એમ હોતાં, ચેતયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્યદ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે, માટે (એ સિદ્ધ થયું કે) ચેતયિતા પુદ્ગલાદિનો નથી.’
અહાહા....! જુઓ, આ લોજીકથી વાત કરે છે. એમ કે આત્મા દ્રશ્ય પરવસ્તુને