૩૬૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ આવ્યો છે. માટે, કહે છે, દર્શક એવો આત્મા-ચેતયિતા પ્રભુ પુદ્ગલાદિનો નથી, રાગાદિનો નથી. હવે કહે છે -
‘(આગળ વિચારીએઃ) જો ચેતયિતા પુદ્ગલાદિનો નથી તો ચેતયિતા કોનો છે? ચેતયિતાનો જ ચેતયિતા છે. (આ) ચેતયિતાથી જુદો એવો બીજો ક્યો ચેતયિતા છે કે જેનો (આ) ચેતયિતા છે?
(આ) ચેતયિતાથી અન્ય કોઈ ચેતયિતા નથી. પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે?
કાંઈ સાધ્ય નથી. તો પછી દર્શક કોઈનો નથી, દર્શક દર્શક જ છે, -એ નિશ્ચય છે.’
અહાહા...! પૂછે છે કે-ચેતયિતા પુદ્ગલાદિ અને રાગાદિનો નથી તો ચેતયિતા કોનો છે? તો કહે છે-ચેતયિતાનો જ ચેતયિતા છે, દેખનારનો જ દેખનાર છે. હા, પણ દેખનારનો દેખનાર છે-એમ કહ્યું ત્યાં તો એ બે થયા; તો એ બે કોણ છે? અર્થાત્ દેખનારથી જુદો એવો બીજો ક્યો દેખનાર છે જેનો (આ) દેખનાર છે? તો કહે છે-કોઈ નહિ; અર્થાત્ એ બે નથી; પરંતુ તે બે એક ચેતયિતાના-દેખનારના જ સ્વ-સ્વામીરૂપ અંશો છે. ચેતયિતા પોતે જ સ્વ અને ચેતયિતા પોતે જ તેનો સ્વામી-એમ તેઓ બે અંશો છે.
અહો! કેવળીના કેડાયતી દિગંબર સંતોએ ગજબની વાત કરી છે. કહે છે- ચેતયિતા તે સ્વ અને ચેતયિતા તેનો સ્વામી એવા બે અંશરૂપ ભેદ-વ્યવહારથી જીવને કાંઈ લાભ નથી; કેમકે અંશ-ભેદના લક્ષે તો રાગ જ થાય છે. માટે, દર્શક દર્શક જ છે એ નિશ્ચય છે. આવો દર્શક ત્રિકાળી ધ્રુવ એકરૂપ અભેદ વસ્તુ છે તે સમ્યગ્દર્શનનો વિષય છે; અર્થાત્ શુદ્ધ દર્શક પ્રભુ આત્મા એકના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે.
અહાહા....! દયા, દાન, વ્રત આદિના પરિણામથી તો સમ્યગ્દર્શન નહિ, પણ તેને દેખવા-શ્રદ્ધવાથી પણ સમ્યગ્દર્શન નહિ. દેખનારનો દેખનાર છે એવા ભેદના લક્ષે પણ સમ્યગ્દર્શન થતું નથી. તો સમ્યગ્દર્શન કેમ થાય? તો કહે છે -હું એક જ્ઞાયક જ છું એમ અભેદની દ્રષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન થાય છે અને તે ધર્મનું પ્રથમ સોપાન છે. છહઢાલામાં આવે છે ને કે-
સમ્યક્તા ન લહે સો દર્શન, ધારો ભવ્ય પવિત્રા.