Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3388 of 4199

 

સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬પ ] [ ૩૬૯

ખડી પોતાની સફેદાઈપણે ઉપજે તેમાં ભીંત-આદિ પરદ્રવ્ય નિમિત્ત છે બસ. નિમિત્ત એટલે શું? કે સાથે એક બીજી ચીજ છે બસ એટલું જ; નિમિત્ત કાંઈ કરે છે એમ નહિ. હવે લોકોને આ મોટી તકરાર કે -નિમિત્ત તો છે ને? બાપુ! નિમિત્ત છે એનો અર્થ જ એ કે તે કાંઈ કરતું નથી. ખડીની સફેદાઈ ને શું ભીંત કરે છે? ના. ખડીમાં સફેદાઈ પોતાની પોતાથી થઈ છે તેમાં ભીંત-આદિ પરદ્રવ્ય નિમિત્ત છે બસ.

ખડી પોતાના શ્વેતગુણથી ભરેલા સ્વભાવના પરિણામથી ઉપજે છે, ભીંતપણે ઉપજતી નથી; તેમ જ ખડી ભીંતને પોતાના સફેદસ્વભાવપણે પરિણમાવતી નથી-કરતી નથી. ખડીની સફેદાઈને ભીંત નિમિત્ત છે, ને ભીતને ખડીની સફેદાઈ નિમિત્ત છે. બસ, આમ અરસપરસ નિમિત્ત છે એટલું, એકબીજાના કર્તા નથી. આ રીતે નિમિત્ત છે માટે (નિમિત્તની મુખ્યતાથી) ખડી ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવથી ધોળી કરે છે- એમ વ્યવહાર કરવામાં આવે છે. આ દ્રષ્ટાંત કહ્યું. હવે સિદ્ધાંત કહે છે-

‘તેવી રીતે જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવવાળો ચેતયિતા પણ, પોતે પુદ્ગલાદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતો થકો અને પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતો થકો, પુદ્ગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતો થકો, ચેતયિતા જેને નિમિત્ત છે એવા પોતાના (- પુદ્ગલાદિના) સ્વભાવના પરિણામ વડે ઉપજતા પુદ્ગલાદિ પરદ્રવ્યને, પોતાના (- ચેતયિતાના) સ્વભાવથી જાણે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે.’

અહાહા.....! જોયું? ચેતયિતા પ્રભુ આત્મા જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. અહા! આવો જ્ઞાનસ્વભાવી આત્મા પુદ્ગલાદિ પરદ્રવ્યના સ્વભાવે થતો નથી; અને આત્મા પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે જ્ઞાનપણે પરિણમાવતો-કરતો નથી. ઝીણી વાત છે ભાઈ!

અહીં કહે છે-જાણગ-જાણગ-જાણગ એવા જ્ઞાનસ્વભાવથી ભરેલો ભગવાન આત્મા દયા, દાન, વ્રત આદિ વ્યવહારરત્નત્રયના રાગપણે થતો નથી. વ્યવહારરત્નત્રયનો રાગ જ્ઞાનીને હોય છે, પણ જેને નિશ્ચય ધ્રુવ એક જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ થઈ છે તે જ્ઞાની રાગપણે થતો નથી. અહાહા....! જ્ઞાનસ્વભાવે પરિણમતો આત્મા પુદ્ગલાદિ પરદ્રવ્યને- વ્યવહારરત્નત્રયના રાગને જાણે છે ત્યાં આત્મા-જ્ઞાન વ્યવહારરત્નત્રયના રાગરૂપે થઈ જતો નથી, પુદ્ગલાદિરૂપ થઈ જતો નથી; તેમ આત્મા પુદ્ગલાદિ પરદ્રવ્યને, વ્યવહારરત્નત્રયના રાગને જ્ઞાનપણે કરતો-પરિણમાવતો નથી.