૩૭૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
અહાહા....! આત્મા જ્ઞાનસ્વભાવની નિર્મળ પર્યાયપણે ઉપજે ત્યાં વ્યવહારરત્નત્રય એમાં નિમિત્ત છે, પણ નિમિત્તથી કાંઈ જ્ઞાનની નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે એમ નથી. વ્યવહારરત્નત્રયના કારણે કાંઈ સમ્યગ્દર્શન-જ્ઞાન થયાં છે એમ નથી. આત્મામાં જ્ઞાન પોતાનું પોતાથી થયું છે, તેમાં પુદ્ગલાદિ પરદ્રવ્ય કે વ્યવહારરત્નત્રય આદિ નિમિત્ત છે બસ. નિમિત્તનો અર્થ જ એ છે કે તે ઉપાદાનમાં કાંઈ કરતું નથી; અન્યથા નિમિત્ત જ ન રહે, નિમિત્ત-ઉપાદાન એક થઈ જાય. બાપુ! આ તો ભગવાન કેવળીની વાણીમાં પ્રસિદ્ધ થયેલો ન્યાય છે.
જેમ ખડી ભીંતને ધોળી કરે છે એમ કહીએ ત્યાં ખડીની સફેદાઈ ભીંતરૂપે થતી નથી અને ખડી, ભીંતને સફેદાઈરૂપે પરિણમાવતી નથી તેમ ભગવાન આત્મા, અહાહા....! જ્ઞાનસ્વભાવી પ્રભુ-જેના દ્રવ્યભાવમાં જ્ઞાન-જ્ઞાન-જ્ઞાન વ્યાપ્યું છે, તે નિર્મળ જ્ઞાનપણે ઉપજે છે ત્યાં વ્યવહારરત્નત્રય આદિ નિમિત્ત હો, પણ ઉપજેલી તે જ્ઞાનની પર્યાય રત્નત્રયના એ રાગરૂપ થતી નથી અને તે જ્ઞાનની પર્યાય રાગને જ્ઞાનપણે પરિણમાવતી- કરતી નથી. જ્ઞાન જ્ઞાનપણે રહે છે, અને રાગ રાગરૂપ જ રહે છે. આવી વાત!
આ શરીરમાં કેન્સરનો રોગ થાય છે ને? શરીરમાં એક જાતનો સડો થાય તે કેન્સર છે. કોઈને આંતરડામાં, કોઈને છાતીમાં, કોઈને નાકમાં, કોઈને ગળામાં ને કોઈને પેશાબના સ્થાનમાં કેન્સર થતું હોય છે. અહા! એ કેન્સર થાય ત્યારે રાડે-રાડ પાડે છે માણસ. અહીં કહે છે-શરીરમાં કેન્સરની જે અવસ્થા થાય તેને આત્મા-જ્ઞાન જાણે છે, પણ જ્ઞાન પોતે તે-રૂપે પરિણમતું-થતું નથી, કે રોગની અવસ્થાને જ્ઞાનપણે કરતું નથી.
રોગ હો કે નીરોગ દશા હો, એ તો બધી પરવસ્તુ ભગવાન! એને જાણવું તે વ્યવહાર ત્યારે કહેવાય કે જ્યારે આને ત્રિકાળી ધ્રુવ ભગવાન જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ થઈને સમ્યગ્દર્શન-જ્ઞાન થયાં હોય. એ સિવાય તો બધો વ્યવહારાભાસ છે. શરીરની અને જ્ઞાનની પરિણતિને એક જાણે છે એને વ્યવહાર ક્યાં છે? નથી.
અહાહા...! જેને શુદ્ધ ચૈતન્યની-ભગવાન ધ્રુવસ્વરૂપની દ્રષ્ટિ થઈને સમ્યગ્દર્શન- જ્ઞાન થયાં છે એને ઓલો (વ્યવહારરત્નત્રયનો) રાગ છે તેને જાણેલો વ્યવહાર કહીએ, કેમકે રાગ ને જ્ઞાનની પરિણતિ બે એક નથી. જ્ઞાન રાગને જાણે એમ કહીએ તે વ્યવહાર કેમકે રાગ ને જ્ઞાન બે એક વસ્તુ નથી, ભિન્ન છે. સમજાણું કાંઈ....?
શરીર સુંદર હોય એની મીઠાશમાં અરે! એણે અંદર ત્રિકાળી પ્રભુની સુંદરતા ખોઈ નાખી છે; તેમ શુભરાગની મીઠાશમાં એણે શુદ્ધ ચૈતન્યના અનંતા સુખની