Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3433 of 4199

 

૪૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯

લ્યો, આમ ન્યાયથી-લોજીકથી સિદ્ધ કરે છે કે- ‘માટે એ રીતે દર્શન-જ્ઞાન-ચારિત્ર પુદ્ગલદ્રવ્યમાં નથી એમ સિદ્ધ થાય છે; કારણ કે જો એમ ન હોય તો દર્શન-જ્ઞાન- ચારિત્રનો ઘાત થતાં પુદ્ગલદ્રવ્યનો ઘાત અને પુદ્ગલદ્રવ્યનો ઘાત થતાં દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત અનિવાર્ય થાય (અર્થાત્ અવશ્ય થવો જોઈએ).’

અહા! જીવને જે રાગ-દ્વેષ-મોહના ભાવ ઉત્પન્ન થાય છે તે પોતાના શુદ્ધ આનંદકંદ પ્રભુ આત્માના ભાનના અભાવથી એટલે કે અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. રાગ- દ્વેષ-મોહ પરદ્રવ્યથી ઉત્પન્ન થતા નથી, પોતાના સ્વદ્રવ્યથી પણ ઉત્પન્ન થતા નથી; કેમકે પરદ્રવ્ય પોતાના સ્વભાવથી ભિન્ન છે અર્થાત્ પોતાના સ્વભાવો પરદ્રવ્યમાં છે નહિ, અને પોતાનું સ્વદ્રવ્ય તો સદાય શુદ્ધ ચૈતન્યમય વીતરાગસ્વભાવમય છે. અહીં આ સિદ્ધ કરવું છે કે-પરદ્રવ્યમાં પોતાના રાગદ્વેષમોહ નથી અને પરદ્રવ્યથી તેઓ ઉત્પન્ન થાય છે એમ પણ નથી; પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપના ભાનના અભાવથી, અજ્ઞાનથી, રાગ-દ્વેષ-મોહના ભાવો ઉત્પન્ન થાય છે. આવી વાત છે.

શરીરની ક્રિયા અને શુભ વ્રતાદિનાં અનુષ્ઠાન ન થઈ શકે એમાં તો પુદ્ગલનો ઘાત થાય છે, તેથી કરીને કાંઈ આત્માના ધર્મોનો ઘાત થાય એમ છે નહિ; કેમકે આત્મા અને પુદ્ગલ ભિન્ન ચીજ છે. ભાઈ! જીવને જે સમ્યગ્જ્ઞાન ઉત્પન્ન થાય છે એ કાંઈ સાંભળવાથી, ઈન્દ્રિયોથી, ભાવઇન્દ્રિયથી કે શુભરાગથી થાય છે એમ નથી; પરંતુ પોતાના સ્વસ્વરૂપના-ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્માના-આશ્રયે દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે.

સમ્યગ્જ્ઞાન (મતિ-શ્રુતજ્ઞાનને) તત્ત્વાર્થસૂત્રમાં પરોક્ષ કહ્યું છે ને?

હા, કહ્યું છે; પણ એ તો અપેક્ષાથી વાત કરી છે, અંદર પ્રત્યક્ષપણાનો ભાવ ગૌણપણે રહ્યો જ છે. ભાઈ! સમ્યગ્જ્ઞાન આત્માના લક્ષે ઉત્પન્ન થાય છે. અહીં કહે છે- આત્મજ્ઞાન-સમ્યગ્જ્ઞાન જે પ્રગટ થયું તેનો ઈન્દ્રિયના ઘાતથી કાંઈ ઘાત થતો નથી, તથા મન-ઈન્દ્રિય બરાબર હોય તેટલા માત્રથી આત્માનું જ્ઞાન પ્રગટ થાય છે એમ પણ નથી.

અરે! લોકોને મન એવો ભ્રમ ઘર કરી ગયો છે કે શરીરની ક્રિયા ને વ્રત-તપ આદિ રાગની ક્રિયાથી ધર્મ-સંવર થાય છે. પણ બાપુ! એમ છે નહિ. જુઓ, શું કહે છે? કે ઘટનો નાશ થતાં ઘટ-દીપકનો નાશ થતો નથી; તેમ ઈન્દ્રિયો અને વ્રતાદિની ક્રિયાનો ઘાત થતાં કાંઈ અંતરંગ આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્રનો નાશ થતો નથી. વળી વ્રતાદિની બાહ્ય ક્રિયાઓ એવી ને એવી હોવા છતાં અજ્ઞાનને કારણે દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થતો હોય છે, જેમ ઘટ એવો ને એવો હોય છે છતાં