Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3434 of 4199

 

સમયસાર ગાથા ૩૬૬ થી ૩૭૧ ] [ ૪૧પ ઘટ દીપકનો નાશ થતો હોય છે. ભાઈ! વ્રત-તપ-ભક્તિ ઇત્યાદિના પરિણામ પુદ્ગલના પરિણામ છે અને તેમાં આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્રના ધર્મો સમાતા નથી. તેથી પુદ્ગલની ક્રિયાથી આત્માનો સ્વભાવ ઉત્પન્ન થાય એમ કદીય બને નહિ; બાહ્ય વ્રત- તપની ક્રિયાથી આત્માનું ચારિત્ર પ્રગટે એમ કદીય છે નહિ. આવી વાત છે. હવે કહે છે-

‘આમ છે તેથી જે કોઈ જેટલા જીવના ગુણો છે તે બધાય પરદ્રવ્યોમાં નથી. અમે અમે સમ્યક્ પ્રકારે દેખીએ છીએ (-માનીએ છીએ); કારણ કે જો એમ ન હોય તો, અહીં પણ જીવના ગુણોનો ઘાત થતાં પુદ્ગલદ્રવ્યોનો ઘાત, અને પુદ્ગલદ્રવ્યનો ઘાત થતાં જીવના ગુણોનો ઘાત અનિવાર્ય થાય. (આ રીતે સિદ્ધ થયું કે જીવના કોઈ ગુણો પુદ્ગલદ્રવ્યમાં નથી).’

અહાહા.....! કહે છે- ‘આમ છે તેથી... , અર્થાત્ પુદ્ગલનો ઘાત થતાં જીવના ગુણોનો ઘાત થતો નથી, ને જીવના ગુણોનો ઘાત થતાં પુદ્ગલનો ઘાત થતો નથી-આમ છે તેથી જે કોઈ જેટલા જીવના ગુણો છે તે બધાય પરદ્રવ્યોમાં નથી. શું કીધું? આત્મામાં અનંત જ્ઞાન, દર્શન, સુખ, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા ઇત્યાદિ અનંત શક્તિઓ- ગુણો છે. તે બધા, કહે છે, પરદ્રવ્યોમાં નથી. આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય ને વ્રતાદિના વિકલ્પોમાં જીવના કોઈ ગુણો નથી. જો એમ ન હોય તો એકનો ઘાત થતાં બીજાનો ઘાત અનિવાર્ય થાય. પણ એમ થતું નથી.

ભાઈ! આ બધું સમજવું પડશે હોં; આત્માની સમજણ કરવાનો આ અમૂલ્ય અવસર છે. ભાઈ! આ અવસર ચાલ્યો જાય છે હોં. આ બહારની લક્ષ્મી ને આબરૂ એ તો કાંઈ નથી, ને આ વ્રત-તપ-ભક્તિ ઇત્યાદિ બધો રાગ છે, થોથાં છે. લોકો વાડામાં પડયા છે તેમને સત્ય શું છે એ બિચારાઓને સાંભળવા મળ્‌યું નથી. અહીં કહે છે-વ્રત, તપ, ભક્તિ આદિના પરિણામ પુદ્ગલની ક્રિયા છે ને તેમાં ચૈતન્યનો સ્વભાવ-ગુણ નથી. જીવના જેટલા ગુણો છે તે બધાય તે વ્રતાદિની ક્રિયામાં નથી, અને જીવના ગુણોમાં એ વ્રતાદિની ક્રિયા નથી.

અહાહા....! પોતાના કોઈ ગુણો પરદ્રવ્યમાં નથી. ભાઈ! આ તો ટૂંકા શબ્દોમાં બધું ઘણું ભરી દીધું છે. અહાહા.....! આચાર્ય ભગવંત એમ કહે છે કે-વીતરાગ જિનસ્વરૂપ પ્રભુ અમારો આત્મા છે, તેના આશ્રયે જે નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્ર-ગુણો અમને પ્રગટ થયા છે તે પરદ્રવ્યમાં અર્થાત્ વ્રતાદિરૂપ વ્યવહારરત્નત્રયમાં છે જ નહિ એમ સમ્યક્ પ્રકારે અમે દેખીએ છીએ, માનીએ છીએ. ભાઈ! આ તો જૈન પરમેશ્વરના પેટની વાતો દિગંબર સંતો ખુલ્લી કરે છે; કહે છે-અમારા કોઈ ગુણો પરદ્રવ્યમાં નથી એમ દેખીને અમે માનીએ છીએ.