૪૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
અરે! જ્યાં આત્માના ગુણો છે ત્યાં નજર કરતો નથી, ને જ્યાં આત્માના ગુણો નથી ત્યાં અનંતકાળથી નજર કર્યા કરે છે! આખો દિ’ વેપાર કરવામાં ને ભોગ ભોગવવામાં ને બાયડી-છોકરાં સાચવવામાં-એમ પાપની ક્રિયામાં ગુમાવી દે છે પણ એનાં ફળ બહુ માઠાં આવશે ભાઈ! બીજાને (-પુત્રપરિવારને) રાજી કરવામાં ને બીજાથી રાજી થવામાં બધો વખત વેડફી કાઢે પણ એનું ફળ બહુ આકરું આવશે પ્રભુ!
અરે ભાઈ! કોણ દીકરો ને કોણ બાપ? શું આત્મા કદી દીકરો છે? બાપ છે? એ તો બધો જૂઠો લૌકિક વ્યવહાર બાપા! એ બહારની કોઈ ચીજ તારામાં આવતી નથી, ને તું એ ચીજમાં કદીય જતો નથી. માટે પરદ્રવ્ય ઉપરથી દ્રષ્ટિ ખસેડી લે ને જ્યાં પોતાના ગુણો છે એવા ગુણધામ-સુખધામ પ્રભુ આત્મામાં દ્રષ્ટિ લગાવી દે. આ એક જ સુખનો ઉપાય છે, અને એ જ કર્તવ્ય છે. સમજાય છે કાંઈ...?
અહાહા...! આત્મા અનંતગુણનો પિંડ પ્રભુ છે. એના કોઈ ગુણ પરદ્રવ્યમાં એટલે દેહાદિ ને રાગાદિમાં નથી. શું કીધું? આ ઉપવાસ, બ્રહ્મચર્ય આદિ દેહની ક્રિયામાં ને વ્રત- તપ આદિ રાગની ક્રિયામાં ભગવાન આત્માના કોઈ ગુણો નથી. તો પછી દેહાદિ ને વ્રતાદિ સાધન વડે આત્માના ગુણ કેમ પ્રગટે? વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય કેમ પ્રગટે? ભાઈ! એ બધા વ્યવહારના ભાવ તો ભવના ભાવ છે બાપુ! એનાથી ભવ મળશે, ભવનો અંત નહિ આવે, એમાં નવીન શું છે? એ તો અનંતકાળથી તું કરતો આવ્યો છે. એ ક્રિયાના વિકલ્પો તારા ભવના અંતનો ઉપાય નથી ભાઈ! સંતો કહે છે-આત્માના ગુણો પરદ્રવ્યમાં છે જ નહિ; અર્થાત્ આત્માના ગુણો આત્મામાં જ છે. માટે આત્મામાં લક્ષ કર, તેથી તને આત્માના ગુણોની-દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ થશે.
અહીં તો એક કોર આત્મા ને એક કોર આખું જગત-એમ બે ભાગ પાડી દીધા છે. કહે છે-આત્માના ગુણો પરદ્રવ્યમાં નથી. માટે પરદ્રવ્યથી હઠી જા ને સ્વદ્રવ્યમાં દ્રષ્ટિ કર. સ્વદ્રવ્યના લક્ષે પરિણમતાં તને નિર્મળ રત્નત્રયની-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ થશે. ભાઈ! તારી દ્રષ્ટિનો વિષય એક તું જ છો, દેહેય નહિ, રાગાદિય નહિ ને એક સમયની વિકારી-નિર્વિકારી પર્યાય પણ નહિ. માટે દ્રષ્ટિ સ્વસ્વરૂપમાં લગાવી દે. બસ. આ એક જ કરવા જેવું છે. સમજાણું કાંઈ....? ભાઈ! અંતર્દ્રષ્ટિ વિના બહારથી વ્રતાદિ ધારણ કરે પણ એ માર્ગ નથી, એ તો સંસાર જ સંસાર છે. આવી વાત આકરી લાગે પણ આ સત્ય વાત છે. હવે કહે છે-
પ્રશ્નઃ– જો આમ છે તો સમ્યગ્દ્રષ્ટિને રાગ કયા કારણે થાય છે? ઉત્તરઃ– કોઈ પણ કારણે થતો નથી.