સમયસાર ગાથા ૩૬૬ થી ૩૭૧ ] [ ૪૧૭
ઉત્તરઃ– રાગ-દ્વેષ-મોહ, જીવના જ અજ્ઞાનમય પરિણામ છે (અર્થાત્ જીવનું
જુઓ, શિષ્ય પ્રશ્ન કરે છેઃ એમ કે પરમાં આત્માના ગુણ નથી, પરમાં આત્માના અવગુણ નથી, તો પછી સમ્યગ્દ્રષ્ટિને વિષયોમાં રાગ કયા કારણે થાય છે?
તો કહે છે -સાંભળ! જ્ઞાનીને કોઈ પરના કારણે રાગ થતો નથી. જ્ઞાનીને પાંચ ઈન્દ્રિયના વિષયમાં લક્ષ જાય ત્યારે કિંચિત્ રાગ થાય છે; પણ તેને રાગ કહેતા નથી, કેમકે મિથ્યાત્વ સંબંધીનો રાગ થાય તેને જ રાગ કહેવામાં આવે છે. પોતાની ચૈતન્યસત્તાને ભૂલીને પરને પોતાનું માને, પરથી-વ્રતાદિથી પોતાનું હિત થવું માને એવા મિથ્યાદ્રષ્ટિને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે; જ્ઞાનીને તે હોતા નથી.
તો પછી રાગની કઈ ખાણ છે? સાંભળ ભાઈ! રાગદ્વેષમોહ એ જીવના જ અજ્ઞાનમય પરિણામ છે, અર્થાત્ જીવનું સ્વસ્વરૂપ સંબંધી અજ્ઞાન જ રાગાદિક ઉપજવાની ખાણ છે. આવી વાત છે ભાઈ! એ રાગ પરદ્રવ્યથી નહિ, સ્વદ્રવ્યથી નહિ; પોતાનો અજ્ઞાનભાવ જ રાગની ખાણ છે. સમજાય છે કાંઈ....! હવે કહે છે-
‘માટે તે રાગદ્વેષમોહ વિષયોમાં નથી કારણ કે વિષયો પરદ્રવ્ય છે, અને સમ્યગ્દ્રષ્ટિમાં (પણ) નથી કારણ કે તેને અજ્ઞાનનો અભાવ છે; આ રીતે રાગદ્વેષમોહ, વિષયોમાં નહિ હોવાથી અને સમ્યગ્દ્રષ્ટિને (પણ) નહિ હોવાથી, (તેઓ) છે જ નહિ.’
અહા! આવું (સમજવું) તો બહુ કઠણ પડે. કઠણ પડે? શું કઠણ પડે? ભાઈ! આમાં ન સમજાય એવું તો કાંઈ છે નહિ. સમજણનો પિંડ પ્રભુ પોતે ને ન સમજાય એમ કેમ બને? પણ આ સમજવા માટે નિવૃત્તિ તો લેવી જોઈએ ને! આ સરકારી નોકરો તો પંચાવન વર્ષની ઉંમરે રીટાયર્ડ-નિવૃત્ત થઈ જાય, પણ આ ધંધાપાણીના રસિયા તો ૭૦-૮૦ વર્ષના થાય છતાં ધંધાનો રસ ન છોડે અને કહે કે શેં સમજાય? પણ ભાઈ! આવું વીતરાગનું તત્ત્વ સમજવા માટે તો ખાસ નિવૃત્તિ લેવી પડશે. અહાહા...! આત્મા અંદરમાં સદા રાગથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ, નિવૃત્તસ્વરૂપ પ્રભુ છે. પરથી તો તે નિવૃત્ત જ છે, પણ અંતરસ્વરૂપની દ્રષ્ટિ કરી રાગથી નિવૃત્ત થતાં તે પર્યાયમાં નિવૃત્ત થાય છે અને તેનું નામ નિવૃત્તિ છે. સમજાણું કાંઈ...? હવે એણે કોઈ દિ’ વિચાર જ કર્યો નથી ને!